ACTF ખાતે આજે ૧૧:૩૦ વાગ્યે ડબલ્સનો ફાઇનલ મુકાબલો રમાશે

અમદાવાદ
એસટીએફ ખાતે રમાતી વિમેન્સ આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને વિદેશી ખેલાડીઓની આગેકૂચ વચ્ચે ગુજરાતની તથા ભારતની ૧૩મી ક્રમાંકિત વૈદેહી ચૌધરીએ ટાઇટલ માટેની આશા જીવંત રાખી છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં કોરિયાની ૧૨મી ક્રમાંકિત સોહયુન પાર્કે એક્ટરિના રેનેગોલ્ડને ૬-૪, ૬-૨થી, આઠમી ક્રમાંકિત મારિયા ટેક્સેવાએ એનેસ્તેસિયા ગુરેવાને ૬-૪, ૬-૪થી, ભારતની વૈદેહી ચૌધરીએ જાપાનની પાંચમી ક્રમાંકિત હારુકા કાજી સામે બીજો સેંટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ ૬-૧, ૭-થી તથા ચોથી ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમ ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાની એરિના રોડિયોનોવાએ ફ્રાન્સની છઠ્ઠી ક્રમાંકિત એમાન્ડિની હેસેને ૬-૪, ૩-૬, ૭-૫થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

વિમેન્સ ડબલ્સમાં ભારતની અંકિતા રૈના અને વૈષ્ણવી અડકરીની જોડીએ ભારતની ઝીલ દેસાઈ તથા જાપાનની રિનો ઓકુવાકીની જોડી સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરીને પ-૭, ૬-૩, ૧૦-૮ના સ્કોરથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટાઇટલ મુકાબલામાં તેમનો સામનો જાપાનની અકિકો ઓમેઈ તથા આઈકુમી યામાઝાકીની જોડી સામે થશે જેમણે થાઇલેન્ડની થોસાપોની નાકલો અને બુનયાવી થામચાઈવાટ સામે ૭-૬, ૬-૦થી વિજય મેળવ્યો હતો.