એનઆરઆઈ ડિપોઝિટમાં અમદાવાદ સૌથી આગળ ત્યાર પછી કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટનો વારો આવે છે

નવી દિલ્હી
અમેરિકા, યુકે સહિતના દેશોમાં ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં વસે છે અને તેના કારણે ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટ પણ વધતી જાય છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતના પાંચ જિલ્લામાં 70 ટકા જેટલી એનઆરઆઈ ડિપોઝિટ જમા થઈ છે. તેમાં અમદાવાદ સૌથી આગળ છે. ત્યાર પછી કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટનો વારો આવે છે. આ ઉપરાંત નવસારી, ખેડા અને પોરબંદર પણ એનઆરઆઈ ડિપોઝિટ ધરાવતા ટોચના જિલ્લામાં સામેલ છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિના તાજેતરના અહેવાલ પ્રમાણે અમદાવાદ, કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટમાં કુલ 61,284 કરોડની એનઆરઆઈ ડિપોઝિટ જમા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં રાજ્યમાં કુલ 86,635 કરોડની એનઆરઆઈ ડિપોઝિટ હતી જેમાં આ પાંચ જિલ્લા જ 70 ટકા હિસ્સો ધરાવતા હતા.
બેન્ક ઉદ્યોગના સૂત્રો જણાવે છે કે હવે બેન્કો વધારે ઊંચું વ્યાજ ઓફર કરતી હોવાથી એનઆરઆઈ ડિપોઝિટમાં વધારો થયો છે. ગુજરાતમાં આણંદ, પોરબંદર, કચ્છ, ખેડા અને નવસારીને પહેલેથી જ એનઆરઆઈ બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રહે છે. તેથી એનઆરઆઈ ડિપોઝિટમાં પણ આ જિલ્લાઓનું મોટું યોગદાન છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરો મોટી વસતીના કારણે ડિપોઝિટમાં આગળ છે અને ત્યાં એનઆરઆઈ એકાઉન્ટ પણ વધારે છે.
ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં અમદાવાદમાં 18,495 કરોડ રૂપિયાની એનઆરઆઈ ડિપોઝિટ જમા હતી જ્યારે કચ્છ જિલ્લામાં 14,283 કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા હતી. વડોદરામાં 13,715 કરોડ અને આણંદમાં 7715 કરોડ રૂપિયાની એનઆરઆઈ ડિપોઝિટ હતી. જ્યારે રાજકોટમાં 7038 કરોડની એનઆરઆઈ ડિપોઝિટ હતી.
ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં એનઆરઆઈ ડિપોઝિટ 3.5 ટકા ઘટીને 86,635 રૂપિયા કરોડ થઈ હતી જે ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં 89,315 કરોડ રૂપિયા હતી. આ ગાળામાં રૂટિન ઉપાડ વધ્યો હોવાથી એનઆરઆઈ ડિપોઝિટમાં ઘટાડો થયો હતો.
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશ રહે છે અને તેઓ પોતાના વતનની બેન્કોમાં રૂપિયા જમા કરતા રહે છે. તેમાં તેમને વધારે સારા વ્યાજદરનો ફાયદો મળે છે. હાલમાં અમેરિકામાં પણ વ્યાજના દર 5થી 6 ટકા જેટલા છે. ભારતમાં આના કરતા સહેજ વધારે વ્યાજ પ્રાપ્ત થાય છે.
ગુજરાતના કેટલાક જિલ્લામાં એનઆરઆઈ ડિપોઝિટમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેમ કે બોટાદમાં એનઆરઆઈ ડિપોઝિટ 228 ટકા વધી છે જ્યારે અમરેલીમાં 117 ટકા, છોટા ઉદેપુરમાં 67 ટકા, અરવલ્લીમાં 51 ટકા અને સાબરકાંઠામાં 48 ટકાનો વધારો થયો હતો. મહેસાણામાં એક વર્ષમાં એનઆરઆઈ ડિપોઝિટમાં 40 ટકા વધારો થયો છે. બીજી તરફ કેટલાક જિલ્લામાં એનઆરઆઈ ડિપોઝિટમાં મોટો ઘટાડો થયો છે જેમાં અમદાવાદ અને ગાંધીનગર સૌથી આગળ છે. 2022 અને 2023ના ડિસેમ્બર ક્વાર્ટરની તુલના કરવામાં આવે તો અમદાવાદમાં એનઆરઆઈ ડિપોઝિટ 663 કરોડ ઘટી છે જ્યારે ગાંધીનગરમાં સૌથી વધુ 2104 કરોડનો ઘટાડો થયો છે.