પ્લેયર ડ્રાફ્ટનું આયોજન 10 જુલાઈનાં રોજ મુંબઈમાં થશે; ઓલિમ્પિક માટે પસંદ કરાયેલ ભારતનાં સિનિયર પેડલર શરથ કમલ, મણિકા, હરમીત, માનવ અને સાથિયાનને તેમની ફ્રેન્ચાઈઝીએ રિટેન કર્યા છે
યુટીટી 2024નું આયોજન 22 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈમાં કરાશે
નવી દિલ્હી
વર્લ્ડ નંબર-10 ખેલાડી રોમાનિયાની બર્નડેટ સ્જોક્સ, ભારતની ભાવિ સ્ટાર પેડલર શ્રીજા અકુલા, નાઈજીરિયાની ટોચની ખેલાડી ક્વાડ્રી અરુણા અને જર્મનીની નીના મિત્તલહમ 10 જુલાઈનાં રોજ મુંબઈમાં યોજાનાર અલ્ટીમેટ ટેબલ ટેનિસ (યુટીટી) 2024 પ્લેયર ડ્રાફ્ટ માટે મજબૂત લાઈન અપનું નેતૃત્ત્વ કરશે.29 વર્ષીય બર્નડેટ ત્રીજી વખત આ સ્પર્ધામાં ભાગ લેશે. વિશ્વમાં 16માં ક્રમે રહેલ ક્વાડ્રી ચોથીવાર આ ટૂર્નામેન્ટમાં રમશે, જ્યારે વિશ્વની 17માં ક્રમની ખેલાડી મિત્તલહમ આ વર્ષે યુટીટીમાં ડેબ્યૂ કરશે. 8 વિદેશી પુરુષો અને મહિલાઓ સહિત કુલ 47 ખેલાડી પ્લેયર ડ્રાફ્ટમાં સામેલ રહેશે અને 43 ખેલાડીઓને ટીમોમાં સામેલ કરાશે. હાલમાં જ ડબ્લ્યૂટીટી કન્ટેન્ડર સિંગલ્સ ટાઈટલ જીતનાર વિશ્વની 24માં ક્રમની ખેલાડી શ્રીજા એ આ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય પેડલર બની ઈતિહાસ રચ્યો હતો. આ સફળતા બાદ તે ભારતીય ખેલાડીઓમાં મુખ્ય આકર્ષણ રહેશે.
ભારતીય ટેબલ ટેનિસ એસોસિએશન (ટીટીએફઆઈ) નાં નેજા હેઠળ નીરજ બજાજ અને વીતા દાની દ્વારા પ્રમોટેડ આ ફ્રેન્ચાઈઝ બેઝ્ડ લીગ 2017માં પોતાની સ્થાપ્ના બાદથી જ ભારતીય ટેબલ ટેનિસ માટે ગેમચેન્જર રહી છે. પ્રથમવાર આ 8 ટીમોની લીગ રહેશે, જે યુવા ભારતીય પેડલર્સમાં વિશ્વનાં ટોચના ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવા પ્લેટફોર્મ પુરું પાડશે. યુટીટી 2024નું આયોજન 22 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર વચ્ચે ચેન્નાઈનાં જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં કરાશે.
સ્ટાર ભારતીય પેડલર અચંતા શરત કમલ (ચેન્નાઈ લાયન્સ), જી સાથિયાન (દબંગ દિલ્હી ટીટીસી), હરમીત દેસાઈ (ગોવા ચેલેન્જર્સ), માનવ ઠક્કર (યુ મુમ્બા ટીટી) અને મણિકા બત્રા (પીબીજી બેંગલુરુ સ્મેશર્સ) ને આગામી સિઝન માટે તેમની સંબંધિત ફ્રેન્ચાઈઝીએ પહેલા જ રિટેન કર્યા હતા.
