એન્ટરટેઈનમેન્ટ અને સ્પોર્ટ્સમાં વર્લ્ડ ક્લાસ લીડર બનાવવા માટે કંપનીઓ ભારતમાં આવેલી સંબંધિત ડિજિટલ સ્ટ્રીમિંગ અને ટેલિવિઝન એસેટ્સને મર્જ કરશે
રિલાયન્સ સંયુક્ત સાહસમાં ₹11,500 કરોડનું રોકાણ કરશે
ડિઝની સંયુક્ત સાહસને કન્ટેન્ટ લાઇસન્સ પ્રદાન કરશે

Mumbai / Burbank, Calif.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“RIL”), વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (“Viacom18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (NYSE:DIS) (“Disney”) એ આજે વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસ (“JV”) ની રચના કરવા માટે બંધનકર્તા નિશ્ચિત કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે, Viacom18ના મીડિયા ઉપક્રમને કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી સ્કીમ ઓફ એરેન્જમેન્ટના અન્વયે સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“SIPL”)માં મર્જ કરવામાં આવશે.
વધુમાં, તેની વૃદ્ધિ માટેના આયોજનના ભાગરૂપે RIL આ સંયુક્ત સાહસમાં ₹11,500 કરોડ (~US$1.4 બિલિયન)નું રોકાણ કરવા સંમત થઈ છે.
આ ટ્રાન્ઝેક્શનમાં, પોસ્ટ-મની બેસીસ પર (રોકાણનું મૂલ્ય ગણતરીમાં લીધા બાદ), સંયુક્ત સાહસનું મૂલ્ય ₹70,352 કરોડ (~US$ 8.5 બિલિયન) આંકવામાં આવ્યું છે. ઉપરોક્ત તબક્કા પૂર્ણ થયા પછી, સંયુક્ત સાહસ RIL દ્વારા નિયંત્રિત થશે અને તેમાં RIL 16.34%, Viacom18 46.82% અને ડિઝની 36.84% હિસ્સાની માલિકી પ્રાપ્ત કરશે.
ડિઝની આ સંયુક્ત સાહસમાં અમુક વધારાની મીડિયા સંપત્તિઓનું યોગદાન પણ આપી શકે છે, જે નિયમનકારી અને થર્ડ-પાર્ટી મંજૂરીઓને આધીન રહેશે.
નીતા એમ. અંબાણી સંયુક્ત સાહસના અધ્યક્ષ હશે, તેમજ ઉદય શંકર ઉપાધ્યક્ષ તરીકે સંયુક્ત સાહસને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડશે.
આ સંયુક્ત સાહસ ભારતમાં એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ કન્ટેન્ટના અગ્રણી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકીનું એક હશે, જે જિયોસિનેમા અને હોટસ્ટારના માધ્યમથી ટેલિવિઝન અને ડિજીટલ પ્લેટફોર્મ્સમાં સૌથી વધારે અપેક્ષિત ઇવેન્ટ્સના એક્સેસ સહિત સમગ્ર એન્ટરટેઇનમેન્ટ (દા.ત. કલર્સ, સ્ટારપ્લસ, સ્ટારગોલ્ડ) અને સ્પોર્ટ્સ (દા.ત. સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18) એસેટ્સને એકસાથે લાવશે. સંયુક્ત સાહસના સમગ્ર ભારતમાં 750 મિલિયનથી વધુ દર્શકો હશે અને તે સમગ્ર વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાને સેવા આપશે.
આ JV ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં ડિજિટલ પરિવર્તનના યુગનું નેતૃત્વ કરશે અને ઉપભોક્તાઓને કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે હાઈ-ક્વોલિટી અને કોપ્રિહેન્સિવ કન્ટેન્ટ ઓફરિંગ્સ પ્રસ્તુત કરશે. મીડિયા એક્સપર્ટીઝ, અત્યાધુનિક ટેકનોલોજી અને વાયકોમ18 તથા સ્ટાર ઈન્ડિયાની વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટ લાયબ્રેરીના મિશ્રણ દ્વારા JVને અત્યંત કિફાયતી દરે નવીન અને સુગમ ડિજિટલ મનોરંજનની અનુભૂતિ પૂરી પાડવાની સાથે વધુ અપીલિંગ ઘરેલુ તેમજ વૈશ્વિક મનોરંજન કન્ટેન્ટ તથા સ્પોર્ટ્સ લાઈવસ્ટ્રીમિંગ સર્વિસીઝ ઓફર કરવાની સુવિધા પ્રાપ્ત થશે. ડિઝનીની વખાણાયેલી ફિલ્મો તેમજ શો વાયકોમ18ના પ્રસિધ્ધ પ્રોડક્શન્સ તથા સ્પોર્ટ્સ ઓફરિંગ્સની સાથે દર્શાવવા ઉપરાંત, આ JV ભારતમાં રહેતા લોકો તેમજ વૈશ્વિક ભારતીય ડાયસ્પોરાને પ્રભાવશાળી, સુગમ અને નવીન ડિજીટલ-ફોકસ્ડ એન્ટરટેઇનમેન્ટ અનુભવ પૂરો પાડશે.
આ JVને 30,000 કરતા વધુ ડિઝની કન્ટેન્ટ એસેટ્સના લાઈસન્સની સાથે, ભારતમાં ડિઝની ફિલ્મ્સ એન્ડ પ્રોડક્શન્સને ડિસ્ટ્રીબ્યૂટ કરવાના એક્સક્લુઝિવ રાઈટ્સ પણ પ્રાપ્ત થશે, જેના પગલે ભારતીય ઉપભોક્તાઓને મનોરંજનનો સંપૂર્ણ ગુચ્છો ધરાવતા વિકલ્પો પ્રાપ્ત થશે.
આ JV વિશે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતીય મનોરંજન ઉદ્યોગમાં નવા યુગના આગમનની ઘોષણા કરતો સીમાચિહ્નરૂપ કરાર છે. અમે હંમેશાથી ડિઝનીનો એક શ્રેષ્ઠ વૈશ્વિક મીડિયા ગ્રુપ તરીકે આદર કર્યો છે અને હવે અમને અમારા બહોળા સંસાધનો, રચનાત્મક કૌશલ્યો તેમજ માર્કેટિંગની સમજને સુસંગઠિત કરીને દેશભરના પ્રેક્ષકોને કીફાયતી દરે અતુલ્ય કન્ટેન્ટ પૂરું પાડવામાં મદદરૂપ થનારું આ વ્યૂહાત્મક સંયુક્ત સાહસ રચીને અમે ખૂબ રોમાંચિત છીએ. રિલાયન્સ ગ્રુપના ચાવીરૂપ ભાગીદાર તરીકે અમે ડિઝનીનું સ્વાગત કરીએ છીએ.”
વોલ્ટ ડિઝની કંપનીના CEO, બોબ ઈગરે જણાવ્યું હતું કે, “ભારત એ વિશ્વનું સૌથી વધુ વસતિ ધરાવતું બજાર છે, અને કંપની માટે લાંબા-ગાળાના મૂલ્યોની રચના કરવાની આ સંયુક્ત સાહસ થકી અમને મળનારી તકો માટે અમે રોમાંચિત છીએ. ભારતીય બજાર અને ગ્રાહકોની નાડ રિલાયન્સ સારી રીતે પારખે છે અને સાથે મળીને અમે દેશની અગ્રગણ્ય મીડિયા કંપની બનાવીશું, જે અમને ડિજિટલ સર્વિસીઝના વિશાળ પોર્ટફોલિયો તેમજ મનોરંજન અને સ્પોર્ટ્સ કન્ટેન્ટ સાથે ઉપભોક્તાઓને વધુ સારી સેવા પૂરી પાડવાની તક આપશે.”
બોધી ટ્રી સિસ્ટમ્સના સહ-સ્થાપક ઉદય શંકરે જણાવ્યું હતું કે, “રિલાયન્સ સાથેના અમારા સંબંધો હવે વિસ્તરીને તેના ફલકમાં ડિઝની જેવી મીડિયા અને મનોરંજન ક્ષેત્રની વૈશ્વિક અગ્રણીને સામેલ કરી રહ્યા છે તે અમારા માટે ગર્વની વાત છે. અમે બધા અમારા પ્રેક્ષકો, એડવર્ટાઈઝર્સ અને ભાગીદારોને અતુલ્ય મૂલ્ય પૂરું પાડવા કટિબદ્ધ છીએ. આ સંયુક્ત સાહસ થકી ભારતમાં મનોરંજન ક્ષેત્રના ભાવિનું ઘડતર કરાશે તેમજ ડિજિટલ ઈન્ડિયાના વિશ્વ માટે દૃષ્ટાંતરૂપ બનાવવાના માનનીય વડાપ્રધાનના વિઝનને પણ વેગવાન બનાવાશે.”
આ ટ્રાન્ઝેક્શન નિયમનકારી, શેરધારકો તેમજ ગ્રાહકોને લગતી મંજૂરીઓને આધિન છે અને કેલેન્ડર વર્ષ 2024ના છેલ્લા અથવા કેલેન્ડર વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં પરિપૂર્ણ થઈ જવાની અપેક્ષા છે.
આ ટ્રાન્ઝેક્શન અંગે ગોલ્ડમેન સાશ એ RIL અને વાયકોમ18ના નાણાકીય અને મૂલ્યાંકન પરામર્શક તરીકે તેમજ સ્કાડ્ડેન, આર્પ્સ, સ્લેટ, મેઘર એન્ડ ફ્લોમ LLP, ખૈતાન એન્ડ કંપની તથા શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપની લીગલ કાઉન્સેલ્સ તરીકે કાર્યરત છે. અર્ન્સ્ટ એન્ડ યંગે RIL તથા વાયકોમ18ને સ્વતંત્ર મૂલ્યાંકન પૂરું પાડ્યું છે, જ્યારે HSBC ઈન્ડિયાએ નાણાકીય પરામર્શક તરીકે કાર્યરત રહીને વાયકોમ18ને ફેરનેસ ઓપિનિયન પૂરો પાડ્યો છે.
રેઈન ગ્રુપ આ ટ્રાન્ઝેક્શન અંગે ડિઝનીના લીડ ફાયનાન્સિયલ એડવાઈઝર તરીકે કાર્યરત છે. સિટી એ ડિઝનીની ફાયનાન્સિયલ એડવાઈઝર છે. ક્લીયરલી ગોટલિબ એ ડિઝનીના આઉટસાઈડ કાઉન્સેલ છે અને કોવિંગ્ટન એન્ડ બર્લિંગ તેમજ AZB આ ટ્રાન્ઝેક્શન અંગે ડિઝનીના લીગલ કાઉન્સેલ તરીકે સેવા આપી રહ્યા છે. BDOએ SIPLને ઈન્ડિપેન્ડેન્ટ વેલ્યુએશન પૂરું પાડ્યું છે.
