ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય પુલકસાગરજી મહારાજનો અમદાવાદમાં બેથી નવ જૂન દરમિયાન જ્ઞાન ગંગા મહોત્સવ

અમદાવાદ
દેશ કો ખતરા બેઈમાનોં સે હૈ…, દેશ કી રાજનીતિ ધર્મ ચૂકતી હૈ, તબ મહાભારત હોતા હૈ…, મેરા દેશ સુન રહા હૈ તબ તક ભવિષ્ય સુનહરા હૈ…સબ કો જૈન નહીં, અચ્છે મેન બનાને કે મેરે પ્રયાસ…આ શબ્દો છે ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય પુલકસાગરજી મહારાજના. 90000 કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને અમદાવાદમાં પ્રથમ વખત આવેલા આચાર્ય અમદાવાદમાં બેથી નવ જૂન દરમિયાન જ્ઞાન ગંગા મહોત્સવમાં તેમની દિવ્યજ્ઞાનની અમૃતવાણી વહાવશે. દિગંબર જૈન સમાજ અમદાવાદ દ્વારા શહેરના મીઠાખળીમાં આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
દિગંબર જૈન સમાજના રાષ્ટ્રીય અઘ્યક્ષ ચંદુભાઈ કાલાએ આ અંગે જણાવ્યુ હતું કે આ મહોત્સવનો મોટા પ્રમાણમાં વિવિધ સમાજના લોકો લાભ લે એવી આશા છે. દિગંબર જૈન સમાજના પરમ સંરક્ષક સૌભાગ્યમલ કટારિયાએ જણાવ્યુ હતું કે, આચાર્ય પુલકસાગરજી મહારાજના દિવ્ય પ્રવચનના “જ્ઞાન ગંગા મહોત્સવ”નું આયોજન તા. 2 જૂન થી 9 જૂન દરમિયાન સવારે 8:30 થી 10:30 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે, જેનો લાભ શહેરમાં વસતા જૈનસમાજના લોકો તેમજ દરેક સમાજના લોકો પણ લઈ શકશે. આ અંગેની વધુ માહિતી આપતા દિગંબર જૈન સમાજ અમદાવાદના મુખ્ય સંયોજક ઋષભ જૈન એ જણાવ્યુ હતું કે આચાર્યએ સમાજના તમામ વર્ગોને સ્વીકાર્યા છે અને દિલાસો આપ્યો છે. આચાર્યશ્રીએ સમાજની વેદના અને પીડાને દૂર કરવા માટે તેમણે સતત ઘણી કોલેજો, શાળાઓ, મંદિરો અને જેલોની મુલાકાત પણ લીધી છે. આચાર્યએ તેમની કોલેજો, શાળઓ, મંદિરો અને જેલોની મુલાકાતના અનુભવ અંગે કહ્યું હતું કે મારો પ્રયાસ લોકોમાં નૈતિકતાના ગુણો દ્વારા માનવતા જગાવવાનો છે. દરેક જણ આ વાત સ્વિકારે એવું ન પણ બને પરંતુ જે લોકો કંઈક પામવા ઈચ્છે છે તેમનું હુંજ્ઞાનગંગા દ્વારા માર્ગદર્શન કરું છું.