સિંગાપોર સ્મેશ ટીટીમાં માનવ-માનુષનો સેમિફાઇનલમાં પરાજય

Spread the love

ગાંધીધામ

માનુષ શાહ અને માનવ ઠક્કરની બનેલી ભારતની સૌથી સફળ મેન્સ ડબલ્સ જોડીએ કલાંગના ઇન્ફિનિટી એરેના ખાતે યોજાયેલી 2026 ડબ્લ્યુટીટી સિંગાપોર સ્મેશ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ અંતે સેમિફાઇનલમાં એલેક્સિસ અને ફેલિક્સ લેબ્રુનની બનેલી ફ્રેન્ચ ભાઈઓની જોડી સામે ભારે સંઘર્ષ બાદ (2-3) (6-11, 11-7, 10-12, 11-9, 8-11)થ પરાજય થયો હતો.

ફ્રેન્ચ જોડી વધુ ઉચો ક્રમાંક ધરાવતી હોવા છતાં ગુજરાતીઓની બનેલી ભારતીય જોડી માનુષ અને માનવે જોરદાર લડત આપીને આ મેચ પાંચ ગેમ સુધી પહોંચાડી હતી.

અગાઉ ગુરુવારે માનુષ અને માનવ આ ગ્રાન્ડ સ્મેશમાં ક્વાર્ટર ફાઇનલના આંકને પાર કરવામાં સફળ રહ્યા હતા અને આમ કરનારી તે પ્રથમ ભારતીય જોડી હતી.

વડોદરાના ડાબેરી ખેલાડી માનુષે જણાવ્યું હતું કે લાંબા સમયની અમારી યોજના અને તૈયારીઓને પરિણામે અમે સેમિફાઇનલ સુધી પહોંચી શક્યા હતા.

“ગયા વર્ષે અમે કેટલીક ક્વાર્ટર ફાઇનલ રમ્યા હતા પરંતુ અમે તેથી આગળ વધી શક્યા ન હતા. આમ ગઈકાલે બેલ્જિયમની જોડી સામે જીતીને અમે ક્વાર્ટર્સની આગળ નીકળ્યા તેનો આનંદ હતો. તે જોડીએ આ ટુર્નામેન્ટની મોખરાના ક્રમની જોડીને હરાવી હતી. આમ તેમને 3-0થી હરાવીને અમે સંતુષ્ટ થયા હતા અને તેનાથી અમને સેમિફાઈનલમાં રમવાનો આત્મવિશ્વાસ સાંપડ્યો હતો.

“લેબ્રુન ભાઈઓ સામે રમવું એ એવી બાબત છે જેની અમે ખરેખર રાહ જોઈ રહ્યા હતા. સેમિફાઇનલમાં  અમારી પાસે કેટલીક તકો હતી, ખાસ કરીને ત્રીજી ગેમમાં તક મળી હતી પરંતુ અમે તેનો લાભ લેવામાં નિષ્ફળ ગયા. અમે તેમના કરતા થોડા વધુ નર્વસ હતા પરંતુ ધીમે ધીમે અને સ્થિરતાથી  અમે એશિયન ગેમ્સમાં મેડલ અને અંતે ઓલિમ્પિક મેડલના અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. અમને ખુશી છે કે અમે આવનારા સમયમાં અમારા માટે અને ભારત માટે એક ઉચ્ચ બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે,” તેમ  વડોદરાના ખેલાડી માનુષે ઉમેર્યું હતું.

રાજ્યના સાથી ખેલાડી માનવ અંગે બોલતા માનુષે જણાવ્યું હતું કે અમારી વચ્ચે  સારી તાલમેલ છે.

“અમે એક જ જગ્યાએથી આવીએ છીએ તેથી અમે મજબૂત જોડાણ શેર કરીએ છીએ અને તે અમને એક ફાયદો આપે છે. અમે એક જ પ્રાદેશિક ભાષા બોલીએ છીએ, સાથે ભોજન કરીએ છીએ, એકબીજાનો આદર કરીએ છીએ અને એકબીજાની રમતને ખૂબ સારી રીતે પૂરક બનાવીએ છીએ. અમે હરીફોની શૈલી સાથે સારી રીતે અનુકૂલન કરીએ છીએ, જે અમને મજબૂત બનાવે છે. અમને ભવિષ્યમાં વધુ મોટી સફતળતા પ્રાપ્ત કરવાની આશા છે,” તેમ તેણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *