ગુજરાતે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પણ વિશ્વનું ધ્યાન ખેચ્યું: રમતગમત રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત

Spread the love

ગાંધીનગરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ, ભારત સહિત એશિયાના ૨૯ દેશોના ૪૦૦થી વધુ ખેલાડી, ટેકનિશીયન અને કોચની ઉપસ્થિતિ

ગાંધીનગર

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રમતગમત રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતના અધયક્ષસ્થાને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ભારત સહિત એશિયાના ૨૯ દેશોના અંદાજે ૪૦૦થી વધુ ખેલાડી, ટેકનિશીયન અને કોચ ભાગ લઇ રહ્યા છે.

આ પ્રસંગે ગુજરાતના રમતગમત રાજ્ય મંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, ગુજરાત હવે માત્ર વિકાસમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પણ વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. ગુજરાતમાં યોજાતી આવી ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ આપણા સ્થાનિક અને ભારતના ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. આ પ્રકારની ઇવેન્ટ્સ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તૈયાર કરવામાં અને તેમનામાં આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બનશે.

ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમદ હસન જલુદે જણાવ્યું હતું કે, ભારતને આ પ્રકારની વૈશ્વિક કક્ષાની સફળ સ્પર્ધાઓ માટે તમામ સહયોગ આપવા અમે તૈયાર છીએ. પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં પણ ભારતે ૨૯ દેશોના ખેલાડીઓ માટે આ સફળ આયોજન કર્યુ તે પ્રસંશનીય છે.

એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમદ બિન યુસેફ અલમનાએ ચેમ્પિયનશીપના સુંદર આયોજન બદલ આયોજકોનો આભાર માનતા કહ્યું હતું કે આપણે સૌ એશિયનો એક પરિવાર છીએ તેનું આપણને ગૌરવ હોવું જોઇએ. તેમણે એશિયન દેશોમાંથી આવેલા ખેલાડીઓને રમતમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ઇન્ડીયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવ અને સબિના યાદવે સ્વાગત ઉદ્દબોધન કરીને સમગ્ર સ્પર્ધાની વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સાંસદ હરિભા પટેલ, ધારાસભ્ય શ્ર રીટા પટેલ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના જનરલ સેક્રેટરી મોહમદ અહમદ અલ હરબી, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આઇ.આર.વાળા, વેઇટ લીફ્ટીંગ ફેડરેશનના હોદેદારો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *