આરોગ્ય પ્રફુલ પાનસેરિયાએ બન્ને ઉમેદવારનું સન્માન કર્યું
સુરત
સુરત જિલ્લાની કામરેજ તાલુકા પંચાયતની પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી ગણેશ કર્યા છે. તાલુકા પંચાયતની બે મહત્વની બેઠકો – સેવણી અને ડુંગરા પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બિનહરીફ ઉમેદવારોનું સન્માન
સેવણી બેઠક પરથી ભાજપના યુવા કાર્યકર વિશાલસિંહ દેસાઈ અને ડુંગરા બેઠક પરથી સક્રિય મહિલા અગ્રણી સીમા જયેશ પટેલ બિનહરીફ વિજેતા થયા છે. આ જીતને વધાવવા માટે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ બંને નવનિર્વાચિત સદસ્યોને કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે રૂબરૂ બોલાવી પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા.
વિકાસના કામોને વેગ આપવા સૂચના
આ પ્રસંગે પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, “સામેના પક્ષોએ ભાજપના વિકાસલક્ષી માહોલને જોઈને ચૂંટણી ન લડવાનો સંકલ્પ કર્યો છે, જે ભાજપની નીતિઓ પર લોકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. તેમણે બંને ઉમેદવારોને લોકોના પડતર પ્રશ્નો ઉકેલવા અને વિસ્તારમાં વિકાસના કામોને વધુ ગતિ આપવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.”
ટીમ કામરેજ ભાજપનો વિજય
આ પ્રસંગે કામરેજ તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ધારાસભ્યએ આ સફળતાનો શ્રેય ‘ટીમ ભાજપ કામરેજ’ અને સંગઠનની મહેનતને આપ્યો હતો. તાલુકા પંચાયતની આ બેઠકો પર કેસરિયો લહેરાતા આગામી દિવસોમાં ભાજપ વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
