મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલની વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી અને પંથકના નાગરિકોના નિરામય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી:- હોસ્પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી, બાળરોગ સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે:- રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર મળશે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલનો શુભારંભ
અમરેલી
રાજુલા પંથકના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજુલા મુકામે “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”નું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આ ૧૦૦ બેડની નિઃશુલ્ક હોસ્પિટલ રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલનો શુભારંભ થયો હતો.
આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થતાં રાજુલા પંથકના દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સ્થાનિક સ્તરે જ સમયસર અને ઉત્તમ સારવાર મળી શકશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ હૉસ્પિટલના આઈ.સી.યુ, ટ્રોમા સેન્ટર, ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરી અને સેવાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.
સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની પ્રરેણાથી મૂળ રાજુલાના ઉદ્યોગપતિ અનિલકુમાર નંદલાલ મહેતાના દ્વારા રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૯માં “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”ની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ઓ.પી.ડી. અને ડાયાલીસીસ જેવા વિભગોમાં પ્રતિદિન દરરોજ ૧૦૦ દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવતી હતી, જેના થકી આ યોજનાનો પાયો નંખાયો હતો.
વર્ષ ૨૦૧૯માં ૦૩ ઓક્ટોબરના રોજ આ હૉસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ હૉસ્પિટલની સંપૂર્ણ સેવાઓ આગમી ટૂંક સમયમાં શરૂ થશે, જ્યારે ઓ.પી.ડી સહિતની કેટલીક સેવાઓ ગુરૂવારથી શરૂ થશે. હૉસ્પિટલમાં લેબોરેટરી, મેડિકલ સ્ટોર અને ભોજનાલય જેવી સેવાઓ પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા, રાજુલા જાફરાબાદ મતવિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી, સાવરકુંડલા લીલીયા મતવિસ્તાર ધારાસભ્ય મહેશ કસવાલા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, એ.એસ.પી. જયવીર ગઢવી, સ્થાનિક અગ્રણીઓ, તબીબો તેમજ હોસ્પિટલના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
