રમત કોઈ પણ હોય, તેમાં ખેલદીલી અનિવાર્ય પાસું છેઃ ભૂપેન્દ્ર પટેલ

Spread the love

સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશ દ્વારા નેશનલ સ્પોટર્સ ડે પર રાજ્યના 20 ખેલાડી-કોચને સન્માનિત કરાયા, મુખ્યમંત્રીએ ખેલમહાકુંભ-2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો, ઓલિમ્પિક મેડલ વિજેતા વેઈટલિફ્ટર મિરાબાઈ ચાનુની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદ

રમત કોઈ પણ હોય તેમાં ખેલદીલી અનિવાર્ય પાસુ છે, એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતીએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ અને નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા 20 જેટલા ખેલ મહાનુભાવોનું સન્માન કરવા દરમિયાન પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્વનો છે. કેમ કે કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે. વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતું અમદાવાદ આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લાઈફ ટાઈમ એચિવમેન્ટથી ક્રિકેટ કોચ એમ.એસ. કુરૈશીનું સન્માન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વડાપ્રધાનના વિઝનનો લાભ ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે તેમના વિઝનનું જ પરિણામ છે. ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભ 3.0માં રેકોર્ડબ્રેક 71 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-2025 માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. તેમાં પણ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપમેન્ટ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે રમત-ગમત ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ઉભરતા ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર, સાધન-સુવિધાઓ અને તાલીમ સરળતાથી પ્રાપ્ત થાય છે. બે દશકમાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. 2002માં રાજ્યમાં 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે રાજ્યના ખેલાડીઓ માટે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં નારણપુરા ખાતે 22 એકર વિસ્તારમાં મલ્ટી યુટીલિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગત એક દશકમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. હમણાં જ સંસદ સત્રમાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ સંશોધન વિધેયક 2025 પારિત કરીને કેન્દ્ર સરકારે ખેલાડીઓના હિતોના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે. ભારતને વૈશ્વિક રમતગમત ક્ષેત્રનું પાવરહાઉસ બનાવવા અને  2036 ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં મજબૂત દાવેદારી કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ પોલિસી-2025 પણ જાહેર કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ સૌને દેશમાં જ બનેલા સ્વદેશી ઉત્પાદન, રમતગમતના સાધન સામગ્રી ખરીદીને વોકલ ફોર લોકલ થકી  આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનએ જણાવ્યું હતું કે, ભારત આજે રમતગમત ક્ષેત્રે નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કરી રહ્યો છે તેમાં ગુજરાતનું પણ મોટું યોગદાન રહ્યું છે. રાજ્યમાં રમત ગમત પ્રવૃતિઓનો વ્યાપ ખૂબ પ્રશંસનીય રીતે વધી રહ્યો છે. આ પ્રવૃતિઓને જન જન સુધી પહોંચાડતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતનું યોગદાન પણ મહત્વનું છે. દેશમાં ‘ નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણીનો પ્રારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે.

પદ્મશ્રી અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે, ગુજરાત રમતગમત પ્રિય રાજ્ય છે. કોમનવેલ્થ ગેમમાં મને સિદ્ધિ મળી છે, તે પણ ગુજરાતમાં એ મારા માટે બહુ ગૌરવની વાત છે. તેમણે રમતવીરોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાની રમત પ્રત્યે શ્રેષ્ઠ પ્રદાન કરવાનો સંકલ્પ જ આપણી તાકાત છે. જ્યાં છો ત્યાંથી આગળ વધવાની કટિબદ્ધતા જ તમને શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે. આ માટે તાલીમ અને હાર્ડવર્ક પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે SJAG – સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.

આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનએ કહ્યું કે, આજના યુવાનો રમતગમત ક્ષેત્રે પણ વધુ સક્રિય બને અને પોતાની પ્રતિભા ઝળકાવે તે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રયાસો પણ રાજ્ય સરકારના અભિગમને પીઠબળ સમાન છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા અને ઉભરતા ખેલાડીઓને  સન્માનિત કરે છે એપણ એક ઉમદા કાર્ય છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ  તુષાર ત્રિવેદીએ કહ્યું કે, વર્ષ 1994માં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતની સ્થાપના થઈ છે. રમત ગમત ક્ષેત્રના તજજ્ઞના સહયોગથી અમે આગળ વધ્યા છીએ. રાજ્યનો રમતગમત વિભાગ પર અમારા માટે સહયોગી બન્યો છે. રમતો જ છે તે સંકળાયેલા લોકો સાથે ઉઘડતા રમતરોને યથોચીત સન્માન થાય અને રાજ્યની પ્રતિભાવો રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળે તે પ્રકારના પ્રયાસો સંસ્થા દ્વારા કરાય છે. આજે પણ 20 જેટલા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું છે.

એવોર્ડઃ  ઈમર્જીંગ પ્લેયર તરીકે કરાટેમાં અમાયરા વરુણ પટેલ, સ્વિમરમાં અરહાન હર્ષ, બિલિયર્ડ્સ આન્યા પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્લેયર ઓફ ધ ગેમમાં રુચિત મોરી- એથ્લેટિક્સ, અવંતિકા નેગી-જિમ્નાસ્ટ, કૃષ્ણપાલસિંહ ગોહિલ -બાસ્કેટબોલ, હવિશા બજાજ- બાસ્કેટબોલ, ધ્રુવિલ પટેલ -વોલીબૉલ, મોહમ્મદ મુર્તુઝા વાણીયા- ડેફ શૂટર, ખુશ્બુ સરોજને -ફૂટબોલમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ અનિકેત પટેલ – સોફ્ટ ટેનિસ, ઉર્વિલ પટેલ- ક્રિકેટર, ધ્વજ હારિયા – બિલિયર્ડ્સ, માનુષ શાહ – ટેબલ ટેનિસ, વિશ્વા વાસણાવાળા- ચેસને એવોર્ડ એનાયત કરાયા. કોન્ટ્રિબ્યૂશન ઈન સ્પોર્ટ્સમાં મકસૂદ ખાન -બોક્સિંગ કોચ, કુશલ સંગતાણી- ટેબલ ટેનિસ – શ્રીમલ ભટ્ટ, ટેનિસને એવોર્ડ એનાયત થયા છે. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમ્પાયર મહેન્દ્ર પંડ્યા અને ક્રિકેટ કોચ એમ.એસ.કુરૈશીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

આ સમારોહમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે, સેક્રેટરી આઈ.આર. વાળા, ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ,નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટ, ગુજરાત સમાચારના ભવેન કચ્છી અને રમત ગમત ક્ષેત્રે સંકળાયેલા ખેલાડીઓ તેમજ કોચ ઉપસ્થિત રહ્યાં હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ તુષાર ત્રિવેદી, વાઈસ પ્રેસિડન્ટ રિપ્પલ ક્રિસ્ટી, સેક્રેટરી નરેન્દ્ર આઈ. પંચોલી, જોઈન્ટ સેક્રેટરી અશોક મિસ્ત્રી, જિજ્ઞેશ વોરા, એક્ઝીક્યુટિવ કમિટીના સભ્યો અલી અસગર દેવજાણી, અધિરાજ જાડેજા. રાકેશ ગાંધી, સાબુ ચેરિયન, રામકૃષ્ણ પંડિત,શૈલેષ નાયક, ઉદય પટેલ, પ્રવિણ આહિર,મહેબુબ કુરૈશી, કલ્પેશ હડીયલ અને પેટર્ન હિતેષ પટેલ (પોચી)નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *