કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી
દરેક ભારતીયએ જીવનમાં એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવી જોઈએ : કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપી

રાજપીપળા
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત “વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ” વિષયક બે દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળામાં સહભાગી થયેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ મંગળવારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રાષ્ટ્રનાયક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યશાળાના બીજા દિવસે સવારે બંને મંત્રીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ વ્યુઈંગ ગેલેરી સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી સરદાર સરોવર નર્મદા ડેમ, આસપાસના પર્વતીય વિસ્તાર અને નર્મદા નદીના મનોહર દ્રશ્યોનું અવલોકન કરી એકતાનગરમાં વિકસિત થયેલી વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓની પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટર બુકમાં પોતાના ભાવ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “ભારતની એકતાના સૂત્રધાર, રિયાસતોના વિખેરાયેલા મોતીને એક સૂત્રમાં ગૂંથી મા ભારતીના કંઠનો હાર બનાવનાર મહામાનવની વિશ્વની સર્વોચ્ચ પ્રતિમાનું નિર્માણ નરેન્દ્ર મોદીના માધ્યમથી કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી અર્પિત થયેલું શ્રદ્ધાસુમન છે. આ પ્રેરણાસ્થળના માત્ર દર્શન જ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની અદભૂત પ્રેરણા જાગૃત કરે છે. આ વિચારના અધિષ્ઠાતાને અભિનંદન. મહામાનવને શ્રદ્ધાના સુમન.”
માધ્યમો સાથેના સંવાદ દરમિયાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની દુરદર્શિતા, અદમ્ય ઈચ્છાશક્તિ અને અખંડ રાષ્ટ્રભાવનાના કારણે જ આઝાદી પછી વિવિધ રજવાડાઓમાં વિખરાયેલા ભારતને એકતાના સૂત્રમાં બાંધવું શક્ય બન્યું હતું. આજે 140 કરોડથી વધુ ભારતીયો ગૌરવપૂર્વક પોતાને ભારતીય કહી શકે છે, તેમાં સરદાર સાહેબનું અમૂલ્ય યોગદાન રહેલું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ નથી, પરંતુ તે દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનું જીવંત પ્રતિક છે. અહીં આવીને દરેક ભારતીયના મનમાં દેશભક્તિ અને સમર્પણની ભાવના વધુ મજબૂત બને છે. તેમણે કહ્યું કે, એકતાનગરમાં પ્રવાસીઓ માટે અત્યાધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળોમાં સ્થાન પામી રહ્યું છે.
કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ એવા મહામાનવ હતા જેમણે સમગ્ર ભારતવર્ષના નાગરિકો અને ભાવી પેઢી માટે એકતા અને અખંડિતતાનું સ્વપ્ન જોયું હતું અને તેને સાકાર પણ કર્યું હતું. તેમણે ભારતને એકતાના અખંડ સૂત્રમાં બાંધવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું, જેના માટે સમગ્ર રાષ્ટ્ર સદૈવ ઋણી રહેશે.
સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને તેઓ ગૌરવ અને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. તેમણે દરેક ભારતીયને આ પ્રેરણાભૂમિની મુલાકાત લઈ સરદાર સાહેબના જીવનમૂલ્યો અને રાષ્ટ્રસેવાના આદર્શોથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતુ.
કેન્દ્રીય મંત્રીઓ શેખાવત અને ગોપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણએ સ્વાગત કરીને સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી હતી, સાથે નાયબ કલેક્ટર સર્વશ્રી પ્રિતેશ પટેલ અને અભિષેક સિંહા પણ જોડાયા હતા.
