બંગાળના બોયઝ ફેવરિટ, ગુજરાત અપસેટ સર્જી શકે છે

Spread the love

ગાંધીધામ
UTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બોયઝ અંડર-15 (U-15) ટીમ સ્પર્ધા આવતીકાલથી હરેશ સાંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહી છે. 23 થી 31 માર્ચ, 2026 દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં કુલ 32 ટીમો ટાઇટલ ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે.
પશ્ચિમ બંગાળની ટીમ 600 પોઈન્ટ્સ સાથે સંચિત ક્રમાંકમાં ટોચ પર હોવાથી પ્રબળ દાવેદાર તરીકે ઉતરી રહી છે. ખાસ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયન PSPB એકેડમી આ વખતે નબળી હોવાથી બંગાળની ટીમ પર અપેક્ષાઓનું ભારણ વધારે છે. બંગાળની ટીમમાં આદિત્ય દાસ, રિશભ ચટ્ટોપાધ્યાય, હિમોન કુમાર મંડલ અને રૂદ્રનીલ જાના જેવા મજબૂત ખેલાડીઓ સામેલ છે, જે ટીમને ઊંડાણ અને સંતુલન પૂરું પાડે છે.

તામિલનાડુ (390 પોઈન્ટ્સ) અને મહારાષ્ટ્ર (315 પોઈન્ટ્સ) તેમના નજીકના હરીફો છે, જેઓ બંગાળની સાતત્યતાને પડકાર આપી શકે તેવી સ્પર્ધાત્મક લાઇન-અપ ધરાવે છે.
જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચનારી ટીમોમાં યજમાન ગુજરાત હશે, જે 182 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. વિવાન દવે, દેવ ભટ્ટ, દ્વિજ ભાલોડિયા અને આરવ સિંઘવીના જોશથી ભરપૂર ખેલાડીઓ સાથે આ ટીમ ઘણી આશાસ્પદ લાગે છે.
વિવાન, જે અગાઉની આવૃત્તિમાં ગોલ્ડ મેડલ PSPB A ટીમનો સદસ્ય હતો, તે આ ટીમને એક વિજેતાની ધાર આપે છે. જ્યારે બાકીના ખેલાડીઓ તેમની યુવા ઉર્જા અને વધતા અનુભવ સાથે તેનો સાથ આપી રહ્યા છે. 13 વર્ષ બાદ આ ઈવેન્ટ કચ્છમાં પરત ફરી રહી છે ત્યારે ગુજરાતની ટીમ અપેક્ષિત એવી અતિશય ગરમી અને સ્થાનિક પ્રેક્ષકોના સમર્થનનો લાભ ઉઠાવીને પોતાના રેન્કિંગ કરતા પણ વધુ સારું પ્રદર્શન કરવાના પ્રયત્નો કરશે.
સ્પર્ધાના ફોર્મેટ મુજબ, શરૂઆતના તબક્કા માટે તમામ 32 ટીમોને આઠ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ ટીમોનું ક્રમાંક દરેક ટીમના ટોચના બે ખેલાડીઓના સંયુક્ત નેશનલ રેન્કિંગ પોઈન્ટના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આ માળખું શરૂઆતથી જ સ્પર્ધામાં સંતુલન જાળવી રાખે છે, સાથે જ નોકઆઉટ રાઉન્ડ નજીક આવતા રોમાંચક પરિણામોની શક્યતા પણ રાખે છે.

ટીમ ઈવેન્ટની સાથે જ યૂથ બોયઝ અંડર-11 અને અંડર-15 કેટેગરીની મેચો પણ સમાંતર રીતે રમાશે. જેની વિગતો આ મુજબ છે. બીજો દિવસ: અંડર-15 ડબલ્સ ઈવેન્ટનું આયોજન. ત્રીજો દિવસ: ક્વોલિફિકેશન રાઉન્ડની શરૂઆત. ચોથો દિવસ: આયોજકોનું લક્ષ્ય ચોથા દિવસ સુધીમાં બોયઝ અંડર-15 સ્પર્ધા પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ: એક દિવસ (વિરામ કે ફેરફારનો દિવસ રહેશે અને પછી ધ્યાન ગર્લ્સ ટીમ ઈવેન્ટ્સ અને અંડર-11 તથા અંડર-13 સિંગલ્સ કેટેગરીના ક્વોલિફિકેશન રાઉન્ડ પર કેન્દ્રિત કરવામાં આવશે.
ચૅમ્પિયનશિપનું આયોજન એક અનુભવી ઓફિશિયલ્સની પેનલની દેખરેખ હેઠળ કરવામાં આવશે. મંગેશ મોપકર આ ટુર્નામેન્ટમાં રેફરી તરીકે સેવા આપશે. કોમ્પિટિશન મેનેજર એન. ગણેશનના માર્ગદર્શન હેઠળ બ્લૂ બેજ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય અમ્પાયરોની 60 સભ્યોની ટીમ મેચોનું નિરીક્ષણ કરશે.
આઠ દિવસની આ નેશનલ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ યોજાશે જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઈ) અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)ના સહકારથી થયું છે.

ગુજરાતની ટીમોઃ

અંડર-15 બોયઝઃ વિવાન દવે, દેવ ભટ્ટ, દ્વિદ ભાલોડિયા, આરવ સિંઘવી.

અંડર-13 બોયઝઃ દેવ ભટ્ટ, ધ્રુવ બાંભણીયા, અંશ ખમાર, ટવિશ પટેલ.

અંડર-11 બોયઝઃ નક્ષ પટેલ, રેહાંશ સિંઘવી, કોચઃ ચિંતન ઓઝા, પ્રકાશ દેસાઈ, અભિજીત કુમાવત.

અંડર-15 ગર્લ્સઃ દાનિયા ગોદીલ, ચાર્મી ત્રિવેદી, ફિઝા પવાર, વિન્સી તન્ના.

અંડર-13 ગર્લ્સઃ વિન્સી તન્ના, ખનક શાહ, ધિમહી કાબરાવાલા, નિત્યા ચોક્સી.

અંડર-11 ગર્લ્સઃ મિશા લાખાણી, દિવ્યા પટેલ. કોચઃ ભાવિન દેસાઈ, કૌશા ભૂરપૂરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *