સુરત
આજે વિશ્વ ટેબલ ટેનિસ દિવસના ઉપલક્ષમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ)એ તેના સુરતની તાપ્તી વેલી સ્કૂલ ખાતેના એસએજી-તાપ્તી વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.
આજના દિવસે વિશ્વ નં. 64 અને સ્થાનિક ખેલાડી હરમીત દેસાઈએ તેના ચુસ્ત તાલીમ કાર્યક્રમ માંથી સમય કાઢીને તાપ્તી વેલી સ્કૂલના 50 જેટલા બાળકોને બેઝિક ટેબલ ટેનિસ શીખડાવ્યું હતું.
તેને કંપની આપતાં ભારત નં. 3 વડોદરાના માનુષ શાહ જેણે ખેલાડીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. બંને ખેલાડીઓએ બાળકો અને અન્ય રમતપ્રેમીઓ માટે ટેબલ ટેનિસ બોલ પર હસ્તાક્ષર કર્યા હતા.
વર્લ્ડ નંબર 61 માનવ ઠક્કર, જે પણ સુરતનો છે, તે ફ્રાન્સમાં તેના તાલીમ કાર્યક્રમને કારણે આવી શક્યો ન હતો.
આ પ્રસંગે જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે “જીએસટીટીએ ટેબલ ટેનિસ રમતના વિસ્તારને વધારવા માટે પ્રતિબદ્ધ છે. ટેબલ ટેનિસ એક અદ્ભુત રમત છે. ઉપરાંત, તે હવે ભારતમાં વ્યાપક લોકપ્રિયતા ધરાવે છે અને આપણું રાષ્ટ્ર વિશ્વ સ્તરે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યું છે. વિશ્વ ટેબલ ટેનિસ દિવસ પર, અમે ઈચ્છીએ છીએ અને આશા રાખીએ છીએ કે વધુને વધુ બાળકો આ રમતમાં જોડાય.”
ભારતના નંબર 1 ખેલાડી હરમીતે તેના બાળપણના દિવસોને યાદ કર્યા હતાં અને કેવી રીતે બાળકોએ વહેલી શરૂઆત કરવી જોઈએ તેના પર ભાર મૂક્યો. “સખત મહેનતનું વળતર મળે છે અને મેં એ મેળવ્યું છે. હું આશા રાખું છું કે યુવા પેઢીના બાળકો પોતાની જાતને આગળ ધપાવે અને મહાન ઊંચાઈએ પહોંચે.”
ડાબોડી ખેલાડી માનુષ, જે એક સપ્તાહ માટે એસએજી-તાપ્તી વેલી હાઈ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટરમાં તાલીમ લેશે તે ઘણા બાળકોને ટેબલ ટેનિસમાં રસ ધરાવતા જોઈને આનંદિત થયો હતો અને જણાવ્યું હતું કે “ મેં મારા જીવનમાં ટેબલ ટેનિસના કારણે બધું જ હાંસલ કર્યું છે. જીએસટીટીએ જમીની સ્તર પર રમતને પ્રોત્સાહન આપવા માટે ખુબ સારું કાર્ય કરી રહ્યું છે”