- આ પહેલ 2029ન સુધીમાં 1.3 કરોડથી વધુ બાળકોને અર્થપૂર્ણ, ટેકનોલોજી અને એઆઇ-આધારિત શિક્ષણની તકો પૂરી પાડશે.
- રિલાયન્સ ફાઉન્ડેશન અને ગેટ્સ ફાઉન્ડેશન આ પહેલના સ્થાપક વ્યૂહાત્મક ભાગીદારો છે, સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન મેનેજિંગ પાર્ટનર છે અને તેને માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન દ્વારા પણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

નવી દિલ્હી
એજ્યુકેશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા વંચિત સમુદાયોના બાળકો માટે શિક્ષણના પરિણામો સુધારવાના ઉદ્દેશ્ય સાથે એક સાહસિક, વિવિધ દાતાઓની સહાય થકી અને બહુવર્ષીય પહેલ ‘શિક્ષાનેક્સ્ટ’ બુધવારે લોન્ચ કરવામાં આવી હતી. ત્રણ વર્ષની આ ₹170 કરોડની પહેલ નવી દિલ્હીમાં ‘ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન ભારત સરકારના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શિક્ષણ મંત્રાલયના સચિવ શ્રી સંજય કુમાર (આઇએએસ)ની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવી હતી.
શિક્ષાનેક્સ્ટનો ઉદ્દેશ્ય 2029 સુધીમાં સમગ્ર ભારતના 1.3 કરોડથી વધુ બાળકોને અર્થપૂર્ણ, ટેકનોલોજી અને એઆઇ-આધારિત શિક્ષણની તકો પૂરી પાડવાનો છે.
શિક્ષાનેક્સ્ટને પરોપકારી સંસ્થાઓ અને ઇકોસિસ્ટમ ભાગીદારોના ગઠબંધન દ્વારા સમર્થન પ્રાપ્ત થયું છે, જેઓ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણના પરિણામોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલ રિલાયન્સ ફાઉન્ડેશન અને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ‘સ્થાપક વ્યૂહાત્મક ભાગીદારો‘ તરીકે સંચાલિત કરવામાં આવી રહી છે, જેમાં સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન ‘મેનેજિંગ પાર્ટનર‘ તરીકે કાર્યરત છે અને તેને માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન દ્વારા પણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે. શિક્ષાનેક્સ્ટ પરોપકાર અને ઊંડા અનુભવનો સમન્વય કરે છે, જે આ પહેલના અમલીકરણ અને અસરો પર સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે.
શિક્ષાનેક્સ્ટ લોન્ચ કરતી મેળા મુખ્ય સંબોધન કરતાં ભારત સરકારના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘વિકસિત ભારત 2047’ તરફનો માર્ગ દર્શાવ્યો હતો. તેમણે શિક્ષણની ગુણવત્તા સુધારવા, શિક્ષકોને સશક્ત બનાવવા અને યુવાનોને ભવિષ્યના કાર્યક્ષેત્ર માટે તૈયાર કરવામાં ટેકનોલોજી અને એઆઇની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પહેલના લોન્ચિંગ પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે, “આ એક મહત્વપૂર્ણ મંચ છે જ્યાં સરકાર, સમાજ અને સંસ્થા ‘એડટેક’ને સાચા અર્થમાં ‘સબકા એડટેક’ બનાવવા માટે એકસાથે આવ્યા છે. હવે પછીનું પગલું આને એક ‘જન આંદોલન’માં પરિવર્તિત કરવાનું છે, જે એ સુનિશ્ચિત કરે કે ટેકનોલોજીનો લાભ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે. ભારત ગ્લોબલ સાઉથ સમક્ષ એક એવું મોડેલ રજૂ કરશે જે ગુણવત્તાયુક્ત એડટેકને દરેક માટે સસ્તું અને સુલભ બનાવશે.”
