નવેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં યોજાનારી પિકલબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ ટ્રાયલ્સમાં પસંદગી પામનારા ખેલાડીઓ ભાગ લેશે, ગુજરાતના અમન પટેલ અને રક્ષિતા રવિની પ્રથમ દિવસે પસંદગી
અમદાવાદ
કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતીય પિકલબોલ એસોસિએશન (IPA) દ્વારા અમદાવાદમાં પ્રથમવાર ભારતની સત્તાવાર પિકલબોલ ટીમની પસંદગી માટે ઐતિહાસિક સિલેક્શન ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
2 દિવસીય ટ્રાયલ્સ (30 અને 31 ઓગસ્ટ) ના દરમિયાન પસંદગી પામનાર ખેલાડીઓ પિકલબોલ વર્લ્ડ કપની બીજી સિઝનમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે. ગ્લોબલ પિકલબોલ ફેડરેશન દ્વારા મંજૂરી ધરાવતા આ પિકલબોલ વર્લ્ડ કપ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025 દરમિયાન ફ્લોરિડા, યુએસએ ખાતે યોજાશે.
ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આસામ, રાજસ્થાન, ઓડિશા, હરિયાણા અને ગુજરાતના 140 જેટલા ખેલાડીઓ કોર્ટ પર ઉતરશે. આ સ્પર્ધા 3 કેટેગરીમાં યોજાશે. જેમાં અંડર-16 કેટેગરીમાંથી 2 છોકરા અને 2 છોકરીઓની પસંદગી કરાશે- જેમાં સિંગલ્સ ઈવેન્ટ યોજાશે નહીં. જ્યારે ઓપન કેટેગરીમાં પુરુષ અને મહિલા સિંગલ્સ વિજેતા આ ઉપરાંત પુરુષ અને મહિલા કેટેગરીના ડબલ્સ વિજેતાઓને ટીમમાં સ્થાન મળશે. આ ઉપરાંત 50+ કેટેગરીમાં પુરુષ ડબલ્સ અને મહિલા ડબલ્સ વિજેતા ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે પસંદગી પામશે.
આ ટ્રાયલ્સના પ્રસંગે મીડિયાને સંબોધતા આઈપીએલના પ્રમુખ સુર્યવીર સિંઘ ભુલ્લરે કહ્યું કે,”આજનો દિવસ એ ઐતિહાસિક છે. કારણ કે- અમે પિકલબોલ વર્લ્ડ કપ માટેની પ્રથમ સત્તાવાર ટીમની પસંદગી કરી રહ્યાં છીએ. આ ખેલાડીઓ કેન્દ્રીય રમત ગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ભારતીય ટીમનું પ્રતિનિધિત્ત્વ કરશે. જ્યારે ભારતીય પિકલબોલ એસોસિએશન રમતમાં દેશના માન્યતા પ્રાપ્ત ફેડરેશનની ભૂમિકામાં રહેશે.”
પસંદગી ટ્રાયલ્સના પહેલા દિવસમાંથી પસંદ કરાયેલા ખેલાડીઓ
ઓપન કેટેગરી
પુરુષ સિંગલ્સ – અમન પટેલ
પુરુષ ડબલ્સ – ધીરેન પટેલ અને સૂરજ દેસાઈ
મહિલા સિંગલ્સ – અમૃતા મુખર્જી
મહિલા ડબલ્સ – રક્ષિકા રવિ અને સિંદૂર મિત્તલ
અંડર-૧૬ અને ૫૦+ કેટેગરી માટે ટ્રાયલ ૩૧ ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાશે.
