અમદાવાદ
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેનેજમેન્ટ એસોશીએસન ખાતે ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતાં. આ પ્રસંગે આઈએએસ જંયતિ રવિ, ( સેક્રેટરી ઓરોવિલે ફાઉન્ડેશન)એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જ્યારે સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી પરીક્ષીતા રાઠોડ અને સેવાના વાઈસ પ્રેસિડેન્ટ હીના દવે અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતાં. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી હતી. આ એક દિવસીય કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતમાંથી 400થી પણ વધુ મહિલા ડોક્ટરોએ ભાગ લીધો હતો.
આ એક દિવસીય ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સમાં આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ ઇન મેડિકલ પ્રેકટીસના વિષય ઉપર પ્રો. પરાગ રુઘાની, હેલ્ધી વુમન-હેલ્ધી વર્લ્ડ વિષય ઉપર ડો. તીવેન મારવાહ, પરસ્યુટ ઓફ લોન્ગ લાસ્ટીંગ હેપીનેસ વિષય ઉપર પદ્મશ્રી ડો. સુધીર શાહ, નમસ્તે, સમજદાર મહિલાઓ! આ ખતરનાક ડિજિટલ દુનિયામાં સુરક્ષિત કેવી રીતે રહેવું? તે વિષય ઉપર ડો. યતીન મહેતા, અને ડો. હંસલ ભચેચનું લાગણીઓનું મેનેજમેન્ટ વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં સ્ટેન્ડ અપ કોમેડીયન સ્મિત પંડ્યાનો હાસ્યરસથી ભરપૂર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સ અંગે માહિતી આપતા કોન્ફરન્સનાં ચેરપર્સન ડો. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, ‘મહિલાઓનું સશક્તિકરણ, પ્રેરણાદાયક પરિવર્તન‘ની થીમ ઉપર એક દિવસની ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મહિલાઓ સામાજિક સંબેધોમાં આવતી સમસ્યાઓને લઇને ખૂબ જ માનસિક તણાવમાં રહેતી જોવા મળે છે, તેમજ આજની ડિજિટલ દુનિયામાં મોબાઇલ એડીક્શન તેમજ ડિજિટલી થતાં ફ્રોડથી કેવી રીતે સુરક્ષિત રહેવું?, આ સિવાય વર્તમાન સમયમાં કામ કરતી મહિલાઓ પોતાના પરિવારના સભ્યોની કાળજી રાખનારી પોતાના સ્વાસ્થ્ય અંગે ખૂબ જ બેદરકાર જોવા મળે છે. આવા મહિલાઓને સતાવતાં વિવિધ પ્રશ્નોમાંથી કેવી રીતે બહાર આવવું તે અંગેના નિષણાતોના વક્તવ્યો આ ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સમાં રાખવામાં આવ્યા હતાં, જેનાથી વર્કિંગ મહિલા તબીબોને પ્રેરણા મળશે અને તેઓ પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકશે.