ભારત ટૂંકમાં સમદ્રની ઊંડાઈની શોધ માટે સમુદ્રયાન શરૂ કરશે

Spread the love

ભારત આવતા વર્ષના અંત સુધીમાં સમુદ્રના અભ્યાસ માટે તેના વૈજ્ઞાનિકોને સમુદ્રતળની નીચે 6 કિલોમીટરની ઊંડાઈ સુધી મોકલી શકશે

નવી દિલ્હી

વર્ષ 2023માં ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, હવે ઈસરો ગગનયાન તરફ ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે ભારત ટૂંક સમયમાં સમુદ્રની ઊંડાઈમાં શોધ માટે સમુદ્રયાન શરૂ કરવા માટે તૈયાર છે. પૃથ્વી વિજ્ઞાનમંત્રી કિરણ રિજિજુએ સંકેત આપ્યા છે કે વર્ષ 2025ના અંત સુધીમાં કેટલાક સારા સમાચાર આવશે.

રિજિજુએ કહ્યું કે, “ભારત આવતા વર્ષના અંત સુધીમાં સમુદ્રના અભ્યાસ માટે તેના વૈજ્ઞાનિકોને સમુદ્રતળની નીચે 6 કિલોમીટરની ઊંડાઈ સુધી મોકલી શકશે.” રિજિજુએ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “ભારતની ડીપ સી સબમરીન ‘મત્સ્ય 6000’ પર કામ ચાલી રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ સબમરીન માણસોને સમુદ્રમાં 6,000 મીટરની ઉંડાઈ સુધી લઈ જવા માટે સક્ષમ હશે.”

રિજિજુએ વધુમાં જણાવ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે 2025ના અંત સુધીમાં, એટલે કે આવતા વર્ષ સુધીમાં, અમે 6,000 મીટરથી વધુ ઊંડા સમુદ્રમાં અમારા માનવ ક્રૂને મોકલી શકીશું. સમુદ્રયાન મિશન 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ ‘મત્સ્ય 6000’નો ઉપયોગ કરીને ક્રૂને મધ્ય હિંદ મહાસાગરમાં 6,000 મીટરની ઊંડાઈ સુધી પહોંચાડવામાં આવશે. તેના દ્વારા ત્રણ ક્રૂ મેમ્બર્સને સમુદ્રની અંદર અભ્યાસ માટે મોકલવામાં આવશે.”

વૈજ્ઞાનિક સેન્સર અને સાધનોથી આ સબમરીન સજ્જ હશે અને તેની ઓપરેશનલ ક્ષમતા 12 કલાક હશે, જેને કટોકટીની સ્થિતિમાં 96 કલાક સુધી વધારી શકાય છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોએ ઊંડા સમુદ્રી મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ભારત આવા મિશન માટે કુશળતા અને ક્ષમતાનું પ્રદર્શન કરીને આ દેશોની શ્રેણીમાં જોડાવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *