આઈસીસી એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથે શાકિબ અલ હસનની ટીમને સમયસર 50 ઓવર ન નાખવા બદલ સજા કરી

ધર્મશાલા
ધર્મશાલામાં ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 7મી મેચમાં બાંગ્લાદેશ(ઈંગ્લેન્ડ વિ. બાંગ્લાદેશ)ની ટીમને ઈંગ્લેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 4માંથી બહાર થઈ ગઈ હતી. હારની સાથે આઈસીસીએ ટીમને દંડ પણ ફટકાર્યો છે. આ રીતે શાકિબ અલ હસનની કેપ્ટનશીપવાળી ટીમને બે વખત ફટકો પડ્યો છે. આઈસીસીએ સ્લો ઓવર રેટ માટે બાંગ્લાદેશની ટીમને દંડ ફટકાર્યો છે.
આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની લીગ મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડ સામે સ્લો ઓવર રેટ જાળવવા બદલ બાંગ્લાદેશની ટીમને તેની મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવ્યો છે. આઈસીસી એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથે શાકિબ અલ હસનની ટીમને સમયસર 50 ઓવર ન નાખવા બદલ સજા કરી હતી. બાંગ્લાદેશની ટીમે એક ઓવર મોડી કરી હતી. આઈસીસીના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે બનાવવામાં આવેલા કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.2 મુજબ ટીમના દરેક ખેલાડીને એક ઓવરમાં વિલંબ કરવા બદલ મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવે છે. શાકિબ અલ હસને ટીમનો ગુનો સ્વીકાર્યો અને સૂચિત સજા પણ સ્વીકારી હતી. તેથી આ અંગે કોઈ સુનાવણી થશે નહીં.
ફિલ્ડ અમ્પાયર અહેસાન રઝા અને પોલ વિલ્સન, થર્ડ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક અને ચોથા અમ્પાયર કુમાર ધર્મસેનાએ ટીમ પર આ આરોપ લગાવ્યો હતો. આ પહેલા વન-ડે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાની ટીમને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. શ્રીલંકાને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકા સામે બે ઓવર મોડી ફેંકી હતી.