મુંબઈ
હેલ્થકેર ઇન્શ્યોરન્સ સૌથી ઝડપથી વિકસી રહેલો ઉદ્યોગ સેગમેન્ટ છે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ તેના પર વધુ ધ્યાન આપતી રહી છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એજન્સી ચેનલ, તેના બાન્કા પાર્ટનર્સ તથા ડિજિટલ અલાયન્સીસ દ્વારા હેલ્થ બિઝનેસમાં તેની વિતરણ પહોંચ વધારવામાં નોંધપાત્ર રોકાણ કર્યુ છે. આના લીધે હેલ્થ સેગમેન્ટમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બજાર હિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. આ બિઝનેસને વિકાસના આગામી તબક્કે લઇ જવાના હેતુથી ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ હેલ્થ પ્રોડક્ટ્સ, ઓપરેશન્સ અને સર્વિસીઝના હેડ તરીકે કુ. પ્રિયા દેશમુખની નિયુક્તિની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. તેમની નવી ભૂમિકામાં પ્રિયા કંપનીની હેલ્થ પ્રોડક્ટ્સ, અંડરરાઇટિંગ અને ક્લેઇમ્સની કામગીરી પર દેખરેખ કરશે. તેઓ આઈએલ ટેકકેર માટે પણ જવાબદાર રહેશે.
27 વર્ષની નોંધપાત્ર કારકિર્દી સાથે પ્રિયા હેલ્થ ઇન્શ્યોરન્સ અને હેલ્થકેર સેક્ટરમાં બિઝનેસ તથા સ્ટ્રેટેજિક ભૂમિકાઓમાં ખાસ્સો અનુભવ અને લીડરશિપ ધરાવે છે. તેમના વ્યાપક બેકગ્રાઉન્ડમાં મેક્સ બુપા, કોગ્નિઝન્ટ અને યુનાઇટેડ હેલ્થ ગ્રુપ જેવી કંપનીઓમાં સિનિયર લીડરશિપ ભૂમિકાઓનો સમાવેશ થાય છે જ્યાં તેમણે બિઝનેસ અને સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં જોડાતા પહેલા તેઓ મનિપાલ સિગ્ના હેલ્થ ઇન્શ્યોરન્સમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા.
પોતાની નિયુક્તિ અંગે પ્રિયા દેશમુખે જણાવ્યું હતું કે “હેલ્થ પ્રોડક્ટ્સ, ઓપરેશન્સ અને સર્વિસીઝના હેડ તરીકે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં જોડાવું એ મારા માટે સન્માનની વાત છે. નવીનતા અને ગ્રાહકોની સુખાકારી પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે હું આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે હેલ્થ ઇન્શ્યોરન્સ બિઝનેસને વધારવા માટે મારા અનુભવ તથા લીડરશિપનું યોગદાન આપવા માટે આતુર છું.”
પોતાની અંગત સિદ્ધિઓ ઉપરાંત પ્રિયાએ ઉદ્યોગમાં સક્રિયપણે યોગદાન આપ્યું છે. તેમણે હેલ્થકેર અને ઇન્શ્યોરન્સ સેક્ટર્સમાં સ્ટાર્ટ-અપ્સને પાયાના સ્તરેથી માર્ગદર્શન અને અનેક કંપનીઓમાં બોર્ડ મેમ્બર તથા સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સેવાઓ આપી છે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનૌના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે પ્રિયા તેમની નવી ભૂમિકામાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગના પ્રેક્ટિકલ જ્ઞાનનું અનોખું મિશ્રણ ધરાવે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હ્યુમન રિસોર્સીસના ચીફ જેરી જોસે જણાવ્યું હતું કે “પ્રિયાને અમારી ટીમમાં આવકારતા અમે આનંદિત છીએ. હેલ્થ ઇન્શ્યોરન્સ અને હેલ્થકેર ઉદ્યોગમાં તેમનો બહોળો અનુભવ તથા વિઝનરી લીડરશિપ તેમને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ટીમમાં અમૂલ્ય ઉમેરો બનાવે છે. અમને વિશ્વાસ છે કે પ્રિયાના માર્ગદર્શન હેઠળ અમારો હેલ્થ બિઝનેસ સફળતાના નવા શિખરો સર કરશે.”