ગાંધીધામ
ભારતીય ક્રમાંક 4 અને પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહેલા ગુજરાતના ટેબલ ટેનીસ ખેલાડી માનવ ઠક્કરએ 24 થી 29 નવેમ્બરથી દરમ્યાન ચંદીગઢ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RB) દ્વારા આયોજિત 51મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-ઈન્સ્ટિટ્યુશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સની ફાઇનલમાં હારી જતા સિલ્વર મેળવ્યો છે.
ફાઈનલમાં ચોથા ક્રમાંકિત અને સુરતના ખેલાડનો બીજા ક્રમાંકિત જી. સાથિયાન સામે 3-4 (11-6,12-14, 6-11, 11-9, 10-12, 13-11, 10- 12) થી પરાજય થયો હતો.
24 વર્ષીય માનવે અગાઉ સેમિફાઇનલમાં પીએસપીબીના સૌરવ સાહાને 4-2થી અને કવાટર ફાઈનલમાં આરબીઆઈના રાજ મંડલને 3-0 થી હરાવ્યો હતો.


અન્ય ગુજરાતી ખેલાડી અને તૃતીય ક્રમાંકિત માનુષ શાહએ આરબીઆઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેની વિજેતા સાથિયાન સામે 2-4 થી સેમીફાઈનલમાં હાર થતા તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
માનુષે ક્વાર્ટર્સમાં 11માં ક્રમાંકિત અને આઈએએડી(IA & AD)ના સ્નેહિતને 3 – 0થી અને પ્રી-ક્વાર્ટર્સમાં 13માં ક્રમાંકિત અને પીએસપીબીના એ.અમલરાજને 3 – 1થી હરાવ્યું હતું.
જોકે, ભારતના નંબર 1 અને ગુજરાતના હરમીત દેસાઈને, બિનક્રમાંકિત ખેલાડી કુશલ ચોપરા સામે રાઉન્ડ ઓફ 32માં આશ્ચર્યજનક રીતે હારનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, દેસાઈના પરિવારમાં હજુ પણ ઉજવણી ચાલી રહી હતી કારણ કે હરમીતની પત્ની અને અનુભવી ખેલાડી અને પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરતી, કૃત્વિકા સિન્હા રોય બ્રોન્ઝ મેડલ સાથે ઘરે પરત ફરી હતી. કૃતિવિકા ટૂર્નામેન્ટમાં બિનક્રમાંકિત હતી પરંતુ ભારતીય ખેલાડીએ તેની રમતને આગળ વધારીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેની 15મી ક્રમાંકિત અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની સ્વસ્તિકાઘોષ સામે 2 – 4 (4-11, 7-11, 11-9, 11-9, 9-11, 4-11) થી હારી જતા ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
કૃતિવિકાએ એક મહિના કરતાં ઓછા સમયમાં તેના ગળામાં બીજો મેડલ પહેર્યો છે. આ મહિનાની શરૂઆતમાં, તેણે પતિ હરમીત (બીજા ક્રમાંકિત) સાથે જોડી બનાવીને ટુર્નામેન્ટના ટોચના ક્રમાંકિત જોર્જ કેમ્પોસ અને ક્યુબાના ડેનિએલા કેરાઝાનાને 3-2થી હરાવ્યા હતા અને 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમ્યાન વેનેઝુએલાના કારાકાસમાં આયોજિત ડબ્લ્યુટીટી ફીડર ટુર્નામેન્ટની મિક્ષ ડબલ્સની ફાઇનલમાં વિજેતા બની હતી.