આ પ્રોપર્ટીમાં 40,000 ચોરસ ફૂટનો ભવ્ય પિલરલેસ બોલરૂમ આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદ
ગુજરાતના હોસ્પિટાલિટી અને ઇવેન્ટ સેક્ટરને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ‘ધ ફોરમ હોટલ એન્ડ કન્વેન્શન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી પ્રોપર્ટી ૧૯૫ ભવ્ય રૂમ્સ અને સ્યુટ્સ ધરાવે છે, જે તેની બાજુમાં જ આવેલી ‘વિન્ડહામ અમદાવાદ શેલા’ સાથે આંતરિક રીતે જોડાયેલી છે. વિન્ડહામના ૧૯૨ પ્રીમિયમ રૂમ્સ અને સુવિધાઓ સાથે મળીને હવે અહીં કુલ ૩૮૭ લક્ઝરી રૂમ્સનો વિશાળ ઇન્વેન્ટરી આધાર ઉપલબ્ધ બન્યો છે. આ સંયુક્ત પ્રોજેક્ટ ગુજરાતમાં મોટા પાયાના લગ્ન સમારોહ, આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટેની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
અંદાજે ૧૨,૦૦,૦૦૦ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ ડેસ્ટિનેશન એકસાથે ૫,૦૦૦ મહેમાનોની યજમાની કરવાની ક્ષમતા ધરાવે છે, જે તેને રાજ્યના સૌથી મોટા ઇવેન્ટ-લક્ષી હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સમાં સ્થાન અપાવે છે. આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓની સાથે અહીં અંદાજે ૧,૫૦૦ વાહનો માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે, જે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં આયોજિત થતા હાઈ-ફૂટફોલ કાર્યક્રમો માટે અત્યંત મહત્વનું પાસું સાબિત થશે.
ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો, ‘ધ ફોરમ હોટલ એન્ડ કન્વેન્શન’ માં ૩૨થી વધુ અત્યાધુનિક બેન્ક્વેટ વેન્યુ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ૪૦,૦૦૦ ચોરસ ફૂટનો ભવ્ય ‘પિલરલેસ’ (થાંભલા વગરનો) બોલરૂમ મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત, કોન્ફરન્સ રૂમ્સ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ધરાવતું ઓડિટોરિયમ તેને ‘માઈસ’ (MICE – Meetings, Incentives, Conferences, and Exhibitions) ક્ષેત્ર માટે આદર્શ બનાવે છે. અહીં એક જ સમયે અનેક કાર્યક્રમોનું સરળતાથી સંચાલન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પ્રોપર્ટી માત્ર રહેવા કે ઇવેન્ટ પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેરમાં એક નવી લાઇફસ્ટાઇલ પણ રજૂ કરે છે. અહીં ગ્લોબલ ક્યુઝિન પીરસતી પ્રીમિયમ રેસ્ટોરન્ટ ‘ઓરી’ (Aurii), શહેરમાં અનોખો ફ્રેન્ચ અનુભવ આપતી ‘+33’ અને મનોરંજન માટે ‘રિસ્કે’ (Risqué) નાઇટ ક્લબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ‘ફોર્થ’ નામનો એક નવો ક્યુલિનરી કન્સેપ્ટ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.
આ લોન્ચિંગ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “ધ ફોરમ હોટલ એન્ડ કન્વેન્શન’ના માધ્યમથી અમારો પ્રયાસ ગુજરાતની વિકાસગાથા અને મહત્વાકાંક્ષાને અનુરૂપ એક શ્રેષ્ઠ ડેસ્ટિનેશન પૂરું પાડવાનો છે. અમારો ઉદ્દેશ્ય માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો નથી, પરંતુ એક એવું સ્થળ બનાવવાનો છે જ્યાં લોકો યાદગાર સંભારણાં બનાવી શકે. અમે દરેકને’ ધ ફોરમ’માં પધારીને આ આધુનિક હોસ્પિટાલિટીનો અનુભવ લેવા માટે આમંત્રિત કરીએ છીએ.”
પોતાના વિશાળ કદ અને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ સાથે ‘ધ ફોરમ હોટલ એન્ડ કન્વેન્શન’ આગામી સમયમાં ગુજરાતના ટૂરિઝમ અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં એક મહત્વનું કેન્દ્ર બની રહેશે.