આ પહેલ ત્રણ પરસ્પર જોડાયેલા કાર્યક્રમો દ્વારા સંચાલિત થશે:
- એડટેક સ્કેલ-એક્સ: આ પહેલ એવા એડટેક અને એઆઇ સોલ્યુશન્સને મોટા પાયે વિસ્તારવા માટે છે જેણે રાજ્યની શિક્ષણ પ્રણાલીઓ અને સમુદાય આધારિત કાર્યક્રમો સાથે જોડાઈને શિક્ષણમાં ચોક્કસ માપ કાઢી શકાય તેવો સુધારો દર્શાવ્યો છે.
- એડટેક એક્સિલરેટર: ભારતની વિવિધ વર્ગખંડની જરૂરિયાતોને અનુરૂપ ઉચ્ચ ગુણવત્તાવાળા એડટેક અને એઆઇ સોલ્યુશન્સના વિકાસ અને વૃદ્ધિને મદદ પહોંચાડવા માટેનો એક કાર્યક્રમ.
- એડટેક એન્ડ એઆઇ ઇનોવેશન હબ: ઉભરતા એડટેક અને એઆઇ સંશોધનોને શોધવા, તેનું પરીક્ષણ કરવા અને તેને પ્રમાણિત કરવા માટેનો એક સહયોગી મંચ, જે વિવિધ ભાષાઓ, ધોરણો અને શૈક્ષણિક સંદર્ભોમાં ભારત કેન્દ્રિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
તમામ કાર્યક્રમો સચોટ પુરાવાઓ એકત્રિત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા પર આધારિત છે, જે એ સુનિશ્ચિત કરે છે કે – શું કારગત છે, કોના માટે છે અને કયા સંજોગોમાં છે – તેની ઊંડી સમજ જ શિક્ષણ પ્રણાલીમાં ટેકનોલોજીને કેવી રીતે જોડવી તેનો પાયો બને.
ભાગીદારોએ સાબિત થયેલા ઉકેલોને મોટા પાયે વિસ્તારવા માટે તેમની ઊંડી પ્રતિબદ્ધતા અને આશાવાદ વ્યક્ત કર્યો હતો:
જ્યારે શિક્ષણ વિદ્યાર્થીઓની જરૂરિયાતો મુજબ અનુકૂળ બને છે, ત્યારે તેઓ ઝડપથી શીખે છે અને આગળ વધે છે. વ્યક્તિગત અને ટેકનોલોજી આધારિત સાધનો મોટા પાયે આ શક્ય બનાવી શકે છે. એઆઇ યુગમાં પ્રવેશતા ભારત એક દાયકાના શિક્ષણ સુધારા, મજબૂત પ્રારંભિક શિક્ષણ અને વર્ગખંડોમાં પરિણામ આપતા સાધનોના પાયા પર આગળ વધી રહ્યું છે. શિક્ષાનેક્સ્ટ સાબિત થયેલા ઉકેલોને ટેકો આપીને અને સરકારી શાળાઓને તેનો વ્યાપક ઉપયોગ કરવામાં મદદ કરીને આ દિશામાં આગળનું પગલું ભરે છે, જેથી વધુ બાળકો શાળામાં અને જીવનમાં સફળ થઈ શકે.” – પ્રાચી જૈન વિન્ડલેસ, હેડ ઓફ ઈન્ડિયા, માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન, ભારત.
“રિલાયન્સ ફાઉન્ડેશનનું વિઝન સરળ છતાં ગહન છે – ભારતના દરેક બાળકને તેમની ક્ષમતાઓને ખીલવવાની અને તેમના સપના સાકાર કરવાની તક મળવી જોઈએ. છેલ્લા દાયકામાં ડિજિટલ કનેક્ટિવિટી અને 5Gના ઝડપી વિસ્તરણ દ્વારા આપણા દેશના દરેક ખૂણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા માટે અભૂતપૂર્વ સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે.
