
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સમર્થિત ટેબલ ટેનિસ લીગ – ગુજરાત સુપર લીગ (જીએસએલ)ની બીજી સિઝન વધુ ભવ્ય અંદાજમાં પરત ફરી રહી છે. સોમવારથી શરૂ થનારી આ લીગમાં 6 ટીમો શાનદાર આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય ખેલાડીઓ સાથે અમદાવાદમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે (ટાવર-ડી, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં) રોમાંચક મુકાબલાઓ રમવા ઉતરશે.
આ 3 દિવસીય ઈવેન્ટ (25, 26, 27 ઓગસ્ટ)ને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો સહકાર સાંપડેલો છે. ગુજરાત ટૂરિઝમ કો-સ્પોન્સર તરીકે અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) એસોસિએટ સ્પોન્સર તરીકે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેન્કિંગ પાર્ટનર તરીકે લીગ સાથે જોડાયા છે. આ દરમિયાન સ્ટીગા ઈક્વિપમેન્ટ પાર્ટનર, Cosco ફ્લોરિંગ પાર્ટનર, મોબીસ્પોર્ટ્સ સ્ટ્રિમિંગ પાર્ટનર અને શેલ્બી મલ્ટી સ્પેશ્યિાલિટી હોસ્પિટલ મેડિકલ પાર્ટનર રહેશે.
લીગની 6 ટીમો- તાપ્તિ ટાઈગર્સ (સિઝન-1ની વિજેતા), શામલ સ્કવૉડ (સિઝન-1 રનર અપ), ભાયાણી સ્ટાર્સ, કટારિયા કિંગ્સ, મલ્ટિમેટ માર્વેલ્સ અને ટોપનોચ એચિવર્સ- પાસે દેશના ટોચના પુરુષ ખેલાડીઓ જેમાં ગુજરાતનો ખેલાડી તથા દેશનો નંબર-1 એવો માનુષ શાહ, ઓલિમ્પિયન હરમિત દેસાઈ અને અર્જુન એવોર્ડી એ.અમલરાજ, ઈન્ડિયા નંબર-2 અંકુર ભટ્ટાચાર્જી અને ઈન્ડિયા નંબર-4 પાયસ જૈન સહિતના ખેલાડીઓ 5 લાખની પ્રાઈઝમની માટે ઉતરશે.
જ્યારે મહિલાઓમાં ભારતની નંબર-2 ખેલાડી સ્વસ્તિકા ઘોષ, યુવા અને ટેલેન્ટેડ ખેલાડી શિન્ડ્રેલા દાસ તથા પૂર્વ ઈન્ડિયા નંબર-1 મધુરિકા પાટકર પણ રોમાંચક ફોર્મેટમાં પોતાની ટીમને જીત અપાવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સહિત રાજ્યના સિનિયર ખેલાડીઓને પણ પોતાનું ટેલેન્ટ દેખાડવાની તક મળશે. જેમાં ચિત્રાક્ષ ભટ્ટ, જયનીલ મેહતા, રાધાપ્રિયા ગોયલ અને ફ્રેનાઝ છીપિયા સહિતના ખેલાડીઓ ટીમોમાં સામેલ છે.
સિનિયર ખેલાડીઓ ઉપરાંત ગુજરાતના જુનિયર ખેલાડીઓ જેમકે- પ્રથા પવાર, મોઉબોની ચેટર્જી, જન્મેજય પટેલ અને આયુષ તન્ના સહિતના ખેલાડીઓને શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ખભેખભા મળાવીને રમવાની તક મળશે.
વડોદરાનો માનુષ શાહ બીજી સિઝન માટે ઉત્સુક જોવા મળ્યો અને તેણે આ સિઝન વિશે કહ્યું કે,”અન્ય સ્પોર્ટ્સ લીગની જેમ જીએસએલ પણ રોમાંચક હોય છે, જેમાં અમે દરેક પોઈન્ટ હાંસલ કરવા ખડે પગે રહીએ છીએ. અમે લીગમાં ઉતરવા તૈયાર છીએ અને ટીમ તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું.”
હરમિત દેસાઈ ને તેની ટીમ મલ્ટિમેટ માર્વેલ્સે રિટેન કરી છે. લીગની બીજી સિઝન વિશે હરમિતે કહ્યું કે, લીગ એ રાજ્યના સિનિયર અને જૂનિયર ખેલાડીઓને તક આપવાનું અનોખું માધ્યમ છે. હરમિતે કહ્યું કે,”લીગનું ફોર્મેટ એવું છે કે, ટીમના આંતરરાષ્ટ્રીય ખેલાડી હોય કે જુનિયર ખેલાડી, તમામ મેચ જીતવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. આ લીગ સ્થાનિક અને ભાવિ ખેલાડીઓ માટે અનુભવ મેળવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.”
ટીમઃ
તાપ્તિ ટાઈગર્સઃ એ.અમલરાજ (કેપ્ટન), સ્વસ્તિકા ઘોષ, રિયા જાયસ્વાલ, ચાર્મી ત્રિવેદી, હિમાંશ દહિયા, જયનીલ મેહતા. કોચ તરીકે- એન. રવિ ચંદ્રન અને હ્રદય દેસાઈ.
શામલ સ્કવૉડઃ રિથ રિશ્યા (કેપ્ટન), સુધાંશુ ગ્રોવર, નામના જયસ્વાલ, અભિલાષ રાવલ, ધ્યેય જાની, નિધિ પ્રજાપતિ. કોચ તરીકે- પરાગ અગ્રવાલ અને ભાવિન દેસાઈ.
ટોપનોચ એચિવર્સઃ પાયસ જૈન (કેપ્ટન), મધુરિકા પાટકર, ચિત્રાક્ષ ભટ્ટ, ફ્રેનાઝ છીપિયા, અભિલાક્ષ પટેલ, દાનિયા ગોડિલ. કોચ તરીકે- અનોલ કશ્યપ અને શૈલેષ ગોસાઈ.
મલ્ટિમેટ માર્વેલ્સઃ હરમિત દેસાઈ (કેપ્ટન), સુહાના શૈની, રાધાપ્રિયા ગોયલ, પ્રથમ માદલાની, જન્મેજય પટેલ, વિશ્રુતિ જાદવ. કોચ તરીકે- દેવેશ કારિયા અને મિહિર ગાંધી.
કટારિયા કિંગ્સઃ માનુષ શાહ (કેપ્ટન), નિથ્યાશ્રી મની, ધૈર્યા પરમાર, પ્રથા પવાર, પૂજન ચંદારાણા, સિદ્ધિ બુલસારા. કોચ તરીકે- અંશુલ ગર્ગ અને નિલય વ્યાસ.
ભાયાણી સ્ટાર્સઃ અંકુર ભટ્ટાચાર્જી (કેપ્ટન), સિન્ડ્રેલા દાસ, જલય મહેતા, આયુષ તન્ના, મોઉબોની ચેટર્જી, જીયા ત્રિવેદી. કોચ તરીકે- સૌમ્યદીપ રોય અને દર્શિત જોશી.
