87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર – કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતે રોમાંચક અંતિમ મુકાબલામાં ખિતાબ જીત્યો

Spread the love

ગાંધીધામ

આજે હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025 ના અંડર-15 બોયઝ ટીમ ફાઇનલમાં ગુજરાતે જબરદસ્ત ટક્કરમાં મહારાષ્ટ્રને 3-2 થી હરાવી ખિતાબ પોતાના નામે કરી ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

આ ફાઇનલ મુકાબલો સતત ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો, જેમાં મહારાષ્ટ્રે નિલય પટ્ટેકરએ દેવ ભટ્ટને સીધી ગેમમાં હરાવી શરૂઆતમાં લીડ મેળવી હતી. ગુજરાતે તરત જ જવાબ આપતા જ્યાં વિવાન દવે ધીમી શરૂઆત બાદ પ્રતિક તુલસાણી સામે ચાર ગેમમાં જીત મેળવી સ્કોર સમાન કરી લીધો હતો.

મેચનો ડબલ્સ મુકાબલો નિર્ણાયક સાબિત થયો હતો. દેવ અને વિવાનની જોડીએ ઉત્તમ સંકલન સાથે નિલય અને પ્રતિક સામે કઠિન ચાર ગેમમાં જીત મેળવી ગુજરાતને મહત્વપૂર્ણ લીડ અપાવી હતી.

તેમ છતાં મહારાષ્ટ્રે હાર માની નહીં અને ડાબોડી ખેલાડી નિલયે ફરી શાનદાર રમત બતાવી વિવાન સામે પાંચ ગેમના રોમાંચક મુકાબલામાં જીત મેળવી સ્કોર ફરી સમાન કરી લીધો હતો અને ફાઇનલ નિર્ણાયક પાંચમા મુકાબલામાં પહોચી હતી.

અંતિમ મુકાબલામાં દેવ ભટ્ટે દબાણ વચ્ચે ઉત્તમ ધૈર્ય અને સંયમ દાખવ્યો હતો. પ્રથમ ગેમ નિકટના સંઘર્ષમાં ગુમાવ્યા બાદ તેણે મજબૂત વાપસી કરી હતી અને પ્રતિકને હરાવી ગુજરાતને યાદગાર જીત અપાવી યજમાન ટીમ માટે ઉજવણીનો માહોલ સર્જ્યો હતો.

ગઈકાલે રમાયેલા સેમિફાઇનલમાં પણ બે રસપ્રદ મુકાબલા જોવા મળ્યા હતા, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રે સમાન 3-1ની જીત સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સેમિફાઇનલમાં ગુજરાત સામે તમિલનાડુએ પ્રથમ ગેમમાં લીડ મેળવી હતી જ્યાં કે. અક્ષય ભૂષણે દેવને સીધી ગેમમાં હરાવ્યો હતો. પરંતુ ગુજરાતે ઝડપથી જવાબ આપ્યો, વિવાને આકાશ રાજાવેલુને 11-9, 11-5, 6-11, 11-9 થી હરાવી સ્કોર સમાન કરી લીધો હતો. ત્યારબાદ ડબલ્સ મુકાબલામાં દેવ અને વિવાને અક્ષય અને જે.એન. સંજય અરવિંધ સામે 12-10, 6-11, 11-4, 11-2 થી જીત મેળવી ગુજરાતને લીડ અપાવી હતી. અંતે વિવાને અક્ષય સામે કઠિન પાંચ ગેમના મુકાબલામાં 12-14, 13-11, 11-8, 6-11, 11-5 થી જીત મેળવી ગુજરાતને ફાઇનલમાં પહોચાડી દીધું હતું.

પરિણામ: અંડર-15 યુથ બોયઝ ટીમ ચેમ્પિયનશિપ.

ફાઇનલ: ગુજરાતે મહારાષ્ટ્રને 3-2 થી હરાવ્યું

(દેવ ભટ્ટ નિલય પટ્ટેકર સામે 7-11, 6-11, 8-11 થી પરાજિત; વિવાન દવે પ્રતિક તુલસાણી સામે 3-11, 11-9, 12-10, 11-6 થી જીત; દેવ/વિવાને નિલય/પ્રતિક સામે 11-5, 11-9, 5-11, 12-10 થી જીત; વિવાન નિલય સામે 11-7, 9-11, 11-5, 4-11, 13-15 થી પરાજિત; દેવ પ્રતિક સામે 14-16, 13-11, 12-10, 11-2 થી જીત).

સેમિફાઇનલ:

ગુજરાતે તમિલનાડુને 3-1 થી હરાવ્યું

(દેવ કે. અક્ષય ભૂષણ સામે 6-11, 7-11, 5-11 થી પરાજિત; વિવાને આકાશ રાજાવેલુ સામે 11-9, 11-5, 6-11, 11-9 થી જીત; દેવ/વિવાને અક્ષય/જે.એન. સંજય અરવિંધ સામે 12-10, 6-11, 11-4, 11-2 થી જીત; વિવાને અક્ષય સામે 12-14, 13-11, 11-8, 6-11, 11-5 થી જીત).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *