સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટ સાથે જોડાયા, માઇક્રોસોફ્ટની રીસર્ચ ટીમમાં પણ જોડાશે

Spread the love

ઓલ્ટમેનની નિમણુંકની જાહેરાત કરતા માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ પોસ્ટ કર્યું કે, અમે ઓપનએઆઈ સાથેની અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ
વોશિંગ્ટન
ઓપનએઆઈમાંથી સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ હવે તેને લઇ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ઓપનએઆઈમાંથી હાકલપટ્ટી બાદ સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટ સાથે જોડાયા છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ આ અંગે જાણકારી આપી હતી. સેમ ઓલ્ટમેન સિવાય ગ્રેગ બ્રોકમેન નવી અદ્યતન એઆઈ રીસર્ચ ટીમનું નેતૃત્વ કરવા માટે માઇક્રોસોફ્ટની રીસર્ચ ટીમમાં પણ જોડાશે.
ઓલ્ટમેનની નિમણુંકની જાહેરાત કરતા માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ પોસ્ટ કર્યું કે, અમે ઓપનએઆઈ સાથેની અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી પ્રોડક્ટના રોડમેપ પર વિશ્વાસ ધરાવીએ છીએ, અમે માઈક્રોસોફ્ટ લિગ્નાઈટ પર જે પણ જાહેરાત કરી છે તેની સાથે નવીનતા લાવવાની અમારી ક્ષમતા અને ગ્રાહકો તેમજ ભાગીદારોને સમર્થન આપવા પર વિશ્વાસ છે.
અમે એમ્મેટ શીયર અને ઓએઆઈ ની નવી લીડરશીપ ટીમને જાણવા અને તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ, અને અમે આ સમાચાર શેર કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ કે સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેનના સાથીદારો સાથે, માઈક્રોસોફ્ટની નવી અદ્યતન એઆઈ સંશોધન ટીમનું નેતૃત્વ કરશે. અમે તેમની સફળતા માટે જરૂરી સંસાધનો પ્રદાન કરવા માટે ઝડપથી આગળ વધવા માટે આતુર છીએ. માઇક્રોસોફ્ટે ઓપનએઆઈ માં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને બિંગ સહિતની તેની ઓફરિંગમાં કંપનીની ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.
બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. ઓપનએઆઈએ આ માહિતી આપી હતી. પૂર્વ સીઈઓ ઓલ્ટમેને સોશ્યલ મીડિયામાં માહિતી આપતા લખ્યું હતું કે, ઓપનએઆઈમાં વિતાવેલો સમય મને ગમ્યો અને મને કંપનીમાં પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનો સૌથી વધુ આનંદ આવ્યો છે. રાજીનામું એ પરિવર્તનકારી નિર્ણય હતો અને હવે હું શું કરીશ, શું થશે તે હું તમને પછી જણાવીશ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતી હાલના સમય માટે વચગાળાના સીઈઓ તરીકેનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત કંપની કાયમી સીઈઓની શોધ પણ ચાલુ રાખશે. આ સિવાય ઓપનએઆઈના પ્રમુખ ગ્રેગ બ્રોકમેન બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *