હૈદરાબાદ
ગુજરાતની ક્રિકેટ ટીમે 2024-25ની રણજી ટ્રોફી સિઝનનો વિજય સાથે શુભારંભ કર્યો હતો અને સોમવારે હૈદરાબાદને 126 રનથી હરાવ્યું હતું. હૈદારાબાદ ખાતે રમાયેલી મેચના ચોથા દિવસે 297 રનના ટારગેટ સામે રમી રહેલી હૈદરાબાદની ટીમ તેના બીજા દાવમાં 170 રનમાં આઉટ થઈ ગઈ હતી જેમાં ગુજરાતના મોટા ભાગના બોલર્સે શાનદાર ભૂમિકા અદા કરી હતી.આ વિજય સાથે ગુજરાતે રણજી ટ્રોફીમાં પોઇન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન હાંસલ કરીને છ પોઇન્ટ મેળવી લીધા હતા. હૈદરાબાદે સોમવારે તેના બીજા દાવનો પ્રારંભ કર્યો અને તરત જ 12 રનના સ્કોર સુધીમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને વિકેટ અરઝાન નાગવાસવાલાએ લીધી હતી. ત્યાર બાદ ઓપનર અભિરથ રેડ્ડીએ મક્કમ બેટિંગ કરી હતી. તેણે 59 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સાથે 51 રન ફટકાર્યા હતા. અભિરથે ત્રીજી વિકેટ માટે રોહિત રાયડુ સાથે મળીને સ્કોર 76 સુધી પહોંચાડ્યો હતો પરંતુ આ તબક્કે ટીમે ફરીથી ઉપરા ઉપરી બે વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત રાયડુ 26 અને અભિરથ 51 રન ફટકારીને આઉટ થયા બાદ હૈદરાબાદનો પ્રતિકાર લગભગ શમી ગયો હતો.ત્યાર પછીના બેટ્સમેનમાં સીવી મિલિન્દ થોડો સમય ટકી ગયો હતો. તેણે 45 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત માટે લગભગ તમામ બોલરે યોગદાન આપ્યું હતું. પ્રિયજીત જાડેજાએ માત્ર 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી તો એટલી જ વિકેટ લેવા માટે રિંકેશ વાઘેલાએ બાવન રન આપ્યા હતા. આ ઉપરાંત સિદ્ધાર્થ દેસાઈ અને અરઝાન નાગવાસવાલાએ બે બે વિકેટ લીધી હતી.આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 343 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં હૈદરાબાદે 248 રનનો સ્કોર રજૂ કરતાં ગુજરાતને 95 રનની સરસાઈ મળી હતી. બીજા દાવમાં ગુજરાતે 201 રન નોંધાવતાં હૈદરાબાદને 296 રનનો ટારગેટ મળ્યો હતો. ગુજરાત માટે મનન હિંગરાજીયાએ પ્રથમ દાવમાં લડાયક 181 રન ફટકાર્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ગુજરાત વિરુદ્ધ હૈદરાબાદ
સ્કોરબોર્ડ
ગુજરાત (પ્રથમ દાવ) 343.હૈદરાબાદ (પ્રથમ દાવ) 248.ગુજરાત (બીજો દાવ) 201.હૈદરાબાદ (બીજો દાવ)
રન બોલ 4 6
તન્મય અગ્રવાલ બો. નાગવાસવાલા 1 12 0 0
અભિરથ કો. સિદ્ધાર્થ બો. રિંકેશ 51 59 7 1
રાહુલ સિંઘ એલબી. બો. નાગવાસવાલા 0 1 0 0
રોહિત રાયડુ બો. રિંકેશ 26 93 3 0
હિમતેજા કો. રિશી બો. પ્રિયજિત 29 55 4 1
રાદેશ કો. ઉર્વિલ બો. પ્રિયજિત 17 37 1 0
ત્યાગરાજન કો. ઉર્વિલ બો. પ્રિયજિત 1 12 0 0
મિલિન્દ કો. પ્રિયાંક બો. સિદ્ધાર્થ 28 45 3 1
અનિકેત રેડ્ડી કો. રિશી બો. સિદ્ધાર્થ 2 21 0 0
ચિંતાલા કો. પ્રિયાંક બો. રિંકેશ 7 23 1 0
નિશાન્ત અણનમ 0 0 0 0
એક્સ્ટ્રાઃ 08. કુલઃ (59.1 ઓવરમાં) 170.
વિકેટઃ 1-12, 2-12, 3-76, 4-83, 5-127, 6-130, 7-133, 8-145, 9-170, 10-170.
બોલિંગઃ સિદ્ધાર્થ દેસાઈઃ 16.3-1-47-2, અરઝાન નાગવાસવાલાઃ 12-4-28-2, ચિંતન ગજાઃ 9-3-16-0, પ્રિયજિત જાડેજાઃ 10-1-23-3, રિંકેશ વાઘેલાઃ 12-2-52-3.