ક્રિસ્ટી જ્યોર્જને હરાવી એકમાત્ર લીડર બન્યા; કેટેગરી ‘બી’માં આશુતોષ બેનર્જી ચેમ્પિયન, રૂ. 1.25 લાખનું ઇનામ જીત્યું
અમદાવાદ
અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026માં મહારાષ્ટ્રના ફીડે માસ્ટર કૈવલ્ય સંદીપ નાગરેએ શાનદાર પ્રદર્શન કરતાં પાંચમા રાઉન્ડ બાદ એકમાત્ર લીડર તરીકે સ્થાન મેળવ્યું છે. કૈવલ્યએ પાંચેય મુકાબલામાં જીત મેળવી પાંચ પોઈન્ટનો સંપૂર્ણ સ્કોર નોંધાવ્યો છે.
પાંચમા રાઉન્ડમાં કૈવલ્યનો મુકાબલો રાતોરાત સંયુક્ત લીડર ક્રિસ્ટી જ્યોર્જ સામે થયો હતો. આ મહત્વપૂર્ણ મુકાબલામાં કૈવલ્યએ જીત મેળવી ટૂર્નામેન્ટમાં પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે. દસ રાઉન્ડની સ્વિસ પદ્ધતિની આ સ્પર્ધાના અડધા તબક્કા બાદ તેઓ સ્પષ્ટ લીડ સાથે આગળ વધી રહ્યા છે.
બીજી તરફ, ટોચના બોર્ડ પર રમાયેલી વધુ એક રસપ્રદ મેચમાં કેરળના આદિક થિયોફેન લેનિનને ટૂર્નામેન્ટનો પ્રથમ પરાજય ભોગવવો પડ્યો હતો. પાંચ વખતના કોમનવેલ્થ ચેસ ચેમ્પિયન ગ્રાન્ડમાસ્ટર અભિજીત ગુપ્તાએ તેને હરાવીને ટાઇટલની રેસમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
પાંચ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 4.5 પોઈન્ટ સાથે ગ્રાન્ડમાસ્ટર અભિજીત ગુપ્તા, ઇન્ટરનેશનલ માસ્ટર એથન વાઝ, ગ્રાન્ડમાસ્ટર સાયંતન દાસ, ઇન્ટરનેશનલ માસ્ટર મયંક ચક્રવર્તી, FIDE માસ્ટર વિવાન વિશાલ શાહ અને કેન્ડિડેટ માસ્ટર નૈતિક મહેતા બીજા ક્રમે સંયુક્ત રીતે આગળ વધી રહ્યા છે. હજુ પાંચ રાઉન્ડ બાકી હોવાથી ચેમ્પિયનશિપની રેસ અત્યંત રોમાંચક બની છે.
રૂ. 25 લાખના ઇનામ ભંડોળ ધરાવતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનો છઠ્ઠો રાઉન્ડ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે ચાલી રહ્યો હતો.
કેટેગરી ‘બી’ના પરિણામો
દરમિયાન, કેટેગરી ‘બી’ ટુર્નામેન્ટમાં છત્તીસગઢના ટોચના ક્રમાંકિત ખેલાડી આશુતોષ બેનર્જીએ 10 રાઉન્ડમાંથી 8.5 પોઈન્ટ મેળવી ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. તેને વિજેતા તરીકે રૂ. 1.25 લાખનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. બિહારના વિવેક શર્મા અને મહારાષ્ટ્રના શ્રેયસ ઘડીયે પણ 8.5 પોઈન્ટ મેળવ્યા હતા, પરંતુ ટાઈ-બ્રેકના આધારે તેઓ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય રનર-અપ બન્યા હતા.
