ખેલકૂદ ભારતનો આત્મા છે, વર્લ્ડ ક્લાસ સવલતોથી દેશ સ્પોટર્સમાં સિદ્ધિઓ હાંસલ કરવા પ્રતિબદ્ધઃ અમિત શાહ

Spread the love

અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ, ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ

અમદાવાદ

ખેલકૂદ ભારતનો આત્મા છે, સ્પોટર્સ માટે અત્યાધુનિક માળખું ઊભું કરવા સાથે દેશ વિશ્વ કક્ષાએ રમત ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મેળવવા પ્રતિબદ્ધ છે, એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. શાહે ઓલિમ્પિક 2036ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે અમદાવાદના નારણપુરામાં ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કરવા દરમિયાન તેમના પ્રાસંગિક પ્રવચનમાં કહયું હતું.

10 વર્ષમાં ભારતના સ્પોટર્સ સેક્ટરનું પરિદ્રશ્ય બદલાયું

દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે રમતગમતની શરૂઆત ભારતમાં થઈ હતી અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે ત્યારે ખેલકૂદ ક્ષેત્રમાં અવ્વલ સ્થાને રહેવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. તેમણે કહ્યું કે, દેશમાં ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર- તાલીમ- સિલેક્સનમાં પારદર્શિતા – સારા પર્ફોર્મરને વિશ્વ રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જેવા મોટા બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે વડાપ્રધાનના નેતૃત્વમાં આવ્યા છે. પાછલા 10 વર્ષમાં ભારતના સ્પોટર્સ સેક્ટરનું પરિદ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

ઉદ્ઘાટન પહેલાં જ કોમ્પલેક્સમાં બે મોટી સ્પર્ધા યોજાઈ ગઈ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ આધુનિક વિશાળ અને પરિપૂર્ણ છે. લોકાર્પણ પહેલાં જ બે મોટી સ્પર્ધાઓ અહીં યોજાઇ ચૂકી છે. અહીં રમવા આવેલા દેશ વિદેશના ખેલાડીઓ, તેમના ખેલકૂદ મંડળોના અધ્યક્ષોએ પ્રતિભાવ આપ્યો છે કે, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધાઓ વર્લ્ડ ક્લાસ છે, આધુનિક છે.

કોમ્પલેક્સને વીર સાવરકર નામ કેમ અપાયું?

મંત્રીએ સ્પોટર્સ કોમ્પ્લેક્સને સ્વાતંત્ર સેનાની વીર સાવરકરનું નામ આપવા સંદર્ભે જણાવ્યું કે, મહાન સ્વાતંત્ર વીર સાવરકર ખૂબ જ માહેર તરવૈયા હતા. અંગ્રેજોની ચુન્ગાલમાંથી છૂટવા તેઓ આગબોટમાંથી બેડીઓ સાથે કૂદીને, દરિયો ઓળંગીને ફ્રાન્સ પહોંચ્યા હતા. અંગ્રેજ શાસિત ભારત ના ઇતિહાસ માં 120 વર્ષની બેવડી જનમટીપની સજા મેળવનારા એકમાત્ર ક્રાંતિવીર સાવરકર અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે સતત લડ્યા છે. 1857ના સંગ્રામને અંગ્રેજોએ સૈનિક બળવો ગણાવ્યો હતો, પરંતુ વીર સાવરકરે આને સ્વાતંત્ર સંગ્રામ ગણાવ્યો હતો. એવા વીર સાવરકરને આ સ્પોર્ટ સંકુલ સમર્પિત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ સ્પોટર્સ કેપિટલ બનશે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અહીં જે પણ ખેલાડી રમવા આવશે તે પોતાના માટે નહીં પરંતુ તેના દેશ માટે મેડલ જીતવાની આશા સાથે આવશે. વીર સાવરકર સ્પોટર્સ સંકુલ, આવા ખેલાડીઓને યથાર્થ પ્રેરણા આપશે. અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની, સ્પોર્ટ્સ કેપિટલ બનશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા આધુનિક સંકુલોથી રમત ગમતની પૂરતી સુવિધાઓ વિકસી છે.

કેન્દ્ર સરકારે સ્પોટર્સના બજેટમાં જંગી વધારો કર્યો

તેમણે વધુમાં કહ્યું કે, 10 વર્ષ પહેલાં UPA સરકારમાં ખેલકૂદ વિભાગનું બજેટ 1643 કરોડ હતું જે વધીને હવે 5300 કરોડ થયું છે. ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓના માધ્યમથી ખેલાડીઓનું પર્ફોર્મન્સ, ન્યુટ્રીશન ચિકિત્સા, ઈજાઓ વગેરેનું ધ્યાન રખાય છે. દેશમાં નવું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, પેરાગેમ્સ અને વિન્ટર ગેમ્સ પણ યોજાય છે.

નવી સ્પોટર્સ પોલીસી પાંચ પિલર્સ પર આધારિત

નવી ખેલ નીતિ સ્પોર્ટ્સ પોલીસી પણ સરકાર લાવી છે. સ્પોટર્સ પોલિસીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતના ખેલાડીઓને વૈશ્વિક મંચ મળે, ખેલકુદના માધ્યમથી આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ થાય, ખેલકૂદ એક જનઆંદોલન બને તેમ જ શિક્ષણ અને રમતગમતનું એકીકરણ થાય તેવા પાંચ પિલર્સ ઉપર નવી સ્પોર્ટ્સ પોલીસી આધારિત છે.

મોદી સરકારમાં ખેલાડીઓનો દેખાવ ઉત્કૃષ્ટ બન્યો

કેન્દ્રીય ગૃહ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી દેશના ખેલાડીઓનું ઓલમ્પિક, કોમનવેલ્થ અને વિન્ટર ગેમ્સમાં પર્ફોર્મન્સ વધુ ઉત્કૃષ્ટ બન્યું હોવાનો દાવો કર્યો હતો. આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, 1947થી 2012 સુધીમાં તમામ ઓલમ્પિકમાં ભારતને 20 ગોલ્ડ મેડલ મળ્યા હતા જ્યારે પાછલા 8 વર્ષમાં 15 ઓલમ્પિક મેડલ મળ્યા છે. પેરા ઓલમ્પિકમાં 8 મેડલ મળ્યા હતા, મોદી સરકાર આવ્યા પછી 52 મેડલ મળ્યા છે. ડેફ ઓલમ્પિકમાં બે મેડલ મળ્યા હતા, હવે 22 મળ્યા છે.

અમદાવાદ વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું યજમાન બનશે

2029માં અમદાવાદમાં પોલીસ અને ફાયર વિભાગના જવાનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થવાની છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાય તે માટેની મંજૂરી ટૂંક સમયમાં મળે તેવી સંભાવના છે. 2036માં ઓલમ્પિક પણ અમદાવાદમાં રમાય તે માટે સરકાર કટિબધ્ધ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તારમાં જ સ્પોટર્સ કોમ્પલેક્સ

મંત્રીએ પોતાના મતવિસ્તાર અને પોતાના વોર્ડમાં નિવાસસ્થાનથી નજીક જ અધ્યાધુનિક રમતગમત સંકુલ આકાર પામ્યું છે તેની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહીંની 21 એકર જમીનમાં આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બને તેની મંજૂરી માટે વિનંતી કરી હતી. વડાપ્રધાને આ વિસ્તારમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તેવા આગ્રહ સાથે મંજૂરી આપી હતી, જે આ અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણથી પૂર્ણ થઈ છે.

સ્પોટર્સ સંકુલ રાજ્યને રમતક્ષેત્રે નવી દિશા આપશેઃ ભૂપેન્દ્ર પટેલ

વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગુજરાતને આજે વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ સંકુલની ભેટ મળી રહી છે. સંવિધાનનું 75મું વર્ષ અને દેશમાં હિન્દી દિવસની ઉજવણીના અવસરે અમદાવાદમાં ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલું સંકુલ ગુજરાતને રમતગમત ક્ષેત્રે નવી દિશા આપશે.

વિરાસત ભી, વિકાસ ભીના ધ્યેય સાથે સંકુલને આધુનિક ઓપ અપાયો

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન કહે છે કે, “દરેક ક્ષેત્રમાં વિકાસ અને વિકાસ માટે રમતગમત આગવું મહત્વ ધરાવે છે.” આપણા ગ્રંથોમાં પણ કૌશલ્ય વિકાસનો ઉલ્લેખ છે. રમતગમતની આપણી વિરાસત સંખ્યાબંધ ઉદાહરણોની સાક્ષી છે. આપણા આ વારસાને વડાપ્રધાને  ‘વિરાસત ભી, વિકાસ ભી’ના ધ્યેય સાથે આધુનિક ઓપ આપ્યો છે.

વિકસિત ભારતની સંકલ્પનામાં રમતગમત ક્ષેત્રના વિકાસકાર્યો મહત્વનાઃ મનસુખ માંડવિયા

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગને ગૌરવપૂર્વક ક્ષણ ગણાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. દેશમાં રમતગમત ક્ષેત્રે અનેક સકારાત્મક પગલાંઓ લેવાયા, જેને લીધે ભારત આજે ખેલકૂદ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું છે. ‘વિકસિત ભારત’ની સંકલ્પનામાં રમતગમત ક્ષેત્રે થયેલા વિકાસકાર્યો મહત્વના બની રહેશે એમ કેન્દ્રીય રમતગમત મંત્રીએ ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવનિર્મિત સ્પોર્ટ્સ પોલિસીના માધ્યમથી મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું નિર્માણ કરાયું છે જે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં મહત્વનું બની રહ્યું છે.

સંકુલ યુવાનોને રમતમાં આગળ વધવા પ્લેટફોર્મ પુરૂં પાડશેઃ હર્ષ સંઘવી

વિશ્વ કક્ષાના રમતગમત સંકુલના લોકાપર્ણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા રમતગમત રાજયમંત્રીએ જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે એક અનમોલ ભેટ સ્વરૂપ આ ભવ્ય અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના નિર્માણ થકી દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવનારા સમયમાં એશિયન એક્વેટિક્સ કોમ્પિટિશનનું પણ આયોજન થવાનું છે, જેમાં વિવિધ દેશોના અંદાજે 1200 જેટલા ખેલાડીઓ ભાગ લેશે, એમ તેમણે ઉમેર્યું હતું.

અત્યાધુનિક સુવિધાથી સજ્જ સ્પોટર્સ કોમ્પલેક્સ

અમદાવાદમાં નારણપુરા ખાતે નિર્માણ પામેલું વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં એક્વેટિક્સ સ્ટેડિયમ, સ્પોર્ટ્સ સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, કોમ્યુનિટી સ્પોટ્સ સેન્ટર, આઉટડોર કોર્ટ અને ફિટ ઇન્ડિયા ઝોન જેવા વિવિધ વિભાગોમાં અનેકવિધ રમતો, તેના કોચિંગ, પ્રેક્ટિસ, સહિત નાગરિકો અને ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ, યોગા અને ફિટનેસ એક્ટિવિટીઝ માટે અનેકવિધ સુવિધાઓ અને અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

મેયર, સાંસદો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ

રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન,રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને બાબુ દેસાઈ, લોકસભા સાંસદ હસમુખ પટેલ અને દિનેશ મકવાણા, સ્થાનિક ધારાસભ્યઓ, કેન્દ્રીય રમતગમત સચિવ હરિરંજન રાવ, રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી સંદીપ સાંગલે, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલરો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, કોચ, રમતગમતના ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *