અમદાવાદ
એસ ટેનિસ એકેડમી ખાતે રમાતી એસ મોલ્કેમ એસએજી એશિયન રેન્કિંગ ગ્રેડ-૧ અંડર-૧૬ ટેનિસ ટૂર્નામેન્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. ગર્લ્સ ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાયર એમ. સતીશે રિત જવાહરને કોઇ પણ મુશ્કેલી વિના ૬-૩, ૬-૨થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. આરાધ્યા મીનાએ નૈશા ઇન્જાને ૬-૦, ૬-૨થી, અદિતી ખાનપુરીએ એસ. કરનતોથને ૬ -૧, ૬-૨થી તથા જેન્સી કાનાબારે હની ગૌરવને ૬-૨, ૬-૦થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
બોયૂઝ ક્વાર્ટર ફાઇનલમાં અત્યંત રોમાંચક બનેલા એક મુકાબલામાં લક્ષ્ય ચુકાએ ટોચના ક્રમાંકિત સુતાવ્ય કર્માકરને ૬-૨, ૬-૧થી હરાવીને ટૂર્નામેન્ટમાં વધુ એક અપસેટ સર્જ્યો હતો. પી. પ્રાંજયે મનન સ્વાતંત્રાને પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ ૭-૬ (૫), ૬-૨થી હરાવ્યો હતો. અન્ય મુકાબલામાં કબીર પરમારે ઇશાયુ દેસાઇને ૬-૨, ૬-૩થી તથા દિવ્ય મલિકે મલય કેયુરભાઇને ૬-૪, ૬-૩થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.
