પ્રમુખસ્વામી મહારાજના માનવસેવામાં સમર્પિત કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ અપાશે
સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામીના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ તરતાં મુકાશે, લોકો 7થી 9 ડિસેમ્બર દરમિયાન તેને નિહાળી શકશે
અમદાવાદ
બી.એ.પી.એસ. દ્વારા સંસ્થાના ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની 7 ડિસેમ્બરે અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં ભવ્ય ઉજવણી થશે. સાંજે 5.30થી રાતના 8.30 દરમિયાનના કાર્યક્રમ માટે માત્ર આમંત્રિતોને જ પ્રવેશ આપવામાં આવશે. ભક્તો પ્રમુખ સ્વામીના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ સાતથી નવ ડિસેમ્બર દરમિયાન રિવરફ્રન્ટ અને કેટલાક બ્રિજ પરથી નિહાળી શકશે. આ ફ્લોટ્સ માત્ર નિહાળી શકાય એવું આયોજન કરાયું છે તેની નજીક કોઈને પણ જવાની પરવાનગી નહીં અપાય.
સંસ્થાના પ્રમુખની વરણીના 75 વર્ષની ઉજવણી માટે મહોત્સવ
કાર્યક્રમ અંગે માહિતી આપતા અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રમુખ વરણી દિન – 21 મે, 1950ને 75 વર્ષ પૂરા થયા હોઈ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બી.એ.પી.એસ.ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 (મે 21, 1950) ના જેઠ સુદ 4 ના દિવસે, રવિવારે, અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં નાના મંદિરમાં સાંજે 5 વાગ્યે – નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને, સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે – નિયુક્ત કર્યા હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ ‘પ્રમુખસ્વામી મહારાજ’ના નામથી ઓળખાતા થયા હતા.
વર્ષ દરમિયાન આંબલીની પોળમાં ઉજવણી
વિવેકજીવન સ્વામીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને, ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત પ્રમુખસ્વામીના ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવશે.
મહંત સ્વામી સહિત મહાનુભાવો હાજર રહેશે
આ મહોત્સવમાં મહંત સ્વામી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભવો સહિત અંદાજે 45થી 50 હજાર આમંત્રિતો હાજર રહેશે.
મહોત્સવની કેવી છે તૈયારી?
- છેલ્લા બે મહિનાથી કુલ 20 જેટલા સેવાવિભાગો અને 5500 જેટલા સ્વયંસેવકો સેવારત.
- વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ આયોજન, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
- આશરે 40 હજાર જેટલાં ભક્તો-ભાવિકો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે બપોરે 4:30 સુધીમાં પહોંચી જશે.
- 7 ડિસેમ્બર અને રવિવારે સાંજે 5.30 થી 8.30 સુધી ચાલનાર આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના 104 મા જન્મદિને વંદના કરાશે.
- પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતાં અનેક અલંકૃત તરતાં ફ્લોટસ નદીમાં દ્રશ્યમાન થશે
- આ કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે.
- આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકાશે.
