ગાંધીધામ

ભારતના ખ્યાતનામ પેડલર માનુષ શાહે નાઇજીરીયાના લાગોસમાં સર મોલાડે ઓકોયા થોમસ ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ ખાતે 19થી 24મી મે દરમિયાન યોજાયેલી WTT કન્ટેન્ડર લાગોસ 2026 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે તેણે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યા હતી તથા મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં સેમિફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો.
પોતાની લાંબા સમયની જોડીદાર દિયા ચિત્તાલે સાથે મળીને ભારતની મોખરાની ક્રમાંકિત જોડીએ ફ્રાન્સના લિઓ ડી નોડરેસ્ટ અને કેમિલી લુત્ઝને 3-0 (11-8, 14-12, 11-8)થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
મિક્સ ડબલ્સમાં છઠ્ઠા ક્રમ જેવો ઉંચો ક્રમાંક ધરાવતી ભારતીય જોડીએ ઓલાજિડે ઓમોટાયો અને ડેબોરા વિવારેલ્લીની વાઇલ્ડ કાર્ડ પ્રવેશ ધારક જોડી સામે 3-0 (11-4, 11-9, 11-4)થી વિજય હાંસલ કરીને પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
ત્યાર બાદ ક્વાર્ટર ફાઇનલમાં મોખરાની ક્રમાંકિત જોડીએ બિનક્રમાંકિત એવી જાપાનની કાઝુહિરો યોશિમુરા અને રેઇના એસોની જોડીને 3-1 (11-8, 7-11, 11-9, 11-8)થી પરાસ્ત કરી હતી અને સેમિફાઇનલમાં તેમણે કેનેડાની ત્રીજા ક્રમની એડવર્ડ લી અને મો ઝાંગની જોડીને 3-0 (11-6, 11-8, 12-10)થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ સફળતા સાથે માનુષ અને દિયાએ WTT કન્ટેન્ડર ખાતે યાદગાર ‘ટ્રિપલ ક્રાઉન’ હાંસલ કર્યું હતું. તેણે WTT કન્ટેન્ડર યુનિસ 2025, WTT કન્ટેન્ડર મસ્કત 2026 અને હવે WTT કન્ટેન્ડર લાગોસ 2026 એમ ત્રણ ટાઇટલ જીત્યાં છે.
માનુષ પાસે સફળતાની ઉજવણી કરવા માટે વધુ કારણો છે કેમ કે તેણે મેન્સ ડબલ્સમાં તેના ગુજરાતના જ સાથી માનવ ઠક્કર સાથે મળીને ભાગ લીધો હતો.
ભારતની આ મોખરાની જોડીએ ફાઇનલમાં રોમાનિયાના લુલિયાન ચિરિતા અને આન્દ્રેઈ ઇસ્ત્રાટેને 3-0 (11-7, 12-10, 11-4)થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
મેન્સ ડબલ્સમા પાંચનો ક્રમાંક ધરાવતી ગુજરાતી જોડીએ રાઉન્ડ ઓફ 16માં નાઇજીરિયાના અબ્દુલબાસીત અબ્દુલફતાઇ અને મેથ્યુ ફાબુન્મીની જોડીને 3-0 (11-9, 11-3, 11-5)થી હરાવીને અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
ત્યાર બાદ તેમણે ક્વાર્ટર ફાઇનલમાં ભારતના જ વાઇલ્ડકાર્ડ પ્રવેશ ધારક મુદિત દાણી અને સાનિલ શેટ્ટીને 3-0 (11-7, 11-4, 11-6)થી અને નાઇજીરિયાના ટેઈવો માટી અને મેથ્યુ કુટ્ટીને સેમિફાઇનલમાં 3-0 (11-4, 11-6, 11-9)થી હરાવ્યા હતા.
લાગોસમાં માનુષના અદભૂત પ્રદર્શનથી તે ચાર WTT કન્ટેન્ડર ટાઇટલ જીતનારો એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો છે. તેણે ત્રણ મિક્સ ડબલ્સમાં અને એક મેન્સ ડબલ્સમાં સફળતા હાંસલ કરી છે.
ડબલ્સની સફળતા ઉપરાંત માનુષ અને માનવ બંનેએ સિંગલ્સ ઇવેન્ટ્સમાં પણ પ્રભાવિત કર્યા હતા. જ્યારે માનુષ મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો જેને પરિણામે તેને વર્લ્ડ ટોપ-50 રેન્કિંગમાં પ્રવેશવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. બીજી તરફ માનવ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હોવાથી વર્લ્ડ ટોપ-30માં તેનું સ્થાન મજબૂત થયું છે.
ટુર્નામેન્ટ બાદ 25 વર્ષીય માનુષે કહ્યું હતું કે લાગોસ અભિયાન તેની કારકિર્દીમાં એક ખાસ સીમાચિહ્નરૂપ બની રહ્યું છે. “આ અમારું પ્રથમ મેન્સ ડબલ્સ ટાઇટલ છે, ભલે અમે લગભગ એક વર્ષ સુધી વિશ્વના ટોચના આઠ ખેલાડીઓમાં હતા અને કદાચ તેથી જ આ ખાસ છે. મિક્સ ડબલ્સમાં લાગોસ 2026ની જીતે મને અને દિયાને ટ્રિપલ ક્રાઉન અપાવ્યો. વધુ મહત્ત્વની વાત એ છે કે, હું મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ ટોપ-50માં પ્રવેશવાનો લક્ષ્યાંક રાખતો હતો અને અહીં મારા સેમિફાઇનલના દેખાવને કારણે નવી રેન્કિંગ જાહેર થશે ત્યારે આ લક્ષ્ય પ્રાપ્ત થશે,” તેમ માનુષે જણાવ્યું હતું.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ ખેલાડીઓને અભિનંદન આપતા કહ્યું હતું કે માનુષ અને માનવ હાલમાં અસાધારણ ફોર્મમાં છે અને ગુજરાતી પેડલર્સ માટે હવે કોઈ પણ સ્વપ્ન અધૂરું દેખાતું નથી.
