અમદાવાદ
છેલ્લા સાડા ચાર દાયકાથી અમદાવાદમાં ક્રિકેટ કોચ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર કોચ એમ.એસ કુરેશીનું ટુંકી માંદગી બાદ ૮૧ વર્ષની વયે બુધવારે અમદાવાદમાં નિધન થયું હતું.

૧૯૭૭માં અમદાવાદના નવરંગપુરા ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટનું કોચિંગ શરૂ કરનાર કુરેશી સરે તેમના સાડા ચાર દાયકા દરમિયાન ૯૦ હજારથી વધુને ક્રિકેટનું કોચિંગ આપ્યું હતું. તેમની પાસે તાલિમ મેળવનારા સંખ્યાબંધ ક્રિકેટર્સે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઉચ્ચકક્ષાનું ક્રિકેટ રમ્યા છે. મૂળ જામનગરના કુરેશી સાહેબનો પાર્થિવ દેહ તેમના વતન ખાતે લઈ જવાયો હતો અને તેમની દફનવિધિ કરાઈ હતી.
૧૯૮૦ના દાયકાની શરૂઆતથી લગભગ ૨૦૧૦ સુધીમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમમાં ઓછામાં ઓછા ૩થી ચાર એવા ખેલાડી રહેતા હતા જેઓ કુરેશી સર પાસે તાલિમ લઈને તૈયાર થયા હોય.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના રમતગમત પત્રકાર સંઘે તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને ટ્રોફી એનાયત કરાઈ હતી.
