ગાંધીનગરમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

Spread the love

‘અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર:

ગાંધીનગરના સેક્ટર-29/1 સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1થી 19 વર્ષ સુધીના 1.84 કરોડથી વધુ બાળકો અને કિશોર-કિશોરીઓને કૃમિનાશક દવા આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

1.84 કરોડથી વધુ બાળકોને કૃમિનાશક દવા આપવાનો લક્ષ્યાંક

કાર્યક્રમને સંબોધતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ‘અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે બાળકો અને કિશોરોના આરોગ્યને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત રાજ્યભરમાં 19 વર્ષ સુધીની વયના 1 કરોડ 84 લાખથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવા આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમનું સ્વાસ્થ્ય મજબૂત હોવું અત્યંત જરૂરી છે. કૃમિની સમસ્યાના કારણે બાળકોમાં લોહીની ઉણપ સહિતની આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી સમયસર કૃમિનાશક દવાનું સેવન કરાવવું જરૂરી છે.

બાળકો સાથે આરોગ્ય અને સંસ્કાર અંગે સંવાદ

આરોગ્યમંત્રીએ કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો સાથે રસપ્રદ સંવાદ પણ સાધ્યો હતો. તેમણે બાળકોને દૈનિક જીવનમાં સ્વચ્છતા જાળવવા, સારી અને સ્વસ્થ ટેવો કેળવવા તેમજ પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રેરણા આપી હતી. સાથે જ માતા-પિતા પ્રત્યે આદરભાવ રાખવા અને જીવનમાં સારા સંસ્કારોને અપનાવવા પણ તેમણે બાળકોને સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે મંત્રીએ શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. તેમણે બાળકોને વૃક્ષો અને પર્યાવરણની જાળવણીમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

એનિમિયા અટકાવવા કૃમિનાશક દવા મહત્વપૂર્ણ

સ્વાગત પ્રવચનમાં આરોગ્ય કમિશનર, ગ્રામ્ય ડો. રતનકવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે, 1થી 19 વર્ષના બાળકો અને કિશોરોમાં કૃમિના કારણે થતા એનિમિયાને અટકાવવા માટે આ ઝુંબેશ અત્યંત મહત્વપૂર્ણ છે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આંગણવાડી કાર્યકરોના સંકલિત પ્રયાસોથી વધુમાં વધુ બાળકો સુધી કૃમિનાશક દવા પહોંચાડવામાં આવી રહી છે. રાજ્યનું એક પણ બાળક આ મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી અભિયાનથી વંચિત ન રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય સાથે સ્વચ્છતા અંગે જાગૃતિ પર ભાર

રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ અંતર્ગત બાળકોમાં વ્યક્તિગત સ્વચ્છતા, હાથ ધોવાની ટેવ, સ્વચ્છ પાણીનો ઉપયોગ અને સ્વચ્છ આસપાસનું વાતાવરણ જાળવવા અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો થાય તથા તેઓ શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય રીતે ભાગ લઈ શકે તે દિશામાં આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

મહાનુભાવો અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો. જોષી, આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નયન જાની, નાયબ માહિતી નિયામક ડો. શૈલેષ પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *