ખાડિયાએ કોંગ્રેસની લાજ બચાવી, પહેલી વાર ભાજપની આખી પેનલ હારી ગઈ

Spread the love

કોંગ્રેસના મીના નાયક, બિરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલિયાસ પઠાણનો વિજય

અમદાવાદ

અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપનો વર્ષો જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ક્લિન સ્વિપ કર્યું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ઘણાં વર્ષો પછી ખાડિયામાં પહેલીવાર ભાજપની આખી પેનલ હારી ગઈ છે.  

કોંગ્રેસના વિજેતા ઉમેદવારો

ખાડિયાની પ્રજાએ કોંગ્રેસની આખી પેનલને ભવ્ય વિજય અપાવ્યો છે, જે ચારેય ઉમેદવારોમાં મીના નાયક, બિરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી, મોહમ્મદ ઇલિયાસ પઠાણનો સમાવેશ થાય છે.

ખાડિયા બચાવો આંદોલન ભાજપને ભારે પડ્યું 

ખાડિયામાં આડેધડ વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં ભારે રોષ હતો. આ મુદ્દે ખાડિયા બચાવો આંદોલન ચલાવતા આગેવાને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર જેવા દિગ્ગજોને મોકલી તેમને મનાવવા પ્રયાસ કર્યા, પણ નિષ્ફળતા મળી, જે ભાજપને ભારે પડ્યું.

25000 મતદારોના નામ કમી થયા

ઐતિહાસિક પોળો ધરાવતો આ વિસ્તાર કોમર્શિયલ બાંધકામોને કારણે પોતાની અસલ ઓળખ ગુમાવી રહ્યો છે. પરિવારો મોટા થતા અને સમસ્યાઓ વધતા મૂળ અમદાવાદીઓ (ભાજપની પરંપરાગત વોટબેંક) અહીંથી સ્થળાંતર કરી ગયા છે. એસઆઇઆર બાદ અહીંથી અંદાજે 25,000 જેટલા મતદારોના નામ કમી થયા, જે હારનું નિર્ણાયક કારણ બન્યું.

વિકાસના દાવા પોકળ

ભાજપે આ વખતે પણ વિકાસના મુદ્દે મત માંગ્યા હતા, પરંતુ સ્થાનિકો માટે હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ કોમર્શિયલ બાંધકામ રોકવા એ મુખ્ય મુદ્દો હતો. કોંગ્રેસ અને અપક્ષોએ આ જ નસો પકડીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *