
અમદાવાદ
દહેરાદૂન ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સમાં ગુજરાતના ટેનિસ અને સ્વિમિંગ ખેલાડીઓએ આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. અગાઉ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ હાંસલ કર્યા બાદ ગુજરાતે વિમેન્સ ડબલ્સમાં સોમવારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાતની વૈદેહી ચૌધરી અને ઝીલે દેસાઈએ મળીને ફાઇનલમાં મહારાષ્ટ્રની પૂજા ઇંગલે અને આકાંક્ષા નિત્તુરે સામે 6-3, 6-2થી વિજય હાંસલ કર્યો હતો. આ ઉપરાંત વૈદેહી ચોધરીનો વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં આકાંક્ષા સામે 6-1, 6-0થી વિજય થયો હતો. દરમિયાન ગુજરાતના દેવ જાવિયાએ તામિલનાડુના મનીષ સુરેશ કુમાર સામેની સેમિફાઇનલમાં 6-2, 3-6, 6-4થી વિજય હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આમ ગુજરાતના ખેલાડીઓએ મેન્સ અને વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરતાં વધુ મેડલ જીતવાની તક પેદા કરી છે. બંને ફાઇનલ મંગળવારે રમાશે.
