સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસમાં 24 કલાકમાં તપાસ પૂર્ણ, 4 સીનિયર ડોક્ટર સસ્પેન્ડ

Spread the love

રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી; HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ

સુરત:

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વિશેષ તપાસ કમિટીએ સતત કામગીરી કરીને માત્ર 24 કલાકમાં તપાસ પૂર્ણ કરી હતી. તપાસમાં રેગિંગ અને માનસિક ત્રાસની બાબત સામે આવ્યા બાદ ચાર સીનિયર ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

24 કલાકમાં તપાસ પૂર્ણ, 80થી વધુ જુનિયર ડોક્ટરોના નિવેદન

આરોગ્ય મંત્રીની સૂચના બાદ રચાયેલી વિશેષ તપાસ કમિટીએ રાત્રે 9:30 વાગ્યાથી સવાર સુધી સતત કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રથમ વર્ષના 80થી વધુ જુનિયર ડોક્ટરોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. મૃતક ડોક્ટર પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી ન હોવા છતાં, તેમની સાથે અભ્યાસ કરતા સહઅધ્યાયીઓના નિવેદનોમાં સીનિયર ડોક્ટરો દ્વારા વારંવાર માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી.

રેગિંગના આરોપમાં 4 સીનિયર ડોક્ટરો સસ્પેન્ડ

એન્ટી રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલના આધારે માનસિક ત્રાસ આપવા માટે સીધી રીતે જવાબદાર ગણાયેલા ચાર સીનિયર ડોક્ટરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. ચારેય ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી તબીબી સંસ્થાઓમાં રેગિંગ અને માનસિક હેરાનગતિ સામે સરકારનું કડક વલણ સ્પષ્ટ થયું છે.

HOD સહિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ

જુનિયર ડોક્ટરોની સુરક્ષા અને યોગ્ય સંચાલનની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેવાના મુદ્દે નવી સિવિલ હોસ્પિટલના સંબંધિત વિભાગના HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. તેમની પાસેથી સમગ્ર મામલે જવાબ માંગવામાં આવ્યો છે. તપાસના આધારે આગળ પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે.

‘જુનિયરોને ત્રાસ આપવો આપણી સંસ્કારિતા નથી’: આરોગ્ય મંત્રી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, જુનિયર ડોક્ટરોનું અપમાન કરવું કે તેમને માનસિક ત્રાસ આપવો એ આપણી સંસ્કારિતા નથી. તેમણે સીનિયર ડોક્ટરોને શિસ્ત અને માનવતા જાળવવા અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે તબીબી ક્ષેત્રે સેવા આપવા આવેલા કોઈપણ વ્યક્તિ દ્વારા રેગિંગ જેવી પ્રવૃત્તિ કરવામાં આવશે તો આ કલંક તેમની આખી જિંદગી અને ભવિષ્યની કારકિર્દીને બરબાદ કરી શકે છે.

‘આત્મહત્યા જેવા પગલાં ન ભરો, સીધો મારો સંપર્ક કરો’

મંત્રીએ જુનિયર ડોક્ટરો અને વિદ્યાર્થીઓને ભાવુક અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોલેજમાં કોઈ સીનિયર દ્વારા હેરાનગતિ, રેગિંગ અથવા પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવે તો મનમાં ઘૂંટાવાની કે આત્મહત્યા જેવા પગલાં લેવાની કોઈ જરૂર નથી. આવી પરિસ્થિતિમાં ડર્યા વગર તાત્કાલિક ડીન, કોલેજના નિયામક અથવા રાજ્ય સરકારનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓની સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર તેમની સાથે ઊભી છે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

મૃતક ડોક્ટરના પરિવારને ન્યાયની ખાતરી

ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મૃતક ડોક્ટરના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી. મંત્રીએ પરિવારને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર માનવતાવાદી અભિગમ સાથે આ દુઃખની ઘડીમાં તેમની સાથે છે. ઘટનામાં જવાબદાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને મૃતક ડોક્ટર તથા તેમના પરિવારને સંપૂર્ણ ન્યાય મળે તે માટે સરકાર જરૂરી તમામ પગલાં લેશે તેમ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *