· ઋણ લેનાર પ્રત્યેક વ્યક્તિ દીઠ બાકી લોનનો આંકડો રૂ. 38,005 છે, લગભગ 91 ટકા લોનનો ઉપયોગ આવક વધારવાના હેતુઓ માટે થયો હતો
· એસએચજી બેંક સાથે જોડાણમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે જેમાં 84.9 લાખ એસએચજી ક્રેડિટ-લિંક્ડ માટે એકંદરે બાકી રકમ રૂ. 3.04 લાખ કરોડે પહોંચી છે
· નાણાંકીય વર્ષ 2024-25ના અંતે સમગ્ર માઇક્રોફાઇનાન્સ સેક્ટર માટે એક્ટિવ ક્લાયન્ટ બેઝ 8.28 કરોડે રહ્યો છે અને બાકી લોન રૂ. 3,81,225 કરોડ રહી છે
· એસઆરઓ અને ઉદ્યોગ અગ્રણીઓ તરફથી પ્રતિબંધો અને ધિરાણના નિયંત્રણોથી વૃદ્ધિમાં લગભગ 14 ટકાનો ઘટાડો થયો છે અને પરિસ્થિતિ વર્તમાન નાણાંકીય વર્ષમાં સુધરે તેવી શક્યતા છે
મુંબઈ
નાણાંકીય વર્ષ 2024-25ના અંતે માઇક્રોફાઇનાન્સ માટે કુલ એક્ટિવ ક્લાયન્ટ બેઝ 8.28 કરોડે રહ્યો છે અને બાકી લોન રૂ. 3,81,225 કરોડ રહી છે, એમ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ ડેટામાં જાણવા મળ્યું છે. આમાં બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો (એસએફબી), નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી), એનબીએફસી-માઇક્રો-ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ (એમએફઆઈ) અને અન્ય ધિરાણકર્તાઓનો સમાવેશ થાય છે. સેક્ટરના ક્લાયન્ટ બેઝ અને બાકી લોન અનુક્રમે 13 ટકા અને 14 ટકા ઘટ્યા હતા. સેલ્ફ-હેલ્પ ગ્રુપ (એસએચજી) લિંકેજમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે જેમાં લિંક કરવામાં આવેલી 84.94 લાખ એસએચજી ક્રેડિટ માટે કુલ બાકી રકમ રૂ. 3.04 લાખ કરોડે પહોંચી છે, એમ નાબાર્ડે જણાવ્યું હતું. દેશમાં લગભગ 143.3 લાખ એસએચજી છે જેમાં 17.1 કરોડ પરિવારો એસએચજી બેંક લિંકેજ પ્રોગ્રામ હેઠળ બચતો સાથે જોડાયેલા છે.
સીઆરઆઈએફ હાઇમાર્કના જણાવ્યા મુજબ 31 માર્ચ, 2025ના રોજ 13.99 લાખ લોન અકાઉન્ટ્સ હતા. બાકી લોનમાં વિવિધ સંસ્થાઓનો હિસ્સો આ મુજબ હતોઃ એનબીએફસી-એમએફઆઈ – રૂ. 1,48,419 કરોડ (39 ટકા), બેંકો – રૂ. 1,24,431 કરોડ (32 ટકા), એસએફબી – રૂ. 59,817 કરોડ (16 ટકા), એનબીએફસી – રૂ. 45,042 કરોડ (12 ટકા) અને અન્ય – રૂ. 3,516 કરોડ (1 ટકો). વિવિધ સંસ્થાનોના લોન એકાઉન્ટ્સનો હિસ્સો આ મુજબ છેઃ એનબીએફસી-એમએફઆઈ – 539 લાખ (39 ટકા), બેંકો – 466 લાખ (33 ટકા), એસએફબી – 216 લાખ (15 ટકા), એનબીએફસી – 163 લાખ (12 ટકા) અને અન્ય – 15 લાખ (1 ટકો).
ભારત માઈક્રોફાઇનાન્સ રિપોર્ટ 2025માંથી આ તારણો મળ્યા છે, જે નાબાર્ડ સાથે ભાગીદારીમાં સા-ધન દ્વારા તૈયાર કરાયેલ માઇક્રોફાઇનાન્સ પરનો એક વ્યાપક રેફરન્સ છે. રિપોર્ટમાં રજૂ કરાયેલો ડેટા ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓ તેમજ 203 માઇક્રો લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ (એમએલઆઈ) પાસેથી પ્રત્યક્ષ રીતે મેળવેલી માહિતીમાંથી મેળવવામાં આવ્યો છે, જે દેશમાં 98 ટકાથી વધુ એમએલઆઈ બિઝનેસનું પ્રતિનિધિત્વ કરે છે.
આ રિપોર્ટ અંગે નાબાર્ડના ચેરમેન શાજી કેવીએ જણાવ્યું હતું કે માઇક્રોફાઇનાન્સ ક્ષેત્ર ભારતના સામાજિક-આર્થિક પરિવર્તનના પાયાના પથ્થર તરીકે ઉભરી આવ્યું છે, જે નાણાંકીય સમાવેશકતાને પ્રોત્સાહન આપે છે અને મહિલાઓ, નાના તથા સીમાંત ખેડૂતો, કારીગરો અને અન્ય સંવેદનશીલ સમુદાયોને સશક્ત બનાવે છે. લાખો લોકો સમયસર અને કોલેટરલ મુક્ત ધિરાણ મેળવી શક્યા છે, જેનાથી તેમણે ટકાઉ આજીવિકા અને સાહસોનું નિર્માણ કર્યું છે. ડેટા-આધારિત આંતરદ્રષ્ટિ સાથે, ભારત માઇક્રોફાઇનાન્સ રિપોર્ટ માઇક્રોફાઇનાન્સ પ્રત્યેની આપણી સામૂહિક સમજને વધુ ગહન બનાવે છે અને વિકસિત ભારતના આપણા સહિયારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને આગળ વધારવામાં ઉત્પ્રેરક તરીકે તેની ભૂમિકા રજૂ કરે છે.
સા-ધનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ જીજી મામ્મેને જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં તણાવ વધારતો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો ઋણનો વધુ પડતો ઉપયોગ છે, જે ઉધાર લેનારાઓના એક્સપોઝરમાં વધારો અને ધિરાણકર્તાઓની સંખ્યા વધારે હોવાને કારણે થાય છે. તેને સમજીને, ઉદ્યોગના અગ્રણીઓ અને સ્વ-નિયમનકારી સંસ્થાઓએ વધારાના સુરક્ષાના ઉપાયો બનાવ્યા હતા જે પૈકી પહેલો સેટ જુલાઈ 2024માં અને બીજો સેટ એપ્રિલ 2025માં જારી કરવામાં આવ્યો હતો. આ પ્રતિબંધોથી ધિરાણમાં નિયંત્રણો આવ્યા છે. સુરક્ષા માટેના આ ઉપાયો ધિરાણકર્તાઓ દ્વારા એમએફઆઈને ધિરાણ પર લાદવામાં આવેલા નિયંત્રણો સાથે, ક્ષેત્રમાં નકારાત્મક વૃદ્ધિનું કારણ પણ હતા. 91 ટકા લોનનો ઉપયોગ આવક ઊભી કરવાના હેતુઓ માટે થઈ રહ્યો હોવાથી ચાલુ નાણાંકીય વર્ષમાં પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.
