ચાર્લી ચૌહાણ અને રમનદીપ સિંહના લગ્ન: ફેન્સને મળ્યો મોટો ઝટકો, સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો છવાયા
મુંબઈ
પ્રખ્યાત યુવા ડ્રામા શો ‘કેસી યે યારિયાં’ ફેમ અભિનેત્રી ચાર્લી ચૌહાણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ક્રિકેટર રમનદીપ સિંહ સાથે ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા છે. આ કપલે અત્યાર સુધી પોતાના સંબંધોને મીડિયા અને લાઈમલાઈટથી બિલકુલ છુપાવીને રાખ્યા હતા, જેના કારણે તેમના લગ્નના ફોટા અને વીડિયો સામે આવતા જ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર આ નવદંપતીને અભિનંદન પાઠવી રહ્યા છે.
પારંપરિક પંજાબી-શિખ રીતિ-રિવાજોથી લગ્ન
સામે આવેલા લગ્નના વીડિયો અને તસવીરોમાં આ દંપતી ગુરુદ્વારામાં પારંપરિક સિખ રીતિ-રિવાજો સાથે લગ્ન કરતું જોવા મળી રહ્યું છે. ચાર્લી ચૌહાણ લાલ અને સોનેરી રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જેમાં તેણે સોનાનો ભારે હાર, માંગ-ટીકો, ચૂડો અને કલીરે જેવા લગ્નના પરંપરાગત ઘરેણાં પહેર્યા હતા. બીજી તરફ, ક્રિકેટર રમનદીપ સિંહ પરંપરાગત આઈવરી શેરવાની અને લાલ પાઘડીમાં ખૂબ જ શાનદાર દેખાઈ રહ્યા હતા.
આ સમારોહમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં નવદંપતી ખુશીથી નાચતા અને પોતાના ખાસ દિવસની મજા માણતા નજરે પડે છે. અન્ય એક ક્લિપમાં ચાર્લીની ખૂબ જ સુંદર હલ્દી સેરેમનીની ઝલક પણ જોવા મળે છે. ચાર્લી અને રમનદીપે ક્યારેય પોતાના સંબંધો વિશે જાહેરમાં વાત કરી ન હતી, તેથી આ લગ્ન ફેન્સ માટે એક સરપ્રાઈઝ પેકેજ સાબિત થયા છે.
સેલેબ્સ દ્વારા અભિનંદનની વર્ષા
અભિનેત્રી માહી વિજે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ લગ્નનો એક ફોટો શેર કરીને આ નવા જોડાને ખાસ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય અન્ય ઘણા સેલેબ્સે પણ ચાર્લી અને રમનદીપને તેમના નવા જીવનની શરૂઆત માટે શુભેચ્છાઓ આપી છે.
ચાર્લી ચૌહાણની કારકિર્દી અને ભૂતકાળના સંબંધો
ચાર્લી ચૌહાણે પોતાની કારકિર્દીની શરૂઆત ‘MTV Roadies 7’ થી કરી હતી, જેનાથી તેણે ઘણું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ પોપ્યુલર યુથ શો ‘કેસી યે યારિયાં’ માં મુક્તિ વર્ધનના પાત્રથી તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. 2014માં શરૂ થયેલો આ શો યુવાનોમાં અત્યંત લોકપ્રિય બન્યો હતો. તેણે કુવર અમર સાથે ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 5’ માં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તે ‘MTV Webbed’ અને ‘યે હૈ આશિકી 4’ જેવા શોમાં પણ જોવા મળી છે.
અભિનેત્રીની અંગત લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. ભૂતકાળમાં અભિનેતા અને ડાન્સર કુવર અમર સાથેના તેના સંબંધોએ પણ સોશિયલ મીડિયા અને ફેન્સ વચ્ચે ભારે ચર્ચા જગાવી હતી.
