વિજય હઝારે ટ્રોફીમાં વિરાટ કોહલીનું સ્ટંપિંગ કરનારા ગુજરાતના ઉર્વિલ પટેલને ટી20 ગેમ વધુ ગમે છે

Spread the love

ગત સિઝનમાં સીએસકે સાથે માત્ર 3 મેચ માટે જોડેયેલો ઉર્વિલ નવી સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં છે

નરેન્દ્ર આઈ. પંચોલી

અમદાવાદ

બેંગલોરમાં 26 ડિસેમ્બરે વિજય હઝારે ટ્રોફીની દિલ્હી સામેની મેચમાં ગુજરાત ભારે રસાકસી બાદ માત્ર સાત રને હારી ગયું. મેન ઓફ ધ મેચ 61 બોલમાં 77 રન ઝૂડી કાઢનારો ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બન્યો. જોકે, 13 બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે ઝંઝાવાતી ઈનિંગ્સ રમનારા કોહલીની આ વિરાટ કૂચને રોકવામાં ગુજરાતના વિકેટકીપર ઉર્વિલ પટેલનું યોગદાન ખાસ રહ્યું. સદી તરફ આગળ વધી રહેલા વિરાટને ઉર્વિલે વિશાલ જયસ્વાલના બોલમાં સ્ટંપ આઉટ કરીને દિલ્હીના સ્કોરને નવ વિકેટે 254 રન પર સિમિત રાખ્યો. ઉર્વિલે કરેલા આ સ્ટંપિંગની બધા ખૂબજ પ્રસંશા કરી રહ્યા છે. આ મેચમાં ઉર્વેલે 36 બોલમાં 31 રન બનાવ્યા હતા. ઉર્વિલ ગત વર્ષે મહેન્દ્ર સિંહ ધોનીની આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો અને હવે પછીની સિઝનમાં પણ તે સીએસકે સાથે જ રહેવાનો છે ત્યારે દક્ષિણ આફ્રિકા સામેની ભારતની પાંચમી અને છેલ્લી ટી20 મેચ દરમિયાન ઉર્વિલ પટેલે તેની કાર્કિર્દીને લઈને કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી હતી.

ટી20 ફોર્મેટ મારી પહેલી પસંદ

ટી0માં બે વખત ઝડપી સદીની સિદ્ધિ હંસલ કરી ચૂકેલા ઉર્વિલ પટેલે ક્રિકેટની ત્રણ ફોર્મેટમાં ટી20 તેની પહેલી પસંદ હોવાનું કહ્યું હતું. જમણેરી બેટરે કહ્યું કે તેની રમતની શૈલી જ એવી છે કે જે ઝડપી ક્રિકેટને અનુરૂપ છે. ભારતીય ટેસ્ટ ટીમના સ્વપ્ન અંગે તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ કેપ ચોક્કસ કોઈ પણ ક્રિકેટરનું સ્વપ્ન હોય અને હું પણ ટેસ્ટ કેપ માટે આતુર છું જોકે હાલમાં મારું ફોક્સ ટી20 અને વન-ડે ક્રિકેટ પર વધુ છે કેમકે તેમાં મને વ્યક્તિગત રીતે ખૂબજ મજા આવે છે.

સામે બોલર કોણ છે તેની પર નજર નથી રાખતો

ગુજરાતના ઘૂંધાધાર બેટરે બેટિંગમાં ઊતરો ત્યારે કઈ વાતનું વધુ ધ્યાન રાખો એ અંગે કહ્યું કે મેદાન પર ઊતરું એટલે મારું ધ્યાન બોલિંગ કોણ કરે છે એના કરતા બોલ કેવો આવે છે એના પર  વધુ હોય છે. મારા માટે કોઈ બોલર નહીં જે-તે સમયે સારો કે નબળો બોલ જ મહત્વનો છે. સારા બોલને પણ ટાઈમિંગ બરોબર રહે તો હું બાઉન્ડ્રીની બહાર ફેંકી દઉં છું.

રમતમાં ઊતાર-ચઢાવ તો આવતા રહે

ઉર્વિલે થોડા સમય પહેલાં બેટિંગમાં બહુ રન ન થવા અંગે કહ્યું કે દરેક ખેલાડીન કારકિર્દીમાં આવા ઊતાર-ચઢાવ તો આવતા જ રહે પણ હું આવી નબળી પળોને ભૂલીને આગળ વધવામાં માનું છું. મને વિશ્વાસ છે કે આગળ જતા હું વધુને વધુ સારો દેખાવ કરીશ.

આઈપીઆલમાં સીએસકે સાથેનું જોડાણ

ઉર્વિલને 2023માં આઈપીએલની હરાજીમાં ગુજરાત ટાઈટન્સે 20 લાખના બેઝ પ્રાઈસ પર લીધો હતો. જોકે તેને એ સિઝનમાં ટાઈટન્સ તરફથી એક પણ મેચ રમવા મળી નહતી અને નવેમ્બર 2023માં તેને 2024ની સિઝન માટે રિલિઝ કરી દેવાયો હતો. 2025ની સિઝનમાં હરાજી વેળાએ આ ખેલાડીને કોઈએ ખરીદ્યો નહતો પણ ચેન્નાઈએ વંશ બેદીની જગ્યાએ તેને રિપ્લેશ કર્યો હતો. વંશ ઈજાને લીધે સિઝનમાંથી ખસી ગયો હતો. સીએસકેએ તેને 30 લાખના બેઝ પ્રાઈઝ પર કરારબદ્ધ કર્યો અને તે 7 મે 2025માં સીએસકે માટે પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમ્યો જેમાં તેણે 11 બોલમાં 31 રન બનાવ્યા હતા. આઈપીએલ અંગે વાત કરતા ઉર્વિલે કહ્યું કે માહી ભાઈ (મહેન્દ્રસિંહ ધોની)ના નેતૃત્વમાં રમવું એ એક લહાવો છે. જોકે ગત સિઝનમાં મને સીએસકે સાથે બહુ લાંબો સમય તક મળી નહતી પણ આવખતે હું પહેલાથી જ ટીમ સાથે હોઈશ તો મને માહી ભાઈ અને કોચ સ્ટીફન ફ્લેમિંગના માર્ગદર્શનનો ચોક્કસ લાભ મળશે.

તક મળશે તો પોતાને પુરવાર કરીશ

સીએકે જેવી ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવુ આસાન નથી કેમકે હું વિકેટકીપર બેટર છું જ્યારે માહી ભાઈ ટીમમાં હોય ત્યારે મારા માટે વિકેટકિપિંગની તક ઓછી રહે છે પણ છતાં મને જ્યારે ક્યારેય ટીમમાં તક મળશે તો હું ચોક્કસ મારું સો ટકા યોગદાન આપીશ અને ગત વર્ષે સાવ કંગાળ પ્રદર્શન કરનારી ટીમને આ સિઝનમાં હું સારી સ્થિતિમાં મુકવામાં મારું યોગદાન આપીશ.

મહેસાણામાં જન્મ, વડોદરાથી ક્રિકેટની શરૂઆત

મહેસાણામાં 17 ઓક્ટોબર 1998માં જન્મેલા ઉર્વિલ તેની પ્રથમ ટી20 2017-18માં બરોડા માટે 7 જાન્યુઆરી 2018ના રોજ ઝોનલ ટી20 લીગમાં રમ્યો એ પછી સાત ફેબ્રુઆરી 2018માં બરોડા માટે પ્રથમ વખત વિજય હઝારે ટ્રોફી રમ્યો 2018-19ની સિઝન પહેલાં તે બરોડાથી ગુજરાત આવ્યો. ગુજરાત તરફથી જાન્યુઆરી 2024માં તેણે તામિલનાડુ સામેની મેચ સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો.

ઝડપી સદીનો રેકોર્ડ

27 નવેમ્બર 2023માં લિસ્ટ એ ક્રિકેટમાં 41 બોલમાં સદી ફટકારવા સાથે તે ભારતનો આ બાબતે બીજા ક્રમનો બેટસમેન બન્યો. 27 નવેમ્બર 2024માં તેણે સૈયદમુસ્તાકઅલી ટ્રોફીના ઈતિહાસમાં ત્રિપુરા સામે સૌથી ઝડપી સદી નોંધાવી હતી.

ઉર્વિલની ક્રિકેટ કાર્કિર્દી

ફર્સ્ટ ક્લાસ મેચઃ 15 મેચ, 769 રન, 32.04ની બેટિંગ સરેરાશ, બે સદી, 3 અડધી સદી, સર્વાધિક 140 રન, 35 કેચ, 5 સ્ટંપિંગ.

લિસ્ટ એઃ 22 મેચ 748 રન, 44ની બેટિંસ સરેરાશ, 3 સદી, બે અડધી સદી, સર્વાધિક 116 રન, 28 કેચ, 2 સ્ટંપિંગ.

ટી20 57 મેચ, 1425 રન, 26.88ની સરેરાશ, 3 સદી, ચાર અડધી સદી, સર્વાધિક 119* રન, 45 કેચ, 7 સ્ટંપિંગ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *