‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિથી વિકસિત ભારત@2047’ની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
નવી દિલ્હી
દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વાતંત્ર્ય દિવસ ભવ્ય રીતે ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું વિશેષ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રથમવાર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રગીતનું ગાન રહેશે. આ ઉપરાંત ‘યુવા શક્તિથી વિકસિત ભારત@2047’ને પણ ઉજવણીના કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે.
લાલ કિલ્લા પરથી પહેલીવાર ગુંજશે ‘વંદે માતરમ’
રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહે 10 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના લાલ કિલ્લા પર આગમન સમયે ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને દેશને સંબોધન કરશે. લાલ કિલ્લાની સામે જ્ઞાનપથ પર NCC અને MY Bharatના આશરે 2,500 યુવક-યુવતીઓ ‘વંદે માતરમ’ની રચના કરશે.
150 વર્ષની સફરને દર્શાવતી વિશેષ તૈયારીઓ
ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ‘વંદે માતરમ’ના 150 વર્ષની ઉજવણીનું બેનર લઈને લાલ કિલ્લા ઉપરથી પસાર થશે અને ઉપસ્થિત લોકો પર પુષ્પવર્ષા કરશે. 8 ઓગસ્ટથી દેશભરમાં વિવિધ સ્થળોએ સૈન્ય બેન્ડના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જે 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, NCC ઉપરાંત CRPF, ITBP, CISF, SSB, BSF, RPF અને આસામ રાઇફલ્સ સહિતના બેન્ડ 343 સ્થળોએ દેશભક્તિપૂર્ણ સંગીત કાર્યક્રમો રજૂ કરશે.
‘યુવા શક્તિ’ બનશે ઉજવણીનું મુખ્ય કેન્દ્ર
આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં યુવાનોની સિદ્ધિઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ-2026ના 19 મેડલ વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
લાલ કિલ્લા પરની સજાવટમાં પરમાણુ અને અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ તેમજ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણની યાત્રાને પણ દર્શાવવામાં આવશે.
5,000 વિશેષ મહેમાનોને આમંત્રણ
આ ભવ્ય સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા આશરે 5,000 વિશેષ મહેમાનો હાજરી આપશે. તેમાં યુવા ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, PM કૌશલ વિકાસ યોજનાના શ્રેષ્ઠ તાલીમાર્થીઓ, MY Bharat વોલન્ટિયર્સ, મહિલા ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો, ખેડૂતો, કારીગરો, સફાઈ કર્મચારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરંપરાગત પોશાકમાં સજ્જ 1,500થી વધુ દિલ્હી સ્થિત લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જે લાલ કિલ્લા પર ભારતની વિવિધતાનું પ્રતિબિંબ રજૂ કરશે.
બાળકો માટે ક્વિઝ અને સ્પર્ધાઓ
સ્વાતંત્ર્ય દિવસ પહેલાં રક્ષા મંત્રાલય અને MY Gov દ્વારા નિબંધ, પેઇન્ટિંગ અને ઓનલાઈન ક્વિઝ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ‘2047 સુધી વિકસિત ભારત નિર્માણમાં AIની ભૂમિકા’, ‘ભારત 1947 વિરુદ્ધ ભારત 2047’ જેવા વિષયો પર સ્પર્ધાઓ યોજાઈ હતી. આશરે 600 વિજેતાઓ પણ ઉજવણીમાં ભાગ લેશે.
મુલાકાતીઓ માટે ખાસ સુવિધાઓ
સમારોહમાં આવતા લોકો માટે છ સ્થળોએ 25 ક્લોકરૂમ, 200 સ્વયંસેવકો, વ્હીલચેરની સુવિધા અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 15 ઓગસ્ટે સવારે 4 વાગ્યાથી મેટ્રો સેવા શરૂ થશે અને આમંત્રિત મહેમાનો માટે મેટ્રો સેવા નિઃશુલ્ક રહેશે. વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેઇન પોન્ચો તેમજ ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાની સફાઈની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સમારોહ બાદ સ્વચ્છતા અભિયાન
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ NCC કેડેટ્સ અને MY Bharat વોલન્ટિયર્સ દ્વારા લાલ કિલ્લા ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. પ્લોગિંગ અને કચરાના તાત્કાલિક નિકાલ દ્વારા ‘સ્વચ્છ ભારત’નો સંદેશ આપવામાં આવશે.
આ વર્ષે બેઠક વ્યવસ્થાના વિભાગોને ભારતની વિવિધ મોટી નદીઓના બદલે દેશના પ્રમુખ સરોવરોના નામ આપવામાં આવ્યા છે. આમ, સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશભક્તિ સાથે યુવા શક્તિ, સ્વચ્છતા, સેવા અને ‘વિકસિત ભારત@2047’ના સંકલ્પને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
