ઓલિમ્પિક દિવસની ઉજવણીના માધ્યમથી ગુજરાત ખેલકૂદ, ફિટનેસ અને એકતાને પ્રોત્સાહન આપી રહ્યું છે

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GSID) એ ઓલિમ્પિક દિવસ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના “લેટ્સ મૂવ” અભિયાનમાં ગૌરવપૂર્વક ભાગ લીધો. “લેટ્સ મૂવ, પ્લસ વન: ધ પાવર ઑફ શૅર્ડ મૂવમેન્ટ”ની થીમ હેઠળ GSID એ નાગરિકોને ખેલકૂદ, ફિટનેસ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કર્યું હતું.

રવિવારે મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓલિમ્પિક દિવસની ઉજવણી 10 કિમી દોડ સાથે કરવામાં આવી હતી, જેનું આયોજન અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ (ADR) ક્લબ દ્વારા GSIDના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 350થી વધુ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે રમતગમત અને ફિટનેસ પ્રત્યે શહેરની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, 1894થી દર વર્ષે 23 જૂને આધુનિક ઓલિમ્પિક ગેમ્સને પ્રોત્સાહન આપવા માટે ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓલિમ્પિક દિવસ રમતગમત, આરોગ્ય અને તમામ વય અને પૃષ્ઠભૂમિના લોકોના જોડાણની ઉજવણી કરે છે. તે શારીરિક પ્રવૃત્તિ અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે, સાથે જ એકતા, શિસ્ત અને દ્રઢતા જેવા મુખ્ય ઓલિમ્પિક મૂલ્યોને સમર્થન આપે છે. ઓલિમ્પિક દિવસ દરેક વ્યક્તિ અને દેશને જીવનના તમામ પાસાઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરે છે.

ગુજરાત સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માનનીય રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ઓલિમ્પિક દિવસ એ બાબતની યાદ અપાવે છે કે, રમતગમત કેવી રીતે વિશિષ્ટ રીતે સંસ્કૃતિઓ અને સમુદાયોને એકસાથે લાવે છે. ગુજરાતને આ વૈશ્વિક ઉજવણીમાં સક્રિયપણે યોગદાન આપવાનો ગર્વ છે, જે વધુ સમાવિષ્ટ, સક્રિય અને ખેલકૂદનું વાતાવરણ ધરાવતા સમાજનું નિર્માણ કરે છે. લેટ્સ મૂવ એ ફક્ત એક થીમ જ નથી, તે જીવનશૈલીમાં પરિવર્તનનું માધ્યમ છે. આવા કાર્યક્રમો દ્વારા ગુજરાત રમતગમતને જીવનનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે”.

AUDAના ચીફ એક્ઝિક્યુટિવ ઑથોરિટી ડી.પી. દેસાઈ (IAS) એ જણાવ્યું હતું કે, “રમતગમત ક્ષેત્રે ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નેતૃત્વ કરવા માટે ગુજરાતે કમર કસી છે. વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ, વ્યાપક કાર્યક્રમો અને વધતી જતી જન ભાગીદારી સાથે, રાજ્ય રમતગમત, ફિટનેસ અને રમતગમતમાં ઉત્કૃષ્ટતા માટેનું એક જીવંત કેન્દ્ર બની રહ્યું છે.”

છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતે મજબૂત માળખાગત સુવિધાઓ, ખેલ મહાકુંભ જેવી નોંધનીય પહેલો અને સમુદાયોની ભાગીદારી દ્વારા રમતગમતને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું છે. રાજ્યએ યુવાનોની ભાગીદારી, તેમની પ્રતિભા અને ફિટનેસને સતત પ્રોત્સાહન આપીને પોતાને એક અગ્રણી સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કર્યું છે અને એ રીતે 2036 ઓલિમ્પિક જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર તરીકે ઉભર્યું છે. આ પ્રયાસો દર્શાવે છે કે, રાજ્ય રમતગમત ક્ષેત્રે પાયાના સ્તરે ફિટનેસથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના લક્ષ્યો સુધી સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *