- ૧૫૦૦ બેડની જનરલ બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ.
- ૫૦૦ થી વધુ બેડની કાર્ડિયાક એન્ડ ન્યુરો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
- ૫૦૦ થી વધુ બેડની યુરોલોજી એન્ડ નેફ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
* ૫૦૦ થી વધુ બેડની કેન્સર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઈ કરાઈ
દક્ષિણ ગુજરાતમાં નિર્માણ પામનાર ૩ અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ હોસ્પિટલોથી મેડિકલ ટુરિઝમ મેપમાં સુરત જિલ્લો મજબૂત સ્થાન પામશે: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા
દક્ષિણ ગુજરાત અને કામરેજની જનતા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા
સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં કામરેજ વિધાનસભા ક્ષેત્રને આરોગ્ય ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ અને અણમોલ ભેટ આપી છે. કામરેજમાં અંદાજિત રૂ.૧૪૫૦ કરોડના ખર્ચે ૩૦.૫૫ હેક્ટર જેટલી વિશાળ જમીનમાં અત્યાધુનિક હોસ્પિટલ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે બજેટમાં રૂ.૨૫૦ કરોડની પ્રારંભિક જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ૧૫૦૦ બેડની જનરલ બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ૫૦૦થી વધુ બેડની કાર્ડિયાક એન્ડ ન્યુરો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ૫૦૦થી વધુ બેડની યુરોલોજી એન્ડ નેફ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાકાર થશે.
આ એક જ કેમ્પસમાં જનરલ હોસ્પિટલની સાથે ત્રણ મુખ્ય સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલો ઇન્ટીગ્રેટેડ રીતે નિર્માણ પામશે, જે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મેડિકલ હબ બની રહેશે. એટલું જ નહીં, મેડિકલ ટુરિઝમ, શિક્ષણ, સંશોધન અને ઈમરજન્સી સેવાઓ માટે એક આદર્શ સ્થળ ઉપલબ્ધ થશે.
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં નિર્માણ પામનાર ૩ અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ હોસ્પિટલોથી દક્ષિણ ગુજરાતની આરોગ્ય સેવા અને સુવિધાઓમાં મોટો વધારો થશે જે સુરતને દેશના મેડિકલ ટુરિઝમ મેપ પર મજબૂત સ્થાન અપાવશે. વિવિધ રોગોના દર્દીઓ એક જ સ્થળે મલ્ટી સ્પેશિયલ આરોગ્ય સેવાઓ અને નિદાન-સારવારનો લાભ મેળવી શકશે. આ ઐતિહાસિક ભેટ બદલ તેમણે દક્ષિણ ગુજરાત અને કામરેજની જનતા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
