વર્ષમાં બે આઈપીએલ માટે ટી10 ફોર્મેટ અંગે વિચારણા

Spread the love

બીસીસીઆઈ માટે એક વર્ષમાં બે આઈપીએલ માટે વિન્ડો શોધવી આસાન નહીં હોય

નવી દિલ્હી

આઈપીએલ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની એક છે. આઈપીએલના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. હવે આઈપીએલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ બીસીસીઆઈ એક વર્ષમાં બે વખત આ લીગનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે. આઈપીએલની 17મી સિઝન 22 માર્ચથી શરુ થવા જઈ રહી છે. આઈપીએલ 2024ની ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનાર છે.

અગાઉ ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ એક વર્ષમાં બે આઈપીએલની વાત કહી ચૂક્યા છે. એક વર્ષમાં બે આઈપીએલની વાત કરનાર રવિ શાસ્ત્રી પ્રથમ હતા એમ કહેવું ખોટું નહીં હોય. તેમણે કહ્યું હતું કે આ લીગની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં એક વર્ષમાં બે આઈપીએલનું આયોજન કરવામાં આવી શકે છે. 

બીસીસીઆઈ માટે સૌથી મોટો પડકાર યોગ્ય વિન્ડો શોધવાનો છે. એક વર્ષમાં બે આઈપીએલ ત્યારે જ શક્ય બનશે જો વર્ષમાં કોઈ આઈસીસી ઈવેન્ટ ન હોય અથવા તો ઘણી દ્વિપક્ષીય સીરિઝનું આયોજન ન થાય. આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલે આ ચેલેન્જ સ્વીકારી હતી. જો કે તેમણે વિકલ્પો શોધવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, “અમારે 84 મેચો અને પછી 94 મેચો માટે વિન્ડો શોધવાની જરૂર છે.”

બીસીસીઆઈ માટે એક વર્ષમાં બે આઈપીએલ માટે વિન્ડો શોધવી આસાન નહીં હોય. બીસીસીઆઈ બીજી આઈપીએલને ટી20ની જગ્યાએ ટી10 ફોર્મેટમાં આયોજિત કરી શકે તેવું બની શકે છે. આવી સ્થિતિમાં ઓછી વિન્ડોમાં મેચનું આયોજન થઇ શકે છે. જો કે અરુણ ધૂમલે પુષ્ટિ કરી છે કે ટી10 ફોર્મેટના સંબંધમાં હાલ કોઈ ચર્ચા થઇ નથી. જો કે તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ નિર્ણય રમતના શ્રેષ્ઠ હિતમાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *