- સેહરાવત પાસે પીકેએલની 11 સીઝનનો અનુભવ છે, જેમાં એક ટાઇટલ અને છ પ્લેઓફના પ્રદર્શનનો સમાવેશ થાય છે, અર્જુન એવોર્ડ વિજેતા, સેહરાવતે ભારતીય રેલ્વેને અનેક રાષ્ટ્રીય ખિતાબ અપાવ્યા છે, અને 1990 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.
અમદાવાદ
પ્રો કબડ્ડી લીગ (PKL) ની આગામી સીઝન પહેલા, અદાણી સ્પોર્ટ્સલાઈને અનુભવી કબડ્ડી વ્યૂહરચનાકાર રણધીર સિંહ સેહરાવતને ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
“કબડ્ડીના ચાણક્ય” તરીકે જાણીતા, સેહરાવત લીગના સૌથી અનુભવી કોચમાંના એક છે, જે 2014 માં શરૂઆતથી PKL સાથે સંકળાયેલા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમની ટીમોએ સીઝન-6માં PKLનું ટાઇટલ જીત્યું અને છ વખત પ્લેઓફમાં પહોંચી.
અર્જુન એવોર્ડ પ્રાપત કરનાર સેહરાવત કબડ્ડી અંગે ખુબ ઉંડો અનુભવ ધરાવે છે. તેમણે ભારતીય રેલ્વે કબડ્ડી ટીમને પણ કોચિંગ આપ્યું છે, જેમાં પુરુષો અને મહિલા બંને ટીમોએ અનેક રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં જીત નોંધાવી છે.
એક ખેલાડી તરીકે, સેહરાવતે એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ (1988), સાઉથ એશિયન ગેમ્સ (1989) અને (1990) એશિયન ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેમણે ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમના ઉપ-કપ્તાન તરીકે સેવા આપી હતી.
પોતાની નિમણૂક અંગે વાત કરતાં, સેહરાવતે કહ્યું: “પ્રો કબડ્ડી લીગમાં પાછા ફરવાનો મને આનંદ છે અને આ તક માટે હું અદાણી સ્પોર્ટ્સલાઇનનો આભારી છું. ગુજરાત જાયન્ટ્સમાં યુવા પ્રતિભા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે, અને હું ટીમ સાથે કામ કરવા આતુર છું, કારણ કે અમે આ વખતે ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ જણાવ્યું હતું કે, “ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે રણધીર સિંહ સેહરાવતનું સ્વાગત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. તેમનો અનુભવ અને રમત પ્રત્યેની ઊંડી સમજ ટીમના વિકાસમાં અને આગામી PKL સીઝન માટે અમારા અભિયાનને મજબૂત બનાવવામાં અમૂલ્ય રહેશે.”