પ્લેયર ડ્રાફ્ટનાં નિયમો અનુસાર, કોઈ ખેલાડી રિટેન ના કરનાર પુનેરી પલ્ટન ટેબલ ટેનિસ ઉપરાંત માત્ર 2 નવી ટીમો- જયપુર પેટ્રિયટ્સ અને અમદાવાદ એસજી પાઈપર્સ- ડ્રાફ્ટનાં પ્રારંભિક રાઉન્ડમાં ભાગ લેશે. તે પછી તમામ 8 ટીમો બીજા રાઉન્ડમાં એક્શનમાં જોવા મળશે, કારણ કે- દરેક ટીમે 6 સભ્યોની ટીમ બનાવવાની રહેશે, જેમાં 1 વિદેશી પુરુષ અને મહિલા ખેલાડી તથા 2 ભારતીય પુરુષ અને મહિલા ખેલાડી સામેલ રહેશે.
શ્રીજા ઉપરાંત પ્લેયર ડ્રાફ્ટમાં ડોમેસ્ટિક પ્રતિભાઓની યાદીમાં એશિયન ગેમ્સ ડબલ્સમાં બ્રોન્ઝ જીતનાર અયહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીની સાથો સાથ મહિલાઓમાં યશસ્વિની ઘોરપડે, દીયા ચિતાલે, પોયમંતી બૈસ્યા અને તનીષા કોટેચા જ્યારે પુરુષોમાં સ્નેહિત એસએફઆર, જીત ચંદ્રા, માનુષ શાહ અને યશાંશ મલિક જેવી ઊભરતી પ્રતિભા સામેલ છે.
યુટીટી પ્રમોટર્સ નીરજ બજાજ અને વીટા દાનીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે,”ગત અમુક વર્ષોમાં ભારતીય ટેબલ ટેનિસમાં શાનદાર વિકાસ જોવા મળ્યો છે. ટોપ-100માં 5 મહિલા ખેલાડીઓનું હોવું તેનું પ્રતિબિંબ છે. પ્લેયર ડ્રાફ્ટમાં ઘણા નવા ભારતીય ચેહરા જોવા મળી રહ્યાં છે. તે આ વાતનો પુરાવો છે કે- ભારતમાં ટેબલ ટેનિસે કેટલી પ્રગતિ કરી છે. અમને આનંદ છે કે- વિશ્વ સ્તરીય લીગ થકી યુટીટીનાં આગમનથી યુવા ખેલાડીઓના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવામાં સફળ રહ્યાં. હું આ ખેલાડીઓને આગામી સિઝનમાં પોતાની છાપ છોડતા જોવા માટે ઉત્સુક છું.”
ડ્રાફ્ટનો ભાગ બનવા માટે અન્ય પ્રમુખ વિદેશી સ્ટાર્સમાં 2024 વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનાં સિલ્વર મેડલિસ્ટ ફ્રાન્સનાં જૂલ્સ રોલેન્ડ અને લિલિયન બાર્ડેટ, 4 વખતનાં ઓલિમ્પિયન અને 2015 યુરોપિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ વિજેતા પોર્ટુગલનાં જોઆઓ મોન્ટેરો, 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપનાં સિલ્વર મેડલિસ્ટ સ્પેનનાં અલ્વારો રૉબલ્સ અને દક્ષિણ કોરિયાના વર્લ્ડ નંબર 70 ચો સેઉંગમિન સામેલ છે.
મહિલા ખેલાડીઓમાં ગત વર્ષે ગોવા ચેલેન્જર્સને ટાઈટલ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર થાઈલેન્ડની સુથાસિની સવેતાબુત (વર્લ્ડ રેન્કિંગ 56), સકુરા મોરી (વર્લ્ડ રેન્કિંગ 27), લિલી જાંગ (વર્લ્ડ રેન્કિંગ 30) અને ઓરાવાન પરાનાંગ (વર્લ્ડ રેન્કિંગ 30) ડ્રાફ્ટનો ભાગ રહેશે.
8 ટીમોને સામેલ કરવાની સાથે ફોર્મેટમાં થોડો ફેરફાર કરાયો છે. હવે તેઓ 4-4નાં ગ્રૂપમાં વહેંચાશે અને દરેક ટીમ લીગ સ્ટેજમાં 5 મેચ રમશે. જેમાં તેઓ પોતાના ગ્રૂપની ટીમો સાથે 1-1 વખત રમશે તથા 2 મેચ બીજા ગ્રૂપની રેન્ડમ પસંદગીથી નક્કી થયેલ ટીમ સામે રમશે. જેમના નામ ડ઼્રોથી નક્કી કરાશે.