
ગાંધીધામ:
ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માનવ ઠક્કર અને માનુષ શાહે સિંગાપુર ખાતે ચાલી રહેલી પ્રતિષ્ઠિત ડબલ્યુટીટી સિંગાપોર સ્મેશ 2026 ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ પુરુષ કે મહિલા કોઈપણ વર્ગમાં આ ટૂર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય જોડી બન્યા છે.
છઠ્ઠા ક્રમાંકિત ભારતીય જોડી માનવ અને માનુષ એ બુધવારે પુરુષ ડબલ્સ સ્પર્ધાના રાઉન્ડ ઓફ 16 માં બ્રાઝિલની અનસીીડેડ જોડી ગિલ્હર્મે ટેઓદોરો અને લિયોનાર્ડો ઇઝુકાને 3-0 (11–7, 11–5, 11–9) થી હરાવી આગળ વધ્યા હતા.
ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમની જોડી માર્ટિન અલેગ્રો અને એડ્રિયન રસ્સેનફોસે સામે 3-0 (11–8, 11–9, 11–9)થી શાનદાર જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
માનવ માનુષની જમણા-ડાબા હાથની જોડીએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્તમ સમન્વય, આત્મવિશ્વાસ અને સ્થિરતા દર્શાવી છે. સેમિફાઇનલ સુધીની તેમની સફરમાં તેમણે એકપણ ગેમ ગુમાવી નથી, જે તેમની દમદાર ફોર્મનો પુરાવો છે.
હવે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેઓ શુક્રવારે સવારે ફ્રાન્સની વિશ્વવિખ્યાત લેબ્રુન ભાઈઓ ફેલિક્સ લેબ્રુન અને એલેક્સિસ લેબ્રુન સામે સેમિફાઇનલ મુકાબલો રમશે. આ મુકાબલો અત્યંત રોમાંચક રહેવાની સંભાવના છે.
સુરતના માનવ ઠક્કર અને વડોદરાના માનુષ શાહ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સૌથી વિશ્વસનીય અને સફળ ડબલ્સ જોડીઓમાં સ્થાન મેળવી ચૂક્યા છે. ગ્રાન્ડ સ્મેશ સ્તરે તેમનો આ સેમિફાઇનલ પ્રવેશ ભારતીય ટેબલ ટેનિસ માટે ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી ક્ષણ છે.
