8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવા માટે રોકાણ વધારવામાં આવશે, જેથી દેશમાં કોઈપણ જગ્યાએથી 36 કલાકમાં આ બંદર પર પહોંચી શકાય
નવી દિલ્હી
ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઈએમઈઈસી)નું કામ શરૂ થઈ ગયું છે. જેમાં 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવામાં આ પ્રોજેક્ટમાં રૂ. 3.5 લાખ કરોડનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે આ પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાયાની ચર્ચાઓ થતી હતી, પણ ભારત સરકારનું કહેવું છે કે યુદ્ધનો પ્રભાવ આ પ્રોજેક્ટ પર નહિ પડે.
રેલ મંત્રી વૈષ્ણવએ જણાવ્યું હતું કે 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવા માટે રોકાણ વધારવામાં આવશે. જેથી દેશમાં કોઈપણ જગ્યાએથી 36 કલાકમાં આ બંદર પર પહોંચી શકાય અને આઈએમઈઈસીનો ઉપયોગ કરીને પોતાનો માલ મિડલ ઈસ્ટ યુરોપમાં સરળતાથી મોકલી શકાય. રૂ. 3.5 લાખ કરોડના પ્રોજેક્ટમાં ઘણી યોજનાઓ સામેલ છે.
જી-20 શિખર સંમેલનમાં ઇન્ડિયન મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરીડોરની (આઈએમઈઈસી) જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. જેને ચીનના બીઆરઆઈ પ્રોજેક્ટના જવાબ રૂપે જોવામાં આવે છે. આ બાબતે અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડને ઓવલ ઓફીસના તેમના ભાષણમાં આઈએમઈઈસીને એક મહત્વનો પ્રોજેક્ટ ગણાવ્યો હતો.
આ યોજના અંતર્ગત ભારતીય બંદરોથી જહાજની મદદથી યુએઈમાં ફુજૈરા સુધી માલ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી કન્ટેનરોને ટ્રેન મારફતે ઈઝરાયેલમાં હાઇફા સુધી લઇ જવામાં આવશે. હાઇફાથી કન્ટેનરોને ઇટલી, ફ્રાંસ, યૂકે, અમેરિકા અને યુરોપ પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ કેટલીક હિલચાલ ગ્રીસ અને ઉત્તર આફ્રિકાના બંદરો પર પણ જોઈ શકાય છે.