ચીન સાથે દેશનો વેપાર મામલે પાકિસ્તાની અખબાર ડૉને સવાલો ઉઠાવ્યા

ઈસ્લામાબાદ
પાકિસ્તાને ચીન સાથે મિત્રતા કરવી ભારે પડી હોય તેવો પાક મીડિયા આક્ષેપ કરી રહ્યું છે. ચીન સાથે દેશનો વેપાર મામલે પાકિસ્તાની અખબાર ડૉને સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે, આ મિત્રતા માત્ર આપણા નુકસાન પુરતી જ રહી છે. ઈકોનોમીના જાણકાર પત્રકાર ખુર્ર હુસેને એક લેખમાં ‘ચીન સાથે પાકિસ્તાનનો વેપાર’ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેના કારણે જ પાકિસ્તાની દુર્દશા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
હુસેનના લેખમાં જણાવ્યું મુજબ, ચીન માટે પાકિસ્તાન વિશેષ નથી, ડ્રેગન જેમ અન્ય દેશો સાથે વેપારમાં નફો રડે છે, તેમ પાકિસ્તાન પાસેથી પણ લઈ રહ્યો છે. આપણો ચીન સાથે લગભગ 90 અબજ ડૉલર વેપાર થયો છે. એનો અર્થ એ કે, માલ અને સેવાઓના બદલે પાકિસ્તાનમાંથી 90 અબજ ડૉલરની મોટી મૂડી ચીન જતી રહી. ત્યારબાદ આપણે ગલ્ફ દેશો પાસેથી ખરીદેલા ક્રુડમાં મોટી મૂડી જતી રહી.
હુસૈને કહ્યું કે, ચીન કરતાં અમેરિકા, યૂરોપ જેવા દેશોમાંથી વેપાર કરવો આપણા માટે વધુ સારું છે. તેમણે લખ્યું કે, આપણો અમેરિકા સાથે વેપાર 34 બિલિયન ડૉલર અને બ્રિટન સાથે 12 અબજ ડૉલર સરપ્લસ છે. આનો અર્થ એ કે, આપણે અમેરિકા-બ્રિટન પાસેથી જે કમાણી કરી, તે ચીન સાથેના વેપારમાં ખર્ચ કરી દઈએ છીએ.
મહત્વની વાત એ છે કે, આ એ જ ચીન છે, જે પાકિસ્તાને હંમેશા પોતાનો સદાબહાર મિત્ર કહી રહ્યો છે. ખુર્રમે વધુમાં લખ્યું છે કે, માત્ર પાકિસ્તાન સિવાય ચીનનો અન્ય દેશો સાથેનો વેપાર સરપ્લસમાં છે, જોકે હવે તેઓ આ બાબતને સમજી ગયા છે અને યોગ્ય નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે ભારતનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ચીનનો ભારત સાથેનો વેપાર પણ સરપ્લસમાં છે, જોકે ભારત પોતાની વેપાર નીતિ બદલી રહ્યું છે. તેમણે લખ્યું કે, આપણે ચીન સાથે ભાવનાઓના આધારે સંબંધો ન રાખવા જોઈએ, પરંતુ હકીકત અને જરૂરીયાત મુજબ વાત કરવી પડશે.
હુસૈને લખ્યું કે, પાકિસ્તાને ચીનથી સાવચેત રહેવું જોઈએ, જોકે આપણો દેશ હજુ પણ ચીન પાસેથી લોન લઈ રહ્યું છે, જેના કારણે સંકટ વધુ ઘેરુ બની રહ્યું છે. ચીન એવી પણ સલાહ આપે છે કે, પાકિસ્તાને ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ફરી વિચાર કરવો જોઈએ, જોકે આનાથી ચીનને જ ફાયદો થશે, જ્યારે આપણા નાણાં તો જતા જ જઈ રહ્યા છે.