અમે જોયું છે કે જ્યારે પરોપકાર, સરકાર, શિક્ષકો અને સંશોધકો એક સહિયારા હેતુ સાથે સાથે આવે છે, ત્યારે શિક્ષણમાં ટેકનોલોજી માત્ર આશાસ્પદ પ્રયોગો પૂરતી મર્યાદિત ન રહેતા મોટા પાયે માપી શકાય તેવા શિક્ષણના પરિણામો પ્રાપ્ત કરવા તરફ આગળ વધે છે. શિક્ષાનેક્સ્ટ આ સફરમાં આગળનું પગલું છે – જે સચોટ પુરાવાઓ એકત્રિત કરવા, ભાગીદારી મજબૂત કરવા અને એઆઇની શક્તિનો જવાબદારીપૂર્વક અને સર્વસમાવેશક રીતે ઉપયોગ કરવા માટેનો એક સહયોગી મંચ છે.
અમારી પ્રતિબદ્ધતા એ સુનિશ્ચિત કરવાની છે કે એઆઇ આધારિત ઉકેલો આગામી પેઢી માટે માત્ર નવીન જ નહીં પણ સમાનતાપૂર્વકના હોય – જે દરેક બાળકને, દરેક જગ્યાએ સેવા આપવા માટે રચાયેલા હોય અને ભારતના શૈક્ષણિક ભવિષ્યને સાચા અર્થમાં બદલી શકે.” – બી શ્રીનિવાસન, એક્ઝિક્યુટિવ લીડ, રિલાયન્સ ફાઉન્ડેશન.
“જ્યારે એડટેક મજબૂત શિક્ષણશાસ્ત્ર અને પુરાવાઓ પર આધારિત હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે તે મોટા પાયે વાસ્તવિક રીતે શિક્ષણમાં સુધારો લાવી શકે છે; જે રીતે જનરેટિવ એઆઇ નવો વેગ આપી રહ્યું છે, તે જોતા ‘શિક્ષાનેક્સ્ટ’ જેવી પહેલો પ્રેરક ભંડોળ અને ભાગીદારીને એ સુનિશ્ચિત કરવા તરફ વાળી શકે છે કે આ ટેકનોલોજી માત્ર તકનીકી શક્યતાઓ પર નહીં, પરંતુ શિક્ષણના યોગ્ય સિદ્ધાંતો અને ઓછી સુવિધા ધરાવતા વર્ગખંડોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે.” – બેન્જામિન પાઈપર, ડાયરેક્ટર, ગ્લોબલ એજ્યુકેશન, ગેટ્સ ફાઉન્ડેશન.
“જ્યારે આપણે ભારતમાં શિક્ષણના ભવિષ્ય તરફ જોઈએ છીએ ત્યારે સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનનું ધ્યાન ટેકનોલોજીને એવા બાળકો માટે ઉપયોગી બનાવવા પર છે જેમને તેની સૌથી વધુ જરૂર છે; શિક્ષાનેક્સ્ટ દ્વારા, CSF પ્રતિબદ્ધ ભાગીદારો, સચોટ પુરાવાઓ અને શિક્ષણ-કેન્દ્રિત મૂડીને એકસાથે લાવી રહ્યું છે જેથી એડટેક અને એઆઇ માત્ર કાગળ પરના વચનો બનીને ન રહેતા, વર્ગખંડોમાં વાસ્તવિક અને માપી શકાય તેવા પરિણામોમાં પરિવર્તિત થાય.” – ઈશમીત સિંઘ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન.
આ લોન્ચિંગ પ્રસંગે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણી પરોપકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, એડટેક સંશોધકો, શિક્ષણશાસ્ત્રીઓ અને દેશભરના ભાગીદારો એકઠા થયા હતા, જે ભારતના દરેક બાળક માટે શિક્ષણના પરિણામોને મજબૂત કરવા માટે એઆઇ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.
