બૈસોયા ત્રીજા સ્થાને,ચાર ભારતીયોએ ટોપ-10માં સ્થાન મેળવ્યું અને કુલ આઠ ભારતીય ખેલાડીઓ કેન્સવિલમાં ટોપ-20માં સામેલ
અમદાવાદ
થાઈલેન્ડના પૂસીત સુપૂપ્રામાઈએ કેન્સવિલ ગોલ્ફ રિસોર્ટ ખાતે રવિવારે પૂર્ણ થયેલી પ્રથમ આવૃત્તિની 5 લાખ ડોલર ઈનામ રકમ ધરાવતી ભારત ક્લાસિક ગુજરાત ગોલ્ફ ટૂર્નામેન્ટમાં એક સ્ટ્રોકથી વિજય મેળવ્યો. તેણે દબાણ વચ્ચે તેજ ગતિથી આગળ વધી રહેલા કોરિયાના વૂયંગ ચો પર નાની પરંતુ નિર્ણયક લીડ મેળવી.
પૂસીતે (69) અંતિમ 18મા હોલ પર બર્ડી કરીને પોતાની જીત સુનિશ્ચિત કરી હતી, જ્યારે બીજી તરફ વૂયંગ ચોએ દિવસનું 65 કાર્ડ કરીને મજબૂત પડકાર આપ્યો. ભારતના સચિન બૈસોયાએ ધમાકેદાર 10-અન્ડર 62નો સ્કોર નોંધાવ્યો, જેમાં બે ઉત્તમ બર્ડી રન સામેલ હતાં — એકમાં સતત છ બર્ડી અને બીજા રનમાં સતત ચાર બર્ડી રમી હતી. તેના આ શાનદાર અંતિમ રાઉન્ડના પ્રદર્શનથી તે સંયુક્ત ત્રીજા સ્થાને પહોંચ્યો અને એશિયન ટૂર અને ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ (IGPL) દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ સ્પર્ધામાં શ્રેષ્ઠ ભારતીય ગોલ્ફર બન્યો હતો.

પૂસીતના અંતિમ રાઉન્ડના 69ના સ્કોર સાથે તેનો કુલ સ્કોર 18-અન્ડર 270 રહ્યો, જે તેના માટે એશિયન ટૂરમાં કારકિર્દીનો પ્રથમ વિજય રહ્યો હતો. વૂયંગ ચો (65) કુલ 17-અન્ડર 271 સાથે એક સ્ટ્રોકથી પાછળ રહ્યો.
અમદાવાદ ના એમેચ્યોર ઇશાન ચાવ્હાણ, જેણે સપ્તાહ દરમિયાન ઉત્તમ રમત દેખાડી હતી, તે પ્રથમ ત્રણ દિવસ જેવી લય અંતિમ દિવસે જાળવી શક્યો નહીં અને 71નો સ્કોર કર્યો. તેમ છતાં તે ચારેય દિવસ અન્ડર-પાર રહ્યો.
કુલ 13-અન્ડર પાર ઇશાન આઇજીપીએલ ઓર્ડર ઑફ મેરિટ લીડર અમન રાજ (68) અને થાઈલેન્ડના બે ખેલાડીઓ સેટ્ટી પ્રકોંગવેચ (68) અને ચોનલાટિત ચુએનબૂન્ગમ (65) સાથે સંયુક્ત આઠમા સ્થાને રહ્યા.
