ગાંધીનગર
તાજેતરમાં જ રાજ્યની ટીચર્સ યુનિવર્સિટી માં તા 10.02.2026 ના રોજ નિયુક્ત થયેલા કાર્યકારી કુલપતિ ડૉ. મુકેશ પટેલ દ્વારા ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉદાહરણરૂપ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો હતો. દરેક સંસ્થામાં નવા વડાની નિયુક્તિ થતાં સૌ શુભેચ્છકો ફૂલોના ખર્ચાળ પુષ્પગુચ્છ દ્વારા શુભેચ્છાઓ પાઠવતા હોય છે અને 24 કલાકમાં જ આ હજારો રૂપિયાના પુષ્પગુચ્છ સુકાઈને કચરા ટોપલીમાં જતા હોય છે. આ રીતે થતો પૈસાનો દુર્વ્યય અટકાવવા મા. કુલપતિ ડૉ મુકેશ પટેલ દ્વારા તા 10.02.2026 ના સાંજે ચાર્જ સંભાળ્યાની સાથે જ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પ્રતીક રૂપે સૌ વતી એક જ પુષ્પગુચ્છ સ્વીકારશે અને ત્યારબાદ તમામ કર્મચારીઓને આહ્વાન કર્યું હતું કે સૌ શુભેચ્છકો પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકો માટે કોઈ ને કોઈ સ્ટેશનરી આપી શુભેચ્છા આપી શકે છે જેને નજીકની પ્રાથમિક શાળા ના જરૂરિયાતમંદ બાળકોને આપીને તેમને સારા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકાય. એમની આ પહેલને આવકારી IITE ના ઘણા કર્મચારીઓ અને બહારના શુભેચ્છકો એ કુલપતિ ડૉ મુકેશ પટેલને સ્ટેશનરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને આ નાનકડા દાનયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ માં પોતાનું યોગદાન આપ્યું હતું. આ ભેગી થયેલી સ્ટેશનરીમાં ડૉ. મુકેશ પટેલ પોતે પણ સ્વ ખર્ચે સ્ટેશનરી લાવીને ઉમેરી હતી અને તા. 18.02.2026 ના રોજ ફતેપુરા સરકારી પ્રાથમિક શાળા (સેક્ટર 15, ગાંધીનગર) ખાતેના 150 થી પણ વધુ બાળકોને રૂબરૂ જઇને પોતાના હાથે નોટબુક, પેન, પેન્સિલ વિગેરે સ્ટેશનરીનું વિતરણ કર્યું હતું તેમજ ત્યાંના બાળકો સાથે તેમની પ્રાદેશિક ભાષામાં સુંદર સંવાદ કરીને તેમને વહેલા ઉઠવાની, સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી લેવાની, સારુ વાચન કરવાની પ્રેરણા આપી હતી. શાળાના આચાર્ય વિરાટ ઝાલાએ કુલપતિ મુકેશ પટેલનો આભાર વ્યકત કર્યો હતો. આ નવીન પ્રયોગ આવનાર સમયમાં રાજ્યની શિક્ષણ સંસ્થાઓના વડાઓ માટે પ્રેરણાદાયી અને ઉદાહરણરૂપ બની રહેશે.
