એશિયન ગેમ્સ પહેલાં માનવ ઠક્કરનો આત્મવિશ્વાસઃ ‘ભારત હવે માત્ર ભાગ લેવા નહીં, મેડલ જીતવા ઉતરે છે’

Spread the love

સિંગલ્સમાં પહેલીવાર એશિયન ગેમ્સ રમશે ગુજરાતનો પેડલર; માનુષ શાહ સાથે પુરુષ ડબલ્સમાં પણ મેડલની આશા

ગાંધીધામ

ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર માટે આગામી એશિયન ગેમ્સ કારકિર્દીનો મહત્વપૂર્ણ પડાવ બની રહેશે. બે એશિયન ગેમ્સ અને પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો 26 વર્ષીય માનવ આ વખતે પ્રથમવાર એશિયન ગેમ્સની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે. વિશ્વના ટોચના ખેલાડીઓ સામે રમવાના અનુભવના આધારે માનવને વિશ્વાસ છે કે ભારતીય ટેબલ ટેનિસ ટીમ વિવિધ સ્પર્ધાઓમાં મેડલ માટે મજબૂત દાવેદારી નોંધાવી શકે છે.

સિંગલ્સમાં પદાર્પણને લઈને આત્મવિશ્વાસ

માનવ ઠક્કરે જણાવ્યું કે આ તેની ત્રીજી એશિયન ગેમ્સ હશે અને ઓલિમ્પિક્સ સહિતની ચોથી મોટી મલ્ટિ-સ્પોર્ટ ઇવેન્ટ હશે. અગાઉની બે એશિયન ગેમ્સમાં સિંગલ્સ રમવાની તક મળી નહોતી. 2024ના પેરિસ ઓલિમ્પિક્સ બાદ ભારતનો નંબર-2 ખેલાડી બન્યા બાદ તેને સિંગલ્સમાં રમવાની તક મળી છે.

માનવના જણાવ્યા મુજબ, ઓલિમ્પિક્સની તૈયારી દરમિયાન પણ એશિયન ગેમ્સમાં સિંગલ્સ રમવાનું તેનું લક્ષ્ય હતું, પરંતુ તે સમયે તે આ તક માટે પૂરતો તૈયાર નહોતો. હવે સિંગલ્સમાં રમવા માટે તે આતુર છે.

વિશ્વના ટોચના ખેલાડીઓ સામે રમવાનો અનુભવ

સિંગલ્સમાં પદાર્પણ પહેલાં કોઈ ખાસ ગભરામણ ન હોવાનું માનવે જણાવ્યું હતું. તે અત્યાર સુધી છમાંથી પાંચ WTT ચેમ્પિયન્સ ટુર્નામેન્ટમાં રમી ચૂક્યો છે, જ્યાં વિશ્વના ટોચના 32 ખેલાડીઓને પ્રવેશ મળે છે. આ સ્તરના ખેલાડીઓ સામે રમવાના અનુભવને કારણે એશિયન ગેમ્સની સિંગલ્સ સ્પર્ધામાં પ્રવેશતા તે આત્મવિશ્વાસ અનુભવી રહ્યો છે.

‘ભાગ લેવા નહીં, મેડલ જીતવા ઉતરીશું’

માનવ ઠક્કરે સ્પષ્ટ કર્યું કે એશિયન ગેમ્સમાં સિંગલ્સ રમવાની તક તેના માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, પરંતુ તેનો હેતુ માત્ર ભાગ લેવાનો નથી. ભારતે 2018માં એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં મેડલ જીત્યો હતો અને હવે ટીમ, ડબલ્સ અથવા સિંગલ્સમાંથી કોઈપણ સ્પર્ધામાં વધુ એક મેડલ મેળવવો મોટી સિદ્ધિ રહેશે.

તેણે કહ્યું કે ભારતીય ટેબલ ટેનિસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટો બદલાવ આવ્યો છે. પુરુષ અને મહિલા ટીમ, સિંગલ્સ, ડબલ્સ તથા મિક્સ્ડ ડબલ્સ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભારત હવે મેડલના મજબૂત દાવેદારોમાં સામેલ છે. અન્ય દેશોના ખેલાડીઓ પણ ભારતીય ખેલાડીઓને પડકાર તરીકે જોવા લાગ્યા છે, જે ભારતીય ટેબલ ટેનિસના વિકાસનો સંકેત છે.

માનુષ શાહ સાથે ડબલ્સમાં મેડલની આશા

પુરુષ ડબલ્સમાં માનવ ઠક્કર અને માનુષ શાહની જોડી વર્લ્ડ નંબર-3 છે અને એશિયન ગેમ્સમાં તેમને બીજો ક્રમાંક મળ્યો છે. માનવના મતે આ રેન્કિંગથી શરૂઆતના રાઉન્ડમાં ફાયદો થઈ શકે છે. જોકે, તેણે સતત સારા પ્રદર્શન અને ઓછી ભૂલો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ગુજરાતના ત્રણ ખેલાડીઓનો ભારતીય ટીમમાં દબદબો

ભારતીય ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ માનવ ઠક્કર, હરમિત દેસાઈ અને માનુષ શાહનો સમાવેશ થવો ગુજરાત માટે ગૌરવની બાબત હોવાનું માનવે જણાવ્યું હતું. તેણે યાદ કરતાં કહ્યું કે અગાઉ હરમિત દેસાઈ જ ભારતીય ટીમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતો હતો અને તેણે પણ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે સખત મહેનત કરી હતી.

સમય જતાં માનવ અને માનુષ પણ આગળ આવ્યા અને હવે ત્રણેય ખેલાડીઓ ભારતીય ટીમનો હિસ્સો છે. માનુષે જુનિયર સ્તરે શાનદાર પ્રદર્શન કર્યા બાદ સિનિયર સ્તરે પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે અને આ વર્ષે નેશનલ ચેમ્પિયનશિપ પણ જીતી છે.

સુરતમાં વર્લ્ડ ક્લાસ હાઇ પર્ફોર્મન્સ એકેડેમી

માનવે જણાવ્યું કે જીએસટીટીએ દ્વારા સુરતમાં ચાઇનીઝ કોચ સાથે વર્લ્ડ ક્લાસ હાઇ પર્ફોર્મન્સ એકેડેમી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા માત્ર એલિટ ખેલાડીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજ્ય સ્તરના ખેલાડીઓને પણ વિદેશી તાલીમ, સ્પર્ધાઓ અને કોચિંગની તકો મળી રહી છે.

તેના મતે આવી વ્યવસ્થા ગુજરાતના ખેલાડીઓને ઉચ્ચ સ્તરે પહોંચવામાં મદદ કરી રહી છે. ગુજરાતના ખેલાડીઓ માત્ર ભારતીય ટીમનો હિસ્સો બનવા નહીં, પરંતુ દેશ માટે મેડલ જીતીને નવા માપદંડ સ્થાપિત કરવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *