
ગાંધીધામ
વર્ષનો પ્રારંભ થતાં જ ગુજરાત ટેબલ ટેનિસ જગતે નવી ઊંચાઈઓ સર કરવાની શરૂઆત કરી દીધી છે.
85મી યુટીટી ઈન્ટર સ્ટેટ યુથ અને જુનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ હાલ નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કોલકાતા ખાતે ચાલી રહી છે, જ્યાં ગુજરાતની અંડર-19 ગર્લ્સ ટીમ ઈતિહાસમાં પ્રથમવાર નેશનલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી છે. આ સાથે ગર્લ્સ અંડર-19 ટીમે નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો ઈતિહાસનો પ્રથમ બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો.
ગુજરાતની ગર્લ્સ ટીમે અંડર-19નાં ગ્રૂપ સ્ટેજમાં ઝારખંડ, આસામ અને મેઘાલયને માત આપ્યા બાદ રાજસ્થાનને 3-0થી હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, ઓઈસિકી અને તેની સાથી ખેલાડીઓ સેમિફાઈનલમાં હરિયાણા સામે લડત આપ્યા બાદ 3-2થી હારી હતી.
કેપ્ટન ઓઈસિકીએ પ્રથમ ગેમ જીતી ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે, રિયા અને જીયા પોતાની ગેમમાં હારતા હરિયાણાને લીડ મળી હતી. ઓઈસિકીએ ફરી એકવાર ચોથી ગેમ જીતી ટીમને મેચમાં જાળવી રાખી હતી.
પરંતુ અંતિમ અને નિર્ણાયક ગેમમાં રિયાનાં પરાજય સાથે ગુજરાતનાં શાનદાર અભિયાનનો અંત આવ્યો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)નાં પ્રમુખ, શ્રી પ્રમોદ ચૌધરીએ આ ઐતિહાસિક મેડલ વિશે કહ્યું કે,”આપણી અંડર-19 ગર્લ્સ ટીમ છેલ્લાં ઘણાં સમયથી સતત સારું રમી રહી છે, અમને ટીમ પાસેથી આવા જ પ્રદર્શનની આશા હતી. હું આ સફળતા બદલ ટીમને અભિનંદન પાઠવું છું.”
સેમિફાઈનલ પરિણામઃ ગુજરાતનો હરિયાણા સામે 2-3થી પરાજયઃ ઓઈસિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ પ્રિથોકી ચક્રવર્તી 11-9, 11-8, 11-7 (3-0), રિયા જયસ્વાલ હાર્યા વિરુદ્ધ સુહાના સૈની 2-11, 7-11, 11-13 (0-3), જીયા ત્રિવેદી હાર્યા વિરુદ્ધ સાન્વી દર્ગન 11-6, 11-9, 5-11, 4-11, 6-11 (2-3), ઓઈસિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ સુહાના સૈની 11-6, 1-11, 11-8, 4-11, 11-8 (3-2), રિયા જયસ્વાલ હાર્યા વિરુદ્ધ પ્રિથોકી ચક્રવર્તી 5-11, 5-11, 4-11 (0-3).
ક્વાર્ટર ફાઈનલનાં પરિણામ: ગુજરાત જીત્યા વિરુદ્ધ રાજસ્થાન 3-0: રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ સમાયરા શર્મા 11-7, 8-11, 11-6, 11-9, ઓઈસિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ સુનિધિ દિવાન 11-4, 11-7, 11-9, જીયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ અનુષ્કા આચાર્ય 12-10, 14-12, 2-11, 11-7).
ગુજરાતનાં ગ્રૂપ સ્ટેજનાં પરિણામઃ ઝારખંડને 3-0થી હરાવ્યું, આસામને 3-1થી હરાવ્યું, મેઘાલયને 3-0થી હરાવ્યું.